ગુરુવાર, 8 મે, 2014

એવા મંદિરે નથી જાવું.

                  એવા મંદિરે નથી જાવું.


સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
            
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરી ભક્તોને મારે હડસેલા, બગલા ભગતને બોલાવે
ધૂપને દીપના કરી ધુમાડા મારો, નાહક શ્વાસ છે રૂંધાવેરે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે જાવુંરે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર " કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી દાદ ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, દુર્યોધન એક શક્તિશાળી અને વૈભવી  અને ધનાઢ્ય હોવા છતાં ભગવાન શ્રી દ્વારકાધીશ એક બિલકુલ સામાન્ય એવા વિદુરના ધરે તાંદળજાની ભાજી અને સુલભા ના પ્રેમ વશ છોતરાં જમવા પધારેલા જે સર્વ વિદિત છે. તેથી મને લાગે કે....

આપણા શાસ્ત્રો મુજબ ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પીઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવું છે. માટે જ્યારે જ્યારે ધનાઢ્ય લોકો કે કોઈ સંસ્થા બીજા કોઈ મંદિરમાં ધન ખર્ચવા ઇચ્છા કરે ત્યારે મારા મતે તેમણે આવા નિર્વિવાદ ધાર્મિક અને પૌરાણિક મંદિરો માં ખર્ચ કરીને ત્યાંની વ્યવસ્થામાં વધારો કરવો જોઇએં. કેદારનાથ માં આવેલા ભયંકર પૂરે ત્યાંની ચમત્કારિતા મંદિર ને બચાવીને સાબિત કરી છે, આવા સ્થળોમાં લોકો નો વિશ્વાસ અને આસ્થા ચરમ સીમા પર હોય છે, તેથી લોકો ત્યાં શ્રદ્ધા સાથે જાય છે, ત્યાં ખર્ચેલા નાણા સો એ સો ટકા ઈશ્વરના ચોપડે જમા થાય છે, જ્યારે વૈભવ અને મહાનતા બતાવતા મંદિરોમાં ખર્ચેલા નાણા ઐશ્વર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઈશ્વર પર નહિ, મારા મતે તે ધર્મના નામે વ્યય છે. લોકો ત્યાં યાત્રા ને બદલે પર્યટન માટે જતા હોય એવું વધારે લાગે છે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામે છે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેતો હશે ?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ( આખું ઘર ત્યાંજ એકઠું થઈ શકે જ્યાં સંપ હોય. ) ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  
ફોટો-ગુગલ ના સહયોગ થી

બુધવાર, 7 મે, 2014

    કન્યા વિદાય ની વેળા.


એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
" કેદાર " કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬

સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન આપીને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં. 

મંગળવાર, 6 મે, 2014

                             આજીજી


ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો,   અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર,   મીઠી નજરૂં ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..   

કરૂં પ્રાર્થના નિત દિલથી તમારી,   સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,   ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે " કેદાર " કેરી એક વિનતિ વન માળી,  સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો તને ખબર જ છે, મેં એક જગ્યાએ સાંભળેલું કે એક બાળક સ્કૂલે જતાં પહેલાં તારા મંદિરમાં આવતો અને આવીને આખી બારાક્ષરી દરરોજ બોલી જતો, એજ સમયે એક ભક્ત પણ આવતા અને પ્રાર્થના મંત્રો બોલતા, દર રોજ નો આ ક્રમ, એક દિવસ પેલા ભક્તે એ બાળક ને પુછ્યું "કે બેટા, તું દર રોજ આવીને આખી બારાક્ષરી ભગવાન સામે બોલેછે તો શું તને યાદ રહે તે માટે ભગવાન પાંસે બોલેછે કે પછી કંઈ અલગ ઇરાદાથી બોલેછે ?" ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે હું ભગવાન પાંસે પ્રાર્થના મંત્રો કે ભજન ગાવા આવુંછું, પણ મને કંઈ આવડતું નથી, પણ ભગવાનને તો બધુંજ આવડે, અને મારા ગુરુજી કહેછે કે જે કંઈ સારા ખરાબ શબ્દો છે તે બધાજ આ બારાક્ષરીમાં છે તેનાથી બહાર કોઈ શબ્દ નથી, તેથી હું ભગવાન પાસે આખી બારાક્ષરી બોલીને છેલ્લે વિનંતી કરુછું કે આપને જે યોગ્ય લાગે તે શબ્દો આ બારાક્ષરીમાંથી ગોઠવી લેજો. 
પણ પ્રભુ આપેતો મને થોડી શબ્દોની સમજ આપીછે તેથી હૂંતો એ પણ કહી શકું તેમ નથી, તેથી મારી બુદ્ધિ પ્રમાણે મેં લખ્યું છે, જે સ્વીકારીને બસ મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું, શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના. 
જય માતાજી.
ફોટો- ગુગલના સહયોગ થી.

