Saturday, August 17, 2013

નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર


     

જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય મુજબ ચાલતું હોય, એમાં પણ જ્યારે નારાયણ બાપુને જોવા અને સાંભળવા મળે ત્યારે આ સમયની મર્યાદા ખૂબજ સાલે, છતાં આનંદ આવીજાય, આમતો જોકે અત્યારે અનેક કલાકારો ભજનો અને ડાયરા કરતા હોયછે, અને તેને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા હોયછે, પણ મને આમાં કંઈક ખૂંચતું હોય એવું સતત લાગ્યા કરે, કદાચ એ મારો ભ્રમ પણ હોઈ શકે, પણ નારાયણ બાપુને નજીકથી માણ્યા હોય ત્યારે આજનો ભજન ના ભાવ વિહોણો મજાકીયો માહોલ જ્યાં પણ હોય જરૂર ખટકે. અને જ્યારે રૂપિયાની ધોળ થતી હોય, ત્યારે નારાયણ બાપુનો એક પ્રસંગ મને ખાસ યાદ આવે. એક જગ્યાએ ભજન જામેલા, બાપુ પણ પુર બહારમાં ખીલેલા, ત્યારે શ્રોતાઓ પણ આનંદ માણી રહેલા, એમાં એક ઉત્સાહી ભાઈ ઊઠીને બાપુને ઘોળ કરવા લાગ્યા, થોડી વારતો બધું રાબેતા મુજબ ચાલ્યું પણ પછી બાપુએ એ ભાઈને બેસી જવા કહ્યું અને ભજન રોકીને શાંતિથી સમજાવ્યું કે દરેક લોકોએ આનંદનો અતિરેક કરતાં પહેલાં એક વાત સમજવી જોઇએ કે આપણે મર્યાદા ભંગ તો નથી કરતાને? આ લક્ષ્મીજીનું અપમાનછે, આમ રૂપિયા ફેંકાય નહીં અને બીજી વાત અમો ભજન કરવા આવ્યા છીંએ, ભીખ માંગવા નહીં, આવી રીતે તો ભિખારી પણ પૈસા ન લે.અને જો તમારે કોઈ લાભાર્થે આ ઘોળ આપવાની હોય તો મર્યાદાથી આપો, તમારા ધનનું પ્રદર્શન ન કરો, મારા ભજન નો કાર્યક્રમ રાખવો હોય તો મારા નિયમોનું પાલન કરવું પડશે, નહીંતો ભજનતો અનેક ગાનારાછે જે રૂપિયા ખાતર ગમે તેમ કરશો તો પણ ચલાવી લેશે.(ખાસ નોંધ-આ જગ્યાપર આવતા ઘોળના રૂપિયા બાપુનેજ મળવાના હતા.) 

બાપુના આવા સ્વભાવને લીધે ઘણી વાર વિવાદ થતા કે બાપુ તુંડ મિજાજી છે, શું આપને આમાં કંઈ ખોટું હોય તેમ લાગેછે?

આ હતી બાપુની ખુમારી, જે આજે ભાગ્યેજ કોઈમાં જોવા મળેછે. ભજન ના કાર્યક્રમમાં કાંતો સાહિત્યકાર અથવા હાસ્ય કલાકાર મુખ્ય કલાકારને આરામ આપવા માટે રાખવામાં આવેછે, જેમાં ભીખુદાનભાઈ જેવા મહાન વ્યક્તિ હોય તો સાહિત્ય સાથે જ્ઞાન અને થોડી ગમ્મત પણ મળે, પણ ક્યારેક તો હાસ્ય કાલાકારની જગ્યાએ જાણે કોઇ એવા મશ્કરા લોકો આવી જાય જે ભજન ના માહોલને અનુરૂપ નહોય, બોલવું ઘણુંજ સહેલું છે, પણ શું અને ક્યાં શું બોલવું તે જાણવું ઘણુંજ અઘરું છે, હા જેને આ વાતની ખબરજ નથી તેને શું કહેવું? તેના માટેતો આયોજકોએજ જવાબદાર વલણ રાખવું જોઈએં જે ભજન ના ભાવની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોને લવાયજ નહીં, ભજન ના કાર્યક્રમની મર્યાદા હોવી જોઈએ, તેમાં હા હા હી હી ન હોય, હા પ્રેક્ષકોના મનોરંજન પૂરતું હાસ્ય રાખી શકાય. પણ આતો પાછા ત્યાં જે રૂપિયા વાળા હોય તેના ગુણગાન કરતા હોય, એક કહેવાતા આવા કલાકારતો એવા તાનમાં આવી ગયા કે એક સારા ભજનિક ખરા પણ નારાયણ સ્વામીની હરોળમાં કોઇ પણ રીતે ન આવી શકે તેને બાપુ પછી કોઇ બાપુનું સ્થાન લઈ શકે તેવા ગણાવી દીધા. એ તો ઠીક પણ પાછો પેલો કલાકાર પણ આવીને આરામથી ગોઠવાઈ ગયો, જાણે તે પણ બાપુનો વારસો જાળવી રાખવા સક્ષમ હોય. હવે આમાં કોને દોષ આપવો? કોઈ શ્રોતાએ પણ ટકોર ન કરી. દરેકે પોતાની મર્યાદા સમજીને ચાલવું જોઇએ. એક ગાયકાતો ત્યાં સુધી બોલી ગઈ કે "મને લોકો મીરાં બાઈનો અવતાર માનેછે." અરે બાઈ તું મીરાંબાઈ ના જોડા સાફ કરવાને લાયક પણ નથી, અને જો કોઈ આવું માનતા હોય તો તેનું પરીક્ષણ કરાવવું પડે, કોઈ માનસિક બીમારી તો નથીને? આજના હાઈ ફાઈ જમાનામાં આપણો ભૂતકાળ વધારે છાનો રહેતો નથી, વાણી સ્વતંત્રતાનો હક્ક છે પણ બધે નહીં. થોડા તો લાજો? અવાજ સારો હોય એટલે બધા ગુણ આવી ન જાય. ભજન માટેતો તપ કરવું પડે, બાકીતો રાગડા કહેવાય.
માફ કરજો, પણ ભજનની મર્યાદાનો અમર્યાદ ભંગ થતો લાગે ત્યારે લખાઈ જાયછે.

બાપુની ક્ષમતાની એક વાત મને યાદ આવેછે, બાપુના પૂર્વાશ્રમના પુત્ર ચી.હિતેષભાઇ સાથે મારે ખૂબજ સારા સંબંધ, જોકે હવેતો આખા કુટુંબ સાથે સારો પરિચય છે, એક કંપનીમાં અમો બન્ને સાથે નોકરી કરીએ, પરંતુ બાપુને આવી કોઈ વાત કરાય નહીં કારણ કે બાપુને પોતાના પૂર્વાશ્રમની કોઈ પણ વાત કરો તે ગમે નહીં, આ બાબતનો એક પ્રસંગ આપને હું આગળ જણાવીશ. અમદાવાદના શ્રીમાન પ્રદીપભાઇ કે જે બકાભાઇ ના હુલામણા નામે જાણીતા અને બાપુના અનહદ ચાહક, તેમના આગ્રહથી જ્યારે બાપુની "રોમ રોમ હર બોલે" કેસેટનું રેકૉર્ડિંગ પંકજભાઈ ના સંચાલનમાં ચાલતું હતું જેમાં ઈશ્વરની કૃપાથી મારા દ્વારા રચાયેલ એક "શિવ શંકર સુખ કારી" રચનાને તેમાં બાપુએ સ્થાન આપેલુ. તે વખતે  હિતેષભાઇ ત્યાં રેકોર્ડિંગ વખતે હાજર રહેતા અને દરરોજ બાપુ માટે ટીફીન લઈ ને આવે, એક દિવસે પંકજભાઇ બધા સાજ તૈયાર કરીને બાપુને ગાવા માટે પધારવા કહ્યું ત્યારે બાજુએ કહ્યું કે પંકજભાઇ મને કોઇ સાજમાં દોરાભાર ફરક લાગેછે, પંકજભાઇએ વારંવાર તપાસ્યા છતાં બાપુએ હજુ કંઈક ગરબડ છે એવો આગ્રહ રાખ્યો, અંતે પંકજભાઈ જેવા સંગીતના મહારથીએ કહેવું પડ્યું કે બાપુ સુર તો આપની રગે રગમાં વ્યાપેલાછે, નહીંતો આટલો નાનો ફરક ભાગ્યેજ ધ્યાનમાં આવે. છતાં આજે પણ આપ ધ્યાનથી એ મારું ભજન સાંભળશો તો એક જગ્યાએ એક નાની એવી ભૂલ જરૂર ધ્યાને આવશે, જે કદાચ એ વખતે બાપુના ધ્યાન બહાર રહી ગઈ હોય એવુંતો નજ બને પણ ચલાવી લીધી હોય. આ હતા સંગીત નું શાસ્ત્ર ભણ્યા વિનાના સંગીત વિશારદો ના પણ વિશારદ આત્મ જ્ઞાની ભક્ત નારાયણ સ્વામી.  

