Wednesday, August 21, 2013

નારાયણ સ્વામી.


                                                         નારાયણ સ્વામી.
                                       
                                   
મારી પ્રથમ મુલાકાત

નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.
મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજી અયાચીભાઇ નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી તમારી ગાયકીમાં ભાવ જાગે.
કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 
                          "થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
                           લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 
હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે,ડાકલા વગાડે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?
બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.
જય નારાયણ.
૨૧.૮.૧૩ 

No comments:

Post a Comment