Wednesday, May 21, 2014

                         ઈડર ના ભક્ત સાંયા જુલા


ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી.

  ઈડર શહેર માં સાંયા જુલા નામે એક મહા સંત થઈ ગયા, જે રાજ્ય ના ઉચ્ચ કોટીના રાજ કવી હતા, અને તેમણે નાગ દમન નામે ગ્રન્થ લખ્યો હતો, ભગવાન શ્રી દ્વારકેશ ના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે દ્વારિકા માં આરતી નો સમય થાય ત્યારે ભક્ત દ્વારિકા મંદિર માં એક ખાસ જગ્યા પર ઊભારહી ને અચૂક દર્શન કરતા જોવા મળતા, અને તેથીજ હર રોજ આવનારા દર્શનાર્થીઓ હર હંમેશ ભક્ત ની ઊભા રહેવાની જગ્યા થી થોડા દૂર ઊભા રહેતા જેથી ભક્ત ને દર્શન કરવા માં ખલેલ ન પડે, પણ આ વાતની જાણ ઈડરમાં કોઈને ન હતી, કારણ કે ઈડરમાં જ્યારે રાજ દરબાર ભરાતો ત્યારે સાંયા જુલા ભક્ત દરબાર માં હાજર રહેતા, તેથી તેમની ટેકની જાણ કોઈને ન હતી.
   એક વખત ભક્ત દ્વારિકા દર્શને પધાર્યા ત્યારે કહેવાય છે કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાન ને રૂબરૂ માં નાગ દમન ગ્રંથ સંભળાવ્યો. પ્રભુ બહુ ખુશ થયા અને ભક્ત ને વર માંગવા કહ્યું, ત્યારે ભક્તે કહ્યું કે પ્રભુ હૂંતો અજાચી ચારણ છું, હું માંગું નહીં, ભગવાન કહે ભક્ત તમે ચારણ છો અને હું રાજા છું, મારે આપવાનો ધર્મ છે અને આપને લેવાનો ધર્મ છે, માટે માંગો, પણ ભક્ત એક ના બે ન થયા અને સમય આવ્યે પ્રભુની રજા લઈને ઈડર પધારી આવ્યા. પણ પ્રભુ ને મનમાં થયું કે આવા ભક્ત ને મેં કંઈ આપ્યું નહીં, તેથી એક સાંઢણી પર સન્માન જનક યોગ્ય પુરસ્કાર ભરીને ઈડર ભક્તના નામે પત્રિકા લખીને મોકલી આપી. આતો પ્રભુની મોકલેલી સાંઢણી, ભક્ત ની ભાળ મેળવી ને તેમના દ્વારે આવી. ભક્તે ચીઠ્ઠિ વાંચી ને ગદ ગદ થઈ ગયા, અને મનો મન પ્રભુ ને વંદન કર્યા.

   એક સમયે હકડા ઠઠ દરબાર ભરાયો છે, સર્વે દરબારીઓ યથા યોગ્ય ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે ભક્ત એકદમ ઊભા થઈને જાણે કૈંક અજુગતું બન્યું હોય તેમ હાથ પછાડતા હોય એમ કરવા લાગ્યા, બધા દરબારીઓ સાથે મહારાજ શ્રી પણ અચરજ પામી ને જોવા લાગ્યા કે સાંયા જુલાજી આ શું કરે છે ? થોડી વાર પછી બધું રાબેતા મુજબ થઈ ગયું, ત્યારે મહારાજા એ પૂછ્યું કે ભક્ત આ આપ શું કરતા હતા ? ત્યારે ભક્તે વાત ટાળવાની કોશિશ કરી, પણ આતો રાજ હઠ, જીદ કરી કે ના, આમાં કંઈક મર્મ છે, આપ મને બતાવો, આપના જેવા મહા માનવના વર્તનમાં જરૂર કંઈક છુપાયેલું હોય, ત્યારે ભક્તે કહ્યું કે રાજન આપના આગ્રહ થી મારે કહેવું પડેછે કે હમણાં દ્વારિકામાં આરતીનો સમય થવા આવ્યો હતો, પૂજારી મહારાજ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા, ભગવાન ના વાઘા બદલવા માટે પુજારીજી બાજુના અંતરવાસ માં ભગવાન ના નવા વાઘા લેવા પધારેલા, મૂર્તિ પાસે જે દીવો રાખવામાં આવેછે તેની બાજુમાં અંતર પટ માટે રાખેલો પડદો આ દીવાને સ્પર્શી ગયો, અને પછી ભગવાને પહેરેલા વાઘાને અટકી જતાં તેમાં પણ આગ લાગી તેથી હું એ આગ ઓલવતો હતો જેથી પ્રભુ દાઝે નહીં.
આખી સભા સ્તબ્ધ બની ગઈ, આમાં કોઈ શંકા કરવા જેવી વાત ન હતી, કારણ કે આવા સંતો જૂઠું બોલે એતો કોઈ વિચારે જ નહીં, પણ મહારાજાએ એ સમય અને દિવસ નોંધ કરીને બુધ્ધિશાળી લોકો ને ખાત્રી કરવા માટે દ્વારિકા રવાના કર્યા.    
દ્વારિકામાં આવીને રાજાના દૂતોએ મહારાજાએ મોકલેલી ભેટ દ્વારિકાધીશ ના ચરણોમાં ધરી ને પુજારીજી સાથે ઉપરોક્ત ઘટના વિષે ચર્ચા કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે પૂજારીજી એ કહ્યું કે "હા એ વાત સાચી છે, તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી, પણ સાંયાજીએ લાજ રાખી, જો તેમણે સમય સર વાઘા ઠાર્યા ન હોત તો કદાચ ઠાકોરજી ને પણ આગે દઝાડ્યા હોત."
દૂતો અચરજ પામ્યા અને વિગતથી વાત જાણ્યા પછી પૂજારીજી ને કહ્યું કે "ભુદેવ સાંયા જુલાજી તો ઈડર માં રહે છે, અને ત્યાંના રાજ કવી છે, અને આપ જે સમય ની વાત કરો છો ત્યારેતો તેઓ ઈડરમાં રાજ દરબાર માં ઉપસ્થિત હતા તો અહીં વાઘા કેવી રીતે ઠારી શકે ?"  ત્યારે ભુદેવે જવાબ આપ્યો કે "ભાઈ તમારી કંઈક ભૂલ થતી હશે, આ ભક્ત તો દર રોજ આરતીના સમયે અચૂક આજ જગ્યા પર ભગવાન ના દર્શન કરવા હાજર  હોય છે, પણ અમે ક્યારેય તેઓ ક્યાં વસેછે એ બાબત ની ચર્ચા નથી કરી, પરંતુ દર રોજ આરતી ના સમયે અહીં પધારતા હોઈ ને તેઓ આટલાં જ કોઈ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, એમ અમારું માનવું છે. તેથી તમારી ઈડર વાળી વાત અમારી સમજ થી બહાર છે, પણ તમારે ખાતરી કરવી હોય તો આરતી સમયે અહિં હાજર રહેજો બધી વાત નો ખુલાસો થઈ જશે."  
દૂતોએ પણ પૂર્ણ ચકાસણી કરવા માટે ભૂદેવો એ દર્શાવેલી જગ્યાની બાજુ માંજ ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
આરતી નો સમય થયો ત્યાં તો ભક્ત સાંયાજી ભગવાન દ્વારકેશને નત્ત મસ્તક હાથ જોડીને પોતાના નિયત સ્થાન પર પધાર્યા, આ જોઈને દૂતો તો સ્તબ્ધ બની ગયા, ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા? અમોને વાયુ વેગી અશ્વો પર આવતાં પણ કેટલો બધો સમય લાગ્યો તો ભક્તરાજ દરરોજ અહીં કેવી રીતે પધારી શકે? પણ નજર ની સામે જે દેખાતું હોય તેની અવગણના પણ કેમ થઈ શકે? છતાં પૂર્ણ ખાતરી કરવા દૂતો અમુક દિવસો દ્વારિકા માં રોકાયા અને આરતી ના સમયે મંદિરમાં હાજર રહ્યા, ભક્તરાજ ને દર રોજ આરતીમાં ઉપસ્થિત જોઈને તેઓ પણ ગદ ગદ બનીને ભગવાન ની સાથો સાથ ભક્તના પણ ચરણોમાં આળોટી પડ્યા.

આ બધા સંસ્મરણો સાથે લઈને દૂતો ઈડર પહોંચ્યા અને ભર્યા દરબાર માં બધી વાત કરી ત્યારે મહારાજા ની સાથો સાથ આખો દરબાર મંત્ર મુગ્ધ બનીને ભક્તરાજ ના ચરણોમાં આળોટી પડ્યો.

આ હતા રાજસ્થાન ના ગૌરવ સમા મહાન ચારણ સંત સાંયા જુલા.
જય દ્વારિકેશ.  

No comments:

Post a Comment