Thursday, May 29, 2014

                           કહેવાતા કલાકાર. 

  પહેલાં ના જમાનામાં સંતો મહંતો, ભક્તો કે કોઈ પણ કલાના મહારથીઓ ને રાજ્ય તરફથી સ્વરક્ષણ અને વર્ષાસન મળતું, કોઈ પણ કલા ભક્તિ કે કાવ્ય રચયિતા ની ત્યારે કદર થતી, શબ્દોની સમજ હતી, વિદ્વાનો વચ્ચે તેની ચર્ચાઓ થતી અને એના અર્થો સમજી વિચારી પચાવી ને પછી ગાનારાઓ ગાતા, અને તેથી તાનસેન જેવા મહાન શાસ્ત્રીય સંગીત ગાનારાઓ ને પણ સાંભળનારા સમજી શકતા, અને મહા કવી કાલિદાસ ને પણ સમજવા વાળા હતા, રચયિતા પર વારી જનારા અને દાદ દેનારા આજે નથી એવું નથી, પણ તેમને સમજવા વાળા અને કાવ્ય ના મર્મને સમજનારા ખાસ રહ્યા હોય એવું લાગતું નથી. જેમકે ફિલ્મિ ગીતો છે "ભોર ભયે પનઘટ પે" કે પછી "મોહે પનઘટ પે નંદ લાલ.." આજે આ સાંભળનારા માં કેટલાને આમાં નંદ લાલ દેખાય છે? આમાં કેવી ઊંચી વાત કવીએ કહી છે? પણ કેટલાને ખબર છે કે આનો રચનારો કોણ છે? અરે આજના જમાના નું "પંછી નદીયાં હવા કે ઝોંકે.. કે પછી સાંવરીયો રે મારો...હૂંતો ખોબો માંગું ને દઈ દે દરિયો...કેવા ઊંચા શબ્દો છે ? .  મોરારી બાપુની એક મહાનતા છે કે તેઓ જેપણ કવિની રચના ગાય તેના રચયિતાને જરૂર બિરદાવે, અને બાપુ જેવા પણ જેની નોંધ લેતા હોય તો તે કવિતા કે ભજન કઈ કક્ષાનું હશે? ભલે ને તે ફિલ્મિ હોય, સંગીત સાંભળવા વાળાની સંખ્યા આજે ખુબજ વધી છે, મોબાઈલ ની ભુંગળી કાનમાં ભરાવીને ફરતા કે વાહનોમાં વાગતા આજુ બાજુ ના સમગ્ર વિસ્તારને પ્રદૂષિત કરતા ગીતો, જેમાં શબ્દો ઓછા સમજાતા હોય, પણ મોટા મોટા અવાજે ઢમા ઢમ થતું હોય, તેમાં ભાન ભૂલી ને અકસ્માત કરતા આજે અઢળક છે, પણ તેમાં સંગીત ની સમજ કે શબ્દોની ઊંડાઈ તો ઠીક રજ માત્ર પરખ હોતી નથી, ફક્ત દેખા દેખી સિવાય કશુજ હોતું નથી. 
  આજે કહેવાતા કલાકારો કે ડાયરામાં બીજાની નકલ કરનારા અકલ નું પ્રદર્શન કરી ને અર્થના અનર્થ કરનારા અનેક લોકો ઝભ્ભો અને સાલ-ભજન કે સંગીત ની સમજ હોય કે ન હોય, આ બે વસ્તુ અચુક હોવી જોઈંએ- નો દુપટ્ટો કરીને પોતાને મહાન ગણાવતા કેટલા ગાયકો નારાયણ બાપુની તરજ અને હાર્મોનિયમ ની છટા થી દૂર રહી શકે છે? અરે નારાયણ બાપુએ તો ભજન ગાયકી ને એક એવી જગ્યા પર લાવી દીધી કે આજના કહેવાતા કલાકારો ને રોટલા રળવાનો રસ્તો મળી ગયો, બાકી સમજ નારા સમજે છે કે આ દીવામાં કેટલું તેલ છે.
 એક સત્ય ઘટના કહું તો એક ઉચ્ચ કોટીના રચયિતા એક ટીવી પ્રોગ્રામ માં ભાગ લેવા પધારેલા, ત્યારે કહેવાતા મહાન ગાયક આજ કલાકાર ની રચના ને એમની સામેજ એવીતો કઢંગી રીતે રજૂ કરી કે જો કોઈ બીજો રચયિતા હોત તો કદાચ ત્યારેજ ઊભો થઈ ને ચાલતો થાત, પણ આતો..... એ મર્યાદા ન ચૂકે, શાંત ચિત્તે આખો પ્રોગ્રામ નત મસ્તકે સાંભળતા રહી ને એ ઝેરનો કટોરો પી લીધો, આ છે મહાનતા, આની જગ્યાએ જો કોઈ જોડકા જેવા ગાયનો જોડી ને પોતાને મોટો ગીતકાર સમજનારો હોત તો જરૂર બબાલ કરત, કારણ કે આવા લોકો ને પાછા બે ચાર બોડી ગાર્ડ જેવા ચમચાઓ વાહ વાહ કરવા સાથેજ હોય છે, જે આવા કપરાં સમયે કામ આવે છે. 
    ઈશ્વર ગાનારાઓને જ્ઞાન અને સાંભળનારા ને સમજ આપે એજ અભ્યર્થના સાથ જય માતાજી.     

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

No comments:

Post a Comment