સોમવાર, 9 જૂન, 2014

                                         અકસ્માત

હમણાંજ અકસ્માતમાં શ્રી ગોપીનાથ મુંડેનું મૃત્યુ અકસ્માતમાં થતાં જાણે આખું તંત્ર ખળભળી ઊઠ્યું, અનેક લોકોએ  શ્રધ્ધાંજલિ આપીને દિલસોજી વ્યક્ત કરી, શું આ પહેલોજ અકસ્માત હતો ? આવાતો અનેક અકસ્માતો દર સેકંડે ભારતમાં થતા રહેછે, પણ આપણું તંત્ર ખાસ ધ્યાન આપતું નથી, હા જ્યારે શ્રી મુંડેજી કે એવાજ કોઈ મોટા માનવને અકસ્માત નડેછે ત્યારે જાણે આભ ફાટી પડ્યું હોય તેમ આપણું તંત્ર ખળભળી ઉઠેછે, થોડા દિવસો એજ બાબતની ચર્ચા ચાલ્યા કરેછે અને પછી બધું રાબેતા મુજબ બનીજાયછે.જો કે આ વખતે શ્રી ગડકરીજીએ આ અકસ્માતને નિવારવા માટેના પગલાં કડકાઈ પૂર્વક લેવાનું નક્કી કર્યું છે તે ખૂબજ આવકાર્ય છે.
ફક્ત આપણા ગાંધીધામના ટાગોર રોડનીજ વાત કરો તો ભાગ્યેજ કોઈ દિવસ નાના મોટા અકસ્માત વિનાનો પસાર થાયછે, શું આ રોડ સાંકડોછે? ના, ફક્ત અને ફક્ત આપણી બેદરકારી/ઝડપ અને નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન અથવાતો ક્યારેક કાયદાની અજ્ઞાનતા, જેમકે કોઈ પણ સંજોગોમાં આગલાં વાહનની ડાબી બાજુથી આગળ નીકળી શકાય નહીં, આ નિયમતો જાણે પાલન કરાવનારાઓને પણ વિસરાઇ ગયોછે, આ સિવાય ટ્રાફિક સિગ્નલનું મહત્વ ફક્ત અને ફક્ત જ્યારે પોલીસ જવાન હાજર હોય અને તે પણ જો તેના ધ્યાનમાં આવી જવાય તેમ હોય તોજ ગણાયછે જે ભયંકર ગુનોછે, કેમકે જે ચાલક પોતાની લાઈન ખુલ્લિ હોય ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વિના આગળ વધતો હોયછે, પણ આ નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ આ ચાલકની વચ્ચે આવી જાય ત્યારે અકસ્માત સર્જાયછે, સુંદરપુરી ચાર રસ્તા પર આવા બનાવ ખૂબ બનેછે કારણ કે આ રસ્તા પરની લાઈટોનું જાણે કોઈ મહત્વજ નથી. અમલદારોની અપુરતી સંખ્યા આવા નિયમોનું પાલન કરાવવામાં મહત્વનો ભાગ ભજવેછે. મારા ખ્યાલ પ્રમાણે જો કોઈ સેવાભાવી સંસ્થા કે કોઈ અન્ય યોગ્ય વ્યક્તિ ટ્રાફીક નિયમન કરાવવામાં માનદ સેવા આપવા તૈયાર થાયતો તેમને પોલીસ દ્વારા સન્માન સહિત આવકારવા જોઈએં અને સાથો સાથ તેમને યોગ્ય ઓળખ પત્ર અને સત્તા પણ આપવી જોઈએં જેથી ગુનો કરનાર તેનાથી ગુનો કરવાનો ડર અનુભવે. સી.સી. ટીવી કૅમેરા આ દૂષણને ડામવા માટે ખૂબજ ઉપયોગી થઈ પડશે, કારણકે તેનાથી પકડાઈ જવાનો ભય રહેશે અને કાયદાનું પાલન કરાવનારને પણ સાવધ રહેવા માટે મજબૂર કરશે.
એક મોટી સમસ્યા ગાડીઓની સિગ્નલ લાઈટની છે, તેનો ખરો ઉપયોગજ જાણે ભુલાઈ ગયો છે, આગળ જતું વાહન જમણી બાજુની સિગ્નલ લાઈટ બતાવે ત્યારે તેના બે મતલબ થતા હોયછે, તે કાંતો જમણી બાજુ જવા માગેછે અથવા પાછળ આવતા વાહનને આગળ જવા માટે રસ્તો આપેછે તે સ્પસ્ટ થતું નથી,  આમાં ઘણી વખત ખોટો મતલબ સમજીને અકસ્માત થવાનો ભય રહેછે, ખરેખર આ સિગ્નલ શું સુચવેછે તે બિલકુલ સાફ હોવું જોઈએ, જેથી કોઈ ગેર સમજ ન થાય. અને ઓવરટેક ફક્ત અને ફક્ત રસ્તો સંપૂર્ણ ખૂલ્લો મળે ત્યારેજ કરવો જોઈએ, જો આ બધા નિયમોનું પાલન કરવામાં આવે તો આજે બનેલા પહોળા રસ્તાઓ નો સંપૂર્ણ ફાયદો મળે સાથો સાથ સંપૂર્ણ સલામતી સાથે નિર્ધારિત જગ્યા પર ઝડપથી પહોંચી શકાય.
એક મહત્વની વાત કે અમુક પ્રકારના વાહન ચાલકો પોતાને આ બધા કાયદાથી પર ગણેછે, જાણે તેમને પીળો પરવાનો મળી ગયો હોય અને તેમના માટે જાણે અલગજ નિયમ છે, ગમે ત્યાં વાહન પાર્ક કરવું, ગમે ત્યાં રસ્તાની વચ્ચે ઉભા રહી જવું, ઉદ્ધત વર્તન. અવાજના પ્રદૂષણ માટે કેવા કેવા હંગામા થતા રહેછે, જ્યારે અમુક વાહનોમાં એટલાં જોરથી ગીતો વાગતા હોયછે કેતે વાહનમાં વાગેછે કે કોઈ મોટા સમારંભમાં તે નક્કી કરવું ભારે પડેછે. અવાજ માટે પણ માત્રા નક્કી કરવામાં આવેલછે, મારા ખ્યાલ મુજબ ૫૫, ડેસીબલની માત્રાથી વધારે અવાજ કરવો ગુનો છે, પણ આ વાહનો અનેક પ્રકારના એર હોર્ન વાપરીને કે બિન જરુરી સતત હોર્ન વગાડીને પણ ભયંકર પ્રદૂષણ ફેલાવેછે,  અને તેને કોઈ રોકતું નથી. વિજ્ઞાપનો પણ અકસ્માતમાં મોટો ભાગ ભજવેછે, રીતીક રોશન ને ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતો જોઈને તેની દેખા દેખી કરતા યુવાનો પોતેતો અકસ્માતના ભોગ બનેછે પણ ક્યારેક કોઈ નિર્દોષને પણ તેનો ભોગ બનવું પડેછે. વધારે પડતી ગતિ કોઈ અણ સંજોગોમાં ચલાવી લેવી ન જોઈએં, પણ રોકે કોણ? રોકનારની સંખ્યાજ એવીછે કે તે રોકવા જાય ત્યાં પેલો ક્યાંયનો ક્યાં પહોંચી જાય, અને આજ નબળાઇનો લાભ લઈને આવા લોકો છટકી જાયછે. ચાલતા વાહને ફોન પર વાત કરવી ગુનોછે, કાનમાં ભુંગળીઓ ભરાવીને સંગીત સાંભળવું તે પણ તેનોજ એક પ્રકારછે. પણ મોટા ભાગે વાત કરનારાતો કરેછે પણ ભુંગળી વાળાની સંખ્યા માપવી અશક્યછે, આમાં સંગીતના સ્તરનીતો વાતજ કરવા જેવી નથી. હેલમેટ સલામતછે પણ સાથે સાથે તેના થોડા ગેરફાયદા પણ છે, આમાં અવાજ મર્યાદા અને દૃષ્ટિ મર્યાદા પણ સર્જાતી હોઇને ક્યારેક નાના મોટા ગેરફાયદા અનુભવાયછે.
એક અકસ્માતનો પ્રકારછે આગળના વાહનની પાછળ ઘૂસી જવું, આવા અકસ્માતમાં મોટા ભાગે પાછળના વાહન ચાલકજ જવાબદાર હોયછે, કારણકે આગળ વાળા વાહનને કોઈ અવરોધ આવે તો તે બ્રેક મારેજ, પણ મોટા ભાગે પાછળનું વાહન યોગ્ય જગ્યા રાખ્યા વિના એટલી નજદીક હોય કે તેને રોકી ન શકે અને અકસ્માત થાય, આવા સંજોગોમાં આગળના ચાલકને દોષીત ન ગણવો જોઈએં ઊલટું મનેતો લાગેછે કે તેને નુકસાનનું વળતર પાછળ વાળાએ આપવું જોઈએં. આ ઉપરાંત એક મોટામાં મોટો ગુનો રાત્રિના રોડ પર ગમે ત્યાં વાહન ઊભું રાખવું અને તે પણ પર્કિંગ લાઈટો ચાલુ રાખ્યા વિના, હેઝાર્ડ લાઈટ કે જે ચાલુ કરતાં સિગ્નલની બન્ને લાઈટો ચાલુ થાયછે, તે ખતરો બતાવેછે, રાત્રિના વાહન પાર્ક કરતી વખતે આ લાઈટ ચાલુ કરવાની હોય છે, જેથી આવતા જતા વાહનોને દુરથીજ કોઈ વાહન રસ્તા પર છે તે ખ્યાલ આવે, પણ આ લાઈટ નો ઉપયોગ ભાગ્યેજ કોઇને ખબર હોયછે, એ તો જાણે રોશની માટે હોય તેમ ઘણી વાર વાપરવામાં આવેછે. જો કે મોટા ભાગે ટુંકા વિસ્તારમાં ચાલતી ગાડીઓમાં પાછળની લાઈટો કાંતો ચાલુ હોતી નથી કે પછી હોતીજ નથી, અને આવા વાહનોને કોઈ ભાગ્યેજ રોકીને યોગ્ય પગલા લેવા ફરજ પાડેછે, આ નાની એવી બેદરકારી ભયંકર અકસ્માત નોતરેછે, અને મહા મુલી માનવ જીંદગી રગદોળી નાખેછે. બંપ બનાવવાના પણ અનેક નિયમોછે, પણ લોકો પોતાની સુવિધા અનુસાર બંપ બનાવીને કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરતા હોયછે અને તેને કોઈ રોકતું પણ નથી. 
અકસ્માત થયા પછી ઘણી વખત અન્ય લોકો દ્વારા વાહનોને કે માલ વાહક વાહન હોય તો માલ સામાનને  નુકસાન કરવામાં આવેછે. અકસ્માતની ગંભીરતા જોતાં ઉશ્કેરાટમાં આવું બને તે સ્વાભાવિકછે, પણ કોઈ પણ સંપતી આખરતો રાષ્ટ્રની સંપતીછે, વાહન માલિકને તેનું જે નુકસાન થાયછે તેમ દેશની પણ એ મિલકત નુકસાન પામેછે, માટે ચાલકને યોગ્ય સત્તા દ્વારા સજા થાય તે જરુરીછે પણ રાષ્ટ્રને શા માટે? અને જો ચાલક પગારદાર હોય તો વાહન માલિકને શા માટે? 
એક મોટામાં મોટી સમાસ્યાછે અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકો મદદ કરવા કે પોલીસને જાણ કરતાં અચકાયછે, કારણ કે જો પોલીસ કેસ થાય તો તેમાં તેને પણ સાક્ષી બનવા અને કેસ ચાલે ત્યારે હાજર રહેવું પડે તે બીકે ભાગ્યેજ સામાન્ય લોકો ઇચ્છા હોવા છતાં આ ઝંઝટમાં પડતા નથી. ખરેખર આ એક ગંભીર બાબત છે, માનવતા ખાતર પણ આમાં મદદગાર થવું જોઈએ, પણ એ વાત પણ એટલીજ સત્ય છે કે ક્યારેક આમાં હેરાન પણ થવાનો વારો આવતો હોય છે, આના માટે પણ કાયદામાં કોઈ એવી જોગવાઈ કરવી જોઈએ કે લોકો જરા પણ અચકાયા વિના મદદગાર બનવા તત્પર બને.
સામાન્ય રીતે એક નિયમ બની ગયોછે કે ટ્રક સાથે કોઈ પણ નાનું વાહન ટકરાય તો કંઈ પણ જોયા વિના દોષી ટ્રકનેજ માનવામાં આવેછે, એજ રીતે કોઈ પણ અકસ્માતમાં મોટા વાહનનેજ દોષી ગણવામાં આવે તે યોગ્ય છે ? શું નાના વાહન વાળો ભૂલ કરેજ નહીં ? 
એક માનવામાં ન આવે એવો અકસ્માતનો પ્રકારછે સામે સામે અથડાતાં દ્વિ ચક્રી વાહનો. આજ અહિં કયો એવો માર્ગ છે કે જ્યાં આવા વાહનો આસાનીથી ચાલી ન શકે? છતાં કેમ અથડાઈ પડેછે તે વિચાર કરતા કરીદેછે.
આજે મોટાભાગે ૪, લાઈન કે ૬, લાઈન રોડ બનાવવામાં આવેછે, પણ ચાલકોને તેમાં કયું વાહન ક્યાં ચલાવવું તે જાણે ખબરજ નથી, મારી જાણ મુજબ હંમેશા ઓછી ગતિ વાળું વહન જેમ કે માલ વાહક રિક્ષા, ટ્રેક્ટર અથવા હાઈડ્રાને નામે ઓળખાતી ક્રેન કે જે મોટા ભાગે જમણી બાજુજ ચાલતી હોયછે, તે બધા ડાબી બાજુ એક નં. લાઈનમાં ચલાવવા જોઈએં. ