Monday, August 19, 2013

મારો શિવ


             ભજન



               
                 મારો શિવ

જગત દાતા જટા ધારી, મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોળા ભંડારી, મને તું મારો લાગે છે...

વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઈ બેઠાં
કમળ નાભિ વસે બ્રહ્મા, શ્મશાને વાસ તારો છે..

કરે ઉચ્ચાર મંત્રો ના, કરે તપ પામવા ઈશ્વર
શરીરે રાફડા ખડકે, છતાં ક્યાં પાર પામે છે..

ભલે હો રંક કે રાજા, ભલે હો ચોર સિપાઈ
ભજે પલ ચાર જો ભાવે, પ્રસન્ન થઈ દાન આપે છે..

જીવન ભર ના કરે પૂજા, ઉમર ભર ઈશ ના ભજતો
છતાંએ અંત કાળે તું,         મસાણે સ્થાન આપે છે..

સમય હો આખરી મારો, મુકામે પહોંચવા આવું
કરે "કેદાર" તું સ્વાગત, અરજ બસ એક રાખે છે..

સાર:-ઈશ્વર ની બનાવેલી વ્યવસ્થા માં બ્રહ્મા સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવ શિવ સંહાર કરે છે. અને આ ત્રણે કાર્ય અનિવાર્ય છે, પણ આપણને સહજ શિવજી નું કાર્ય ગમે નહીં, કારણ કે બ્રહ્માજીએ આપણને બનાવ્યા પછી કદાચ વિષ્ણુ ભગવાન રૂઠે અને પોષણ કરવામાં વિલંબ કરે તો પણ થોડા દિવસો ભૂખ્યા તરસ્યા કાઢી શકાય, પણ શિવજીનું કાર્ય એવું છે કે એક પળ માટે પણ વિલંબ ન કરે, તેથી આપણને શિવજી બીજા દેવો કરતાં જરા ઓછા ગમે તે સહજ છે, પણ છતાં લોકો શિવજીને વધારે માં વધારે પૂજે છે. એમાં પણ શ્રાવણ અને પુરુષોત્તમ માસ એટલે જાણે સતત શિવ સાધના માટે ના માસ. બીજા કોઈ દેવો માટે આવા કોઈ ખાસ મહિનાઓ છે નહીં.
છતાં પણ ધર્મમાં વ્રતી રાખનાર દરેક માનવી શિવને પોતાથી વધારે નજીક માને છે, વિષ્ણુ ભગવાન નું સ્થાન વૈકુંઠ છે, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ની નાભી માંથી જે કમળ પ્રગટ થયું છે તેના પર બિરાજમાન છે, બાકીના બધા દેવો આકાશ માં ઈંદ્ર લોક માં વસે છે, જ્યાં પહોંચવું મુશ્કેલ છે, જ્યારે શિવ? શિવજી મહારાજ તો આપણા આખરી મુકામ શ્મશાન માં બિરાજમાન છે, તેથી તે આપણને પોતાના વતની અને આપણા પોતાના લાગે છે, અને પહેલો સગો પાડોશી ના નાતે લાગે છે કે આટલાં નજદીક હોવાથી બોલાવવા ની સાથેજ હાજર થઈ જશે, તેથી પ્યારા પણ વધારે લાગે છે.
બીજા દેવોને પામવા માટે તપ કરવું પડે, મંત્ર જાપ કરવા પડે, અરે ઘણા તપસ્વીઓ એ તો શરીર પર રાફડા બની જાય ત્યાં સુધી સાધના કરવા છતાં પણ પામી ન શક્યા હોય એવું પણ બને છે, પણ શિવ ?  એક દંતકથા સાંભળેલી કે, એક ચોર ચોરી કરવા નીકળેલો, ખૂબ મહેનત કરવા છતાં કંઈ હાથ ન લાગ્યું, છેવટે થાકી હારીને રસ્તામાં આવતા એક અવાવરુ શિવ મંદિર માં થાક ઊતારવા બેઠો, ત્યાં શિવજી ની લિંગ પર લટકતી ગળતી (જલાધારી) જોઈને વિચાર્યું કે ખાલી હાથે જવા કરતાં આ ગળતી ચોરી લવ તો કંઈક તો મળશે? પણ ગળતી થોડી વધારે ઊંચાઈ પર હતી, તેથી તેનો હાથ ત્યાં પહોંચી શક્યો નહીં, તેથી તે ચોર ભગવાન શિવ ની લીંગ પર ચડી ગયો, ચોર માટે એ લિંગ તો એક સાધન માત્ર હતું તેથી તેણે જોડા પણ કાઢવાની જરૂર લાગી નહીં, પણ જેવો ચોર લિંગ પર ચડ્યો કે તુરંત ભગવાન શિવજી પ્રગટ થયા અને કહે "માંગ માંગ શું આપું?" ચોરતો આ દ્ગશ્ય જોઈ ને બેભાન થઈ ગયો, પણ નારદ મુનિ પ્રગટ થઈ ને શિવજી ને પૂછવા લાગ્યા, "અરે પ્રભુ આ શું? સાધકો કેવી કેવી સાધનાઓ કરે છે છતાં આપ આટલી જલદી દર્શન આપતા નથી અને આ?" ત્યારે શિવજી કહે "નારદ, કોઈ મને જલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, બીલીપત્ર પણ ચડાવે, કોઈ તો વળી પોતાની અતિ મૂલ્યવાન ભેટ ચડાવે, આજ સુધી મારી પૂજામાં રાવણે પોતાના દશ શીશ ચડાવ્યા છે જેનાથી વધારે કોઈ મૂલ્યવાન ભેટ મને ચડાવી નથી, પણ આ ચોર તો આખે આખો, અને તે પણ જોડા સહિત મારા પર ચડી ગયો, તેના માટે તો મારે પ્રગટ થવુંજ પડે ને?" આ છે મારા ભોળાનું ભોળપણ, કેમ મારો ન લાગે? કોઈ જીવ જીવનભર કોઈ ભક્તિ નકરે, કોઈ પણ સદ-કાર્ય ન કર્યું હોય, અરે ભલે અધમ કર્મો કરી ને રાક્ષસો જેવું જીવન જીવ્યો હોય, પણ તેના મ્રુત્યુ પછી જ્યારે શ્મશાને લઈ જવામાં આવે ત્યારે મારો ભોળો નાથ સહર્ષ તેને સ્વીકારી ને સ્મશાન માં સ્થાન આપે છે.
હે ભોળા નાથ મારી પણ આપને એકજ વિનંતી છે કે જ્યારે મને આપના શરણ માં ડાઘુઓ લાવશે ત્યારે કદાચ મને બોલવાનો મોકો નહીં મળે, તો અત્યારથીજ એક અરજ કરું કે ત્યારે પ્રભુ મને સહર્ષ સ્વીકારી લેજો અને મારા કર્મોના હિસાબો ન માંગતા. 
જય ભોળે નાથ.

No comments:

Post a Comment