Wednesday, April 24, 2024

૧૪૬, હું શાણો નથી

              હું શાણો નથી
તા. ૧૦.૪.૨૪.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "શું પુછો છો મુજને કે હું શું કરૂં છું. જેવો

સાખીઓ;-ભજન કરો તો ભાવથી, મનમાં રાખી રામ. અંતર થી અરજી કરો, સાંભળશે ઘનશ્યામ.
         મુખ પધરાવો રામને, મનમાં મોહન હોય. રાગ દ્વેષ અળગાં કરો, અવર ભજન નહીં કોય  

ગોવિંદનું ગાન ગાવા યત્નો કરૂં છું 
                         સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

વદું હું તો વાણી, હરિ હરને ભજવા, કર્મો કર્યા નથી ભવ સાગરને તરવા
કાંઠે બેસીને છબછબિયાં કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

કહે કોઈ મુજને કે બોલ્યા કરૂં છું, સારા નરસાનું જ્ઞાન આપ્યા કરૂં છું
સંતોની વાણી હું તો કહેતો ફરું છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ગજું શું છે મારું કે સમજ આપું કોઈને, દુર્ગુણો દેખાડું પ્રભુ તને રોઈ રોઈને
મન ના સૌ મેલ ધોવા યત્નો કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ભવરણે ભુલ્યાને થોડી આશ હું જતાવું, ઘણું ભટક્યો છું કોઈને રાહ જો બતાવું  
મૃગજળનો મર્મ હું તો કહેતો ફરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

દીન "કેદાર" પ્રભુ દાસ તમારો, અવગણી અપરાધ હરિ હાથ જાલો મારો
કર બદ્ધ કરુણા સાગર પ્રાર્થના કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ભાવાર્થ:- મિત્રો હું માનું છું કે ફક્ત ભજન ગાવા કે સાંભળવાથી કોઈ મોટો ફાયદો થતો નથી, હા જો એ સમય પૂરતું અન્ય ખોટા કાર્યોમાંથી મન હટે તો થોડો લાભ મળે, પણ જો ભજનમાં ઓત-પ્રોત બનીને, શબ્દો અને મર્મ સમજીને ભજન સાંભળવામાં આવે તો સો ટકા લાભ મળે. એ હેતુથી હું મારી બુદ્ધિ પ્રમાણે મારી રચના હોય કે અન્ય ભક્ત કવિઓની, બને તેટલી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું, પણ એટલે ઘણાં લોકો એમ માનતા હોય કે હું બહુ હોશિયાર છું એવું નથી. ભાઈ હૂંતો હજુ આ વિષયમાં ફક્ત પા પા પગલી કરી રહ્યો છું, છતાં જેટલું સમજી શકું છું એ આપ સમક્ષ રજૂ કરવાની ચેષ્ટા કરી રહ્યો છું, બાકી "कबीरा यह गत अटपटी, चटपट लखि न जाए।
जब मन की खटपट मिटे, अधर भया ठहराय।" બાકી મારી શી વિસાત? અરે મોટા મોટા સંતો મહંતો જે પાર ન પામી શક્યા તે હું શું પામું? બસ મને જે થોડું સમજાયું કે મેં જે લખ્યું છે એનો થોડો સાર સમજાવવાનો પ્રયત્ન કરું છું, માટે આપ મને ડાહ્યો કે ક્યારેક ડોઢ ડાહ્યો ન સમજતા.    



 

No comments:

Post a Comment