સોમવાર, 5 મે, 2014

                      પ્રાર્થના


ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક " કેદાર " ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

રવિવાર, 4 મે, 2014

"હું" કાર

                "હું" કાર


ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.

સાખી
વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે   તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,  નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક કૃપા થી,  માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા,  જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,   સારા નરસા કરમ નો......શાને..

કોઈ ને ચિત્તા મળે ચંદન ની,  કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,  જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,  નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે  એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,    પ્રેમ રહે પ્રીતમ  નો....

સાર:-જો આ શરીર વાયુ/અજ્ઞિ/અવકાશ અને માટી તેમજ જળમાંથી બનેલું છે. તો પછી આમાં "હું" ક્યાં છે? અને એ પણ ખબર નથી કે આ નશ્વર શરીર ક્યારે માટીમાં મળી જશે? આતો ઉપર વાળએ મહેરબાની કરીને ભજન કરવા માટે માનવ શરીર આપ્યું છે, જેવા કર્મો કરશો તેવું પામશો, કોઈ કોઈ ખોળિયું ચંદનના લાકડાથી ધૂપ દીપ ના ભપકા અને હજારો લોકોની ભીડ સાથે શ્મશાન યાત્રા માં જઈને બળેછે, તો કોઈ જ્યાં ત્યાં બાવળના ઠૂંઠા માં એકલ દોકલ ની હાજરીમાં બાળી નાંખવામાં આવેછે.

"હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે" ઘણા લોકોને આવો વહેમ હોયછે કે જો હું ન હોત તો આ કાર્ય થાતજ નહીં, પણ આ પામર જીવને ખબર નથી કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા જતા રહ્યા તો પણ આ સંસાર ચાલે છે. રાવણ મહા વિદ્વાન, શિવજીનો અનન્ય ભક્ત, શાસ્ત્રોનો જ્ઞાતા, વેદોનો જાણકાર, એક સમય એવો આવ્યો કે ભગવાન મહાદેવ શિવજી કૈલાસ પર બિરાજમાન હતા તો પણ તેણે મહાદેવ સહિત કૈલાસ પર્વત ઉઠાવી લીધેલો. પણ એક અભિમાન રાવણને ભારે પડ્યું અને લંકા જેવી સુવર્ણ નગરી છોડવી પડી અને તેનું પતન થયું. 
{ આમતો જોકે આ બધી લીલા એવી છે કે શું લખવું તે જ સમસ્યા છે, કારણ કે જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ-હજૂરિયા-દરવાન પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે સનકાદિક [બ્રહ્મદેવના ચાર માનસ પુત્રો ] ભગવાનના દર્શને પાધાર્યા, ફરજ પરસ્ત જય અને વિજયે તેમને રોક્યા તેથી ગુસ્સે થઈને સનકાદિકે તેમને શ્રાપ આપ્યો કે જાવ મૃત્યુ લોકમાં રાક્ષસ યોનિમાં સાત જન્મ માટે પડો, જય વિજય ભગવાનના ચરણોમાં પડીને કરગરવા લગ્યા કેનાથ, અમારો શો ગુનો? અમેતો અમારી ફરજ બજાવી, ખૂબ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ સનકાદિક નો શાપ અફળ તો નજ રહે, પણ હું તમને વચન આપુછું કે જો મને પ્રેમ ભાવે ભજશો તો સાત જન્મે પાર થશો અને જો વેર ભાવે ભજશો તો ત્રણ જન્મે પાર થશો. તેથી ભગવાન શિવનો મહાન ભક્ત હોવા છતાં રાવણ ભગવાનને વેર ભાવે ભજવા લાગ્યો, તેના ફળ સ્વરૂપ તેનું પતન [પતન કે મોક્ષ?]થયું. }

આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો, આજે કેદારનાથમાં સહાયની ખૂબ જરૂર છે, પણ ત્યાંએ ઘણા રાક્ષસો હસે અને તોજ આવા કપરા સમયમાં પણ ત્યાંની ધર્માદા પેટી લૂંટાઈ હોય. નામ કમાવા માટે દાન ન કરો, મોટા મોટા મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં સાચેજ જે ભૂખ્યા છે તેને ભોજન આપો, પેટ ભારાને જમાડવાથી આર્થિક નુકશાન થાય પણ ફાયદો તો નજ થાય.

જય ભગવાન.

શુક્રવાર, 2 મે, 2014

               કાલ કોણે દીઠી છે ?


કરીલે આજ ની વાત, જોજે ન કાલની વાટ
                           કાલ કોણે દીઠી છે...

લખ ચોરાશી પાર ઊતરવા,  અવસર આવ્યો આજ
કૃપા કરી કરૂણાકરે આપી,   મોંઘી માનવ જાત...
         
જીવડો જાણે હું મોજું કરી લવ,પછી ભજન ની વાત
અધવચ્ચે આવી અટવાતો, ખાતો યમ ની લાત...

પિતા પ્રભુના એ કાલ પર રાખી, રામના રાજ્ય ની વાત
ચૌદ વરસ માં કૈંક કપાણા,  કૈકે ખાધી મહાત...

કાલ ન કરતાં આજ ભજીલે, બાજી છે તારે હાથ
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, કોણ દિવસ કઈ રાત..

આ સંસાર અસાર છે જીવડા, સાચો જગનો તાત
ભવ સાગર નું ભાતું ભરી લે, ભજીલે તજી ઉત્પાત...

દીન" કેદાર "નો દીન દયાળુ, કરે કૃપા જો કિરતાર
એક પલક માં પાર ઉતારે, વસમી ન લાગે વાટ.. 

                  કુદરત નો ખેલ


કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી વગડે,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

સાર:-ઈશ્વરની લીલાને જાણવી લગ ભગ અશક્યજ છે, કારણ કે મોટા મોટા સંતો કે મહંતો સમજી નથી શક્યા તો આપણીતો શી વિસાત? હાથીને દરરોજ મણ મોઢે ખોરાકની જરૂર પડેછે, પણ સ્વતંત્ર રીતે ફરતા હાથીના ટોળે ટોળાને ભૂખમરો વેઠવો પડ્યો હોય એવું ભાગ્યેજ સાંભળ્યું હશે, હા, ઝૂ કે સરકસમાં જરૂર બનતું હશે કારણ કે ત્યાં માનવીએ ચંચુપાત કરી છે, પણ માનવીના એવા હજારો દાખલા જોવા મળેછે કે તે પોષણ ના અભાવના લીધે મૃત્યુ પામ્યા હોય.

જાનવરોની દુનિયામાં હરણને ભોળું ગણવામાં આવેછે, અને તેથી પ્રખર તાપ તપતો હોય ત્યારે તેને તરસ લાગે અને ચારે બાજુ ક્યાંયે પાણી ન હોય ત્યારે મૃગને જળ દેખાયછે જેને મૃગજળ કહેવાયછે, જેની પાછળ દોડી દોડીને મૃગ પ્રાણ આપીદેછે. પણ બિજા જાનવરો આ જળથી છેતરાતા નથી. પણ ક્યારેક ક્યારેક કોઈ માનવ રણમાં ભૂલો પડ્યો હોય, માનવ હોય કે જાનવર તેને કોઈ વીરડો કે મારા કચ્છના મેકરણ દાદા જેવા સંત મળી જાયછે, છેને લાલા ની લીલા?

કોઈ પણ સમય આવ્યે લગ્ન કરે એટલે તેને પત્ની તો જરૂર મળેજ છે, હા અમુક બહારના દેશોમાં આમાં અપવાદ છે, તેમને જીવન સાથી તો મળેજ છે પણ તે પત્નિજ હોય તેવું નક્કી હોતું નથી, એવું મેં વાંચ્યું છે, પણ એક બીજો પણ અપવાદ છે, ઘણા ભાગ્યશાળી ને પત્ની ના રૂપમાં અર્ધાંગિની મળેછે, પત્ની અને અર્ધાંગિની માં મોટો ફરક છે, સારી પત્ની સારી સાથી બની શકેછે, પણ અર્ધાંગિની તો આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકેછે.

ઈશ્વરની લીલા અકળ છે, કોઇ કોઇને અઢળક ધન સંપતી આપેછે, પણ ક્યારેક કોઇને સાથો સાથ એવી બિમારી પણ આપીદેછે કે એ સંપતી પોતે ભોગવી શકતો નથી. હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું છું કે જ્યારે ઈશ્વર જીવને માનવ જન્મ આપવા જતો હોય છે ત્યારે બધા લાઈન લગાડી ને પોતાના પૂર્વ કર્મોના આધારે જન્મ લેવા માટે રાસન લેવા ઉભા હોય તેમ ઉભા હોયછે, ત્યારે કોઇને યોગ્યતા ન હોવા છતાં પ્રભુથી અઢળક ધન માટે તથાસ્તુ બોલી જવાયછે, હવે વચનતો અફળ જાય નહીં, પછી એક તોળ કાઢે કે જા ધન તો મળશે પણ દવામાં વપરાશે તું ભોગવી નહીં શકે. પણ ક્યારેક એવા માનવી પણ જોવા મળેછે કે અર્ધા રોટલા માંથી માં બાપ અને બાળક જમી લેતા હોય અને પાછા ઈશ્વરનો પાળ માનતા હોય કે નાથ આજ તેં અમને ભૂખ્યા ન રાખ્યા.

ઈશ્વરની મહેર પામવા માટે કેટ કેટલી તપસ્યા કરવી પડેછે, પણ હું ખરેખર ખૂબજ ભાગ્યશાળી છું કે મને મારી હેસિયત કરતાં અનેક ગણું મારા નાથે મને આપ્યું છે.
જય રણછોડ.    
   ફોટો ગુગલના સહયોગથી.