બાપુના પૂર્વાશ્રમને યાદ ન કરવાનો એક દાખલો ટાંકું જે મને ખુદ હિતેષભાઇના મુખેથી સાંભળવા મળ્યોછે. ફકીરી લેવા માટે પહેલાં ત્રણ વર્ષ માટે કાળી કફની કે કામળી-જે હોય તે-પહેરવી પડે ત્યાર બાદ ભગવા વસ્ત્રો ધારણ કરી શકાય આવો કંઈક નિયમ છે જેની મને ખબર નથી. એ વખતે જ્યારે બાપુએ કાળી કફની પહેરેલી ત્યારે તેમના એક પરમ સ્નેહી જે બાપુના પુરા પરીવાર સાથે સારો નાતો અને સ્નેહ ધરાવતા તેવા મુંબઈ વસતા ડો.ગણાત્રા મુંબઈમાં બાપુને મળ્યા ત્યારે બાપુને તેમનો પરીવાર હજુ કમાવા માટે સક્ષમ ન હોઈને કે સારા રાહબર પણ ન હોઈને હમણાં સંસાર ન છોડવા સલાહ આપવા લાગ્યા. બાપુએ આ બાબત વાત ન કરવા વિનંતિ કરી પણ લાગણીવાળો માણસ ભાવ સભર બાપુને સમજાવતા રહ્યા, અનેક ઉપાયો છતાં બાપુ ટસ ના મસ ન થયા ત્યારે આ મહાનુભાવે સ્નેહ વશ બાપુને કહ્યું કે જો આપ આપના પરિવારનો ખ્યાલ કરીને સન્યાસી બનવાનો ખ્યાલ છોડીદો તો આજે આપણે જે બંગલામાં રહ્યા તે અને અત્યારે જે ગાડીમાં બેઠાં છીંએ તે આપને સદા માટે અર્પણ કરી દંવ.

બાપુ તો જાણે ખુશ ખુશાલ થઈ ગયા, હસતાં હસતાં ગાડી રોકાવી, ગણાત્રા સાહેબને ખૂબજ ધન્યવાદ કહીને ગાડીમાંથી ઊતરતા કહ્યું કે સાહેબ આપના પ્રેમ બદલ હું જે કંઈ કહું તે પૂરતું નહીં હોય, પણ હવે પછી મને સંન્યાસ છોડવા ક્યારેય ન કહેજો નહીંતો આપણો સંબંધ પૂરો થઈ જશે. મારે ગાડી કે બંગલો જોઇતો હોત તો બીજા અનેક રસ્તા હતા, પણ "फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे" જેવો જવાબ આપીને ચાલતી પકડી. 

