Wednesday, August 8, 2012

પીર ભ્રમણ કરવા ગયા છે.

પીર ભ્રમણ કરવા ગયા છે.
એક ફકીર જેવો વેશ ધારણ કરેલો શખ્સ ઘેર ઘેર માંગી ને પોતાનું પેટ ભરતો
હતો, તેને કોઈ એક શખ્સે કહ્યું ભાઈ, આમ ભટકતા ભટકતા જીવન કેમ જાશે? કોઈ
કામ ધંધો કર નહિતો ભૂખે મરવાનો વારો આવશે. ફકીરને પણ લાગ્યું કે વાત તો
સચી છે, કંઈક જરૂર કરવું પડશે, એમ વિચાર કરતો આગળ ચાલવા લાગ્યો. રસ્તામાં
એક દરગાહ જેવું ખંડેર જોઈને ત્યાં બેસીને હવે શું કરવું એ વિચારવા
લાગ્યો. એ ખંઢેરમાં એક ભૂત રહે, તેને થયું આ માણસ મારી જગ્યા પચાવી પાડશે
અને મારી શાંતિનો ભંગ કરશે, તેથી તે એ ફકીરને ડરાવવા ના અનેક પ્રયત્નો
કરવા લાગ્યો, પણ ફકીર કોઈ રીતે ડર્યો નહીં ત્યારે ભૂત તેની સામે પ્રગટ
થઈને કહેવા લાગ્યો કે ભાઈ તું કોણ છો? અને મારાથી ડરતો કેમ નથી? ફકીરે
કહ્યું હું આ સંસારથી કંટાળી ગયો છું, જને તો આ જીવનથી છુટકારો જોઈએ છીએ,
જે પોત જ મોત ઇચ્છતો હોય તેને બીક શાની? તું તારે જે કરવું હોય તે કર,
હું તો થાક્યો છું તેથી આરામ કરીશ, આ જગ્યા મને ગમી છે, તેથી હવે તો
અહિંજ રહી જવા વિચારી લીધું છે.
ભૂત હતો હોશિયાર, એણે એક રસ્તો બતાવ્યો, કે જો તારું અને મારું બન્નેનું
કામ થઈ રહે એવું કરીએ, આ જગ્યા સાફસૂફ કરીને તું જાહેર કરીદે કે મને અહીં
પીર બાબા સાક્ષાત્ પ્રગટ થઈને આ જગ્યાની સેવા ચાકરી કરવાનું કહી ગયા છે,
તેથી તને અહીંથી કોઈ હટાવશે નહીં, હું તો ભૂત છુંજ, મારી શક્તિના ઉપયોગ
થી તને ચમત્કાર કરવામાં મદદ કરીશ, બોલ છે કબૂલ?
ફકીરને તો એટલુંજ જોઈતું હતું, એ જગ્યા સાફસૂફ કરીને લાગ્યો રહેવા. ધીરે
ધીરે આજુ બાજુ વાત માંડી ફેલાવા કે કોઈ ચમત્કારી બાબા આવ્યા છે અને ભૂત
ભવિષ્ય જાણે છે. માનવ માત્ર લાલચુ તો છે જ, માંડી કતારો લાગવા, લોભી હોય
ત્યાં ધુતારા ભૂખે ન મરે એ ન્યાએ ફકીર ની જાહો જલાલી વધવા લાગી,પીર બાબા
માટે અનેક ચડાવા ચડવા લાગ્યા, અને ધન ના ઢગલા થવા લાગ્યા. આખા પરગણા માં
પીર અને આ ફકીરની સેવા કરવા માણસો તત્પર રહેવા લાગ્યા.
એક દિવસ પેલો ભૂત ફકીરને કહેવા લાગ્યો કે ભાઈ, મેં તારી ખૂબ મદદ કરી,
મારા નામે તું ખૂબ કમાયો, એમાંથી હવે મને મોક્ષ મળે એવો કોઈ ઉપાય કરીને
મને આ યોની માંથી છોડાવ.
ફકીરે કહ્યું અરે ગાંડા તારી મદદ અને તારા ચમત્કારને લીધે તો આ બધું શક્ય
બન્યું છે, હવે તને હું જવા દેતો હોઈશ? માટે આરામ થી અહીં રહે અને મને
મદદ કરતો રહે.
ભૂત સમજી ગયો કે મેં આ સ્વાર્થી ને મદદ કરીને મોટી ભૂલ કરી છે, તેથી તેણે
ફકીરને કહ્યું કે તેં મને દગો દીધો છે, હવે હું તને મદદ કરવાનો નથી, મારા
નામે ચાલતું તારું નાટક હવે કેમ ચાલે છે તે હું જોઈશ. હું મારી શક્તિ નો
ઉપયોગ અત્યાર સુધી તારા ચમત્કાર સર્જવામાં કરતો તે હવે લોકોને તારી પોલ
ખોલવા માં વાપરીને તને બરબાદ કરી નાંખીશ.
બન્ને વચ્ચે ખૂબ જગડો થયો, પણ પેલો ફકીર ચાલાક નીકળ્યો, તેણે ભૂતને કહી
દીધું કે હવે મને તારી કોઈજ જરૂર નથી, બીજે દિવસે તેણે સર્વે લોકો ને
બોલાવી ને જાહેરાત કરી કે આજે રાત્રે પીર બાબા આવીને મને કહેવા લાગ્યા કે
"મારે દેશા રટણ કરવા જવું છે, પણ આ જગ્યા પર એક ભૂત નજર રાખીને બેઠો છે,
મારી હાજરીમાં તો એ તને કંઈ કરી શકતો નથી પણ મારા ગયા પછી તને હેરાન કરશે
એ બીક છે, માટે તું બાજુ ના ગામમાં એક તાંત્રિક રહે છે, તેને બોલાવીને આ
ભૂતનું નિવારણ કરીને તેનાથી સદાય છુટકારો મેળવી લેજે." તમે સર્વે લોકો
મારા સેવકો છો તેથી હું તમને કોઈ હાની થવા નહીં દવ, તમારે કોઈ ભૂત થી
ડરવાની જરૂર નથી, જો તે તમને દેખાય તો મારા નામના પોકાર કરવા લાગજો, એટલે
એ મારાથી ડરી ને જતો રહેશે. અને બિજું હમણા પીર બાબા હાજર નહીં હોય તેથી
જેણે બાધા આખડી કરી હોય કે કરવાની હોય તેણે નિરાશ થવાની જરૂર નથી, તમારો
ચડાવો નિયમિત અહિં ચડાવતા રહેજો બાબા પધારશે ત્યારે ક્રમ મુજબ બધાની
માનતા પુરી કરશે, માટે કોઈ આ ક્રમ છોડશો નહીં, નહીંતર તમારો નંબર જલદી
આવશે નહીં.
ભુતે તેનાથી બનતા બધાય પ્રયત્નો કર્યા પણ ફકીરને કોઈ નુકસાન કરી ન શક્યો,
ફકીરે લોકોને એવા ભ્રમિત કરેલા કે તેઓ આ પાખંડીના પાખંડને સમજી ન શક્યા
અને છેતરાતા રહ્યા. મજબૂર બનીને ભૂત પણ ફકીરની મદદ કરતો રહ્યો, અને જે
ભૂતને પણ મજબૂર બનાવી શકતો હોય તેની સામે લાલચુ કે ભોળા મનવ શી વિસાતમાં?
ફકીરને હવે અઢળક ધન કમાયા પછી ભૂતના પરચાની ખાસ જરૂર ન હતી, જીવ્યો ત્યાં
સુધી આરામ થી રહ્યો, પછી ઊપર શું થયું હશે તે તો ઉપરવાળો જાણે.
આતો કંઈક સાંભળેલું અને કંઈક જોડેલું છે, પણ ભારત માં આવા પાખંડી બાકાઓ
નો અત્યારે રાફડો ફાટ્યો છે, રોજ ટી.વી. ચાલુ કરો ત્યાં નવા નવા બાબાઓ ના
ચિત્ર વિચિત્ર તેમજ સજી ધજી ને બેઠેલા અને વાહિયાત વાતો કરી ને ભોળા સાથે
લાલચુ લોકોને ઠગતા નરાધમો નજરે પડે, આપણું સુરક્ષા તંત્ર પણ કેવું છે?
જ્યાં સુધી કોઈ ફરિયાદ ન કરે ત્યાં સુધી આવા ઠગોને કોઈ રોક ટોક વિના
લોકોને ઠગવાદે, અને જ્યારે કોઈ પગલાં ભરે ત્યાં સુધીમાંતો આવા ઠગો એટલાં
ધનાઢ્ય બની બેસે કે પોતાના કરતૂત છુપાવવા માટે સફેદ ઠગોને લાલચ આપીને
પોતાનું કાર્ય આસનીથી ચલાવતા રહે. આવા બધા પાખંડીઓ ના પ્રતાપે સાચા સંતો
અને ભક્તો ને પણ આપણે ખોટી રીતે જોવા લાગીએ છીએ.
આજના જમાનામાં ટી.વી. અને સમાચાર પત્રો જેવા માધ્યમો મારફતે કેવા કેવા
કિસ્સાઓ બહાર આવતા હોય છે, કેટલી કેટલી સમજ આપવામાં આવે છે, છતાં લોકો
કેમ ભરમાય જાય છે ? કઈ હદ સુધી માનવીની લાલચ તેને ખોટાં કામ કરવા પ્રેરે
છે? નથી લાગતું આપણે હજુ ઘણું બધું શીખવા નું અને શીખવવાનું બાકી છે ?
ઈશ્વર સૌને સદ્બુદ્ધિ આપે એજ અભ્યર્થના.
kedarsinhjim@gmail.com

1 comment: