Sunday, August 6, 2023

ચિંતા હવે તમારી

 

ચિંતા હવે તમારી
૧૫.૭.૨૩.
સોંપ્યું સુકાન શ્યામ ને,  ચિંતા હવે તમારી
પ્રભુ તારો કે પછી મારો, -પણ- અરજી લેજો સ્વીકારી...

ભવ સાગર ભર્યો છે ભારી, તરવાની સમજ ન મારી
કર ગ્રહી ને લેજો ઉગારી, -થોડી- ફરજ બને છે તમારી...

માયા છે લપસણી તારી, કોઈ ચાલે મતી ન મારી
ભ્રમજાળ ફેલાણી ભારી,  ચકરાવે ચડે ગતિ મારી...

પ્રભુ કરી છે હવે તૈયારી, સમર્પી કળા મેં મારી
બસ હરિ સમરણ ની યારી, હવે મરજી બધી તમારી...

પ્રભુ "કેદાર" કેરી અરજી, ધરજો ઉરમાં હરજી
ભવે ભવે ભજન ની મરજી, સદા રટણા કરું તમારી...

 ભાવાર્થ:- હે નાથ, હવે મેં મારા જીવન ની નાવ નું સુકાન આપને સોંપી દીધું છે, બસ એ એક અરજી સ્વિકારી લેજો. હવે આ ભવ સાગરમાંથી તારવો કે પછી ડુબાવવો એ આપની મરજી છે. કારણ કે આ મહા સાગર નો કોઈ તાગ મળતો નથી અને મને તરતા આવડતું નથી, આપે જન્મ આપ્યો છે તો હવે આમાંથી તારવાની ફરજ પણ આપની બને છે.
   આપની માયા એવી છે કે તરવા માટે કોઈ તરણું પણ પકડવા જાવ તો એ માયાવી લાગે છે અને મારું મન ભ્રમિત થઈ જાય છે. પ્રભુ હું બધા પ્રયત્નો કરીને હારી ગયો છું, ફક્ત ભજન એક સહારો દેખાય છે, મેં મારી જાતને આપને સમર્પિત કરી દીધી છે, હવે આપ જે કરો તે, પણ છેલ્લે એક અરજ કે મારે મુક્તિ નથી જોઇતી, બસ ભવે ભવ તારા ગુણ ગાન કરતો રહું એટલું જરૂર આપજે. 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.


No comments:

Post a Comment