નારાયણ બાપુની એક બીજી વાત લખવા પ્રેરણા થાયછે. ઘણા વખત પહેલાં કચ્છમાં એક જગ્યાએ કોઈ સંસ્થાના લાભાર્થે બાપુનો કાર્યક્રમ ગોઠવેલો, જ્યાં એ વખતના એક પ્રધાન પણ ઉદ્ઘાટન કરવા પધારવાનાં હતા, ભજન નો સમય થવામાં થોડી વાર હતી ત્યાં પ્રધાન શ્રી પધાર્યા, રિબન કાપવાની વિધી પુરી થયા બાદ બાપુને બે શબ્દો બોલવા કહ્યું, ત્યારે બાપુએ જવાબ આપ્યો કે ભાઈ તમે શું ઈચ્છો છો તે મને ખબર છે, પણ એવું બોલતા મને નથી આવડતું, હું કોઈને સારું લગાડવા માટે તમો કહો તેમ ન બોલું, તો તો મારા ભગવા લાજે, માટે મને આગ્રહ ન કરો, પણ જ્યારે બધાએ ખૂબજ આગ્રહ કર્યો ત્યારે બાપુ જે બોલ્યા તે સદંતર સત્ય અને પ્રાયોજકો ની ધારણાથી બિલકુલ વિપરીત હતું, કોઇએ બાપુને કહ્યું, બાપુ આ જાહેરમાં આમ ન બોલાય આતો કાયદાથી વિરુદ્ધ કહેવાય, ત્યારે બાપુએ જવાબ આપેલો કે ભાઇ મારો કાયદોતો મારા ઉપરવાળાએ ઘડેલોછે, તેનો ભંગ હું ક્યારેય નથાય તેનું પૂરે પૂરું ધ્યાન રાખુ છું, બાકી આ કાયદો શું કરશે? વધુમાં વધુ જેલમાં નાખશેને? તો ત્યાં ભજન કરશું, ત્યાંના લોકોને આવો લાભ ક્યારે મળશે?
આ પ્રધાનની વાત પરથી એક બીજો પ્રસંગ પણ યાદ આવી ગયો. એક ભક્તના આશ્રમમાં પણ બાપુનો કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં ત્યારના મુખ્ય પ્રધાન પધાર્યા ત્યારે એ આશ્રમના એ ભગવા ધારી ભક્ત સ્વાગત માટે દોડધામ કરવા લાગ્યા, થોડી વારતો નારાયણ બાપુ કંઈ ન બોલ્યા પણ પછી એ ભક્તને ચાલુ માઇકમાં કહ્યું કે બાબાજી આપ શાંતિથી બેસી જાવ, મુખ્ય પ્રધાન ભલે રાજ્યનો વડો હોય પણ ભગવા વેશ ધારી પાસે તેની કોઈ ગણતરી ન હોય, માટે આ ભગવા ન લજાવો.
હવે આ વાંચ્યા પછી આપજ નક્કી કરો કે છે કોઈ આજે નારાયણ સ્વામીની હરોળમાં પણ ઊભો રહી શકે તેવો ભજનિક? કોઈ હાસ્ય કલાકાર કોઈ કલાકરને સારું લગાડવા આવું બોલતા હોય તો પહેલાં સરખામણી કરી લેજો.

મારા ઘણા મિત્રો શ્રીમાન અશોકભાઇ દાસ, શ્રી ડો. ખેઇની સાહેબ અને એવાતો અનેક બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુના ચાહકો મને બાપુ વિષે વધારે માં વધારે અથવાતો બને તો પુરી જીવન યાત્રા માટે લખવા કહેછે. પણ મારી પણ થોડી સમયની મર્યાદા અને સત્યતા જળવાય તેમજ હિતેષભાઇની સહમતી-જે મળતી રહેછે- પણ એટલીજ આવશ્યક હોવાથી લખવામાં વિલંબ થતો હોયછે, પણ અમો બન્ને મળીને જેમ બને તેમ જલદી બાપુ વિષેની વધારેમાં વધારે માહિતી અહીં લખતા રહેશું જેને આપે એક ત્રાગડામાં પરોવીને સંપૂર્ણ માળા બનાવવાનો શ્રમ કરવો પડશે જેથી તે એક જીવન ઝરમર બની જાય.

જય નારાયણ. 

No comments:

Post a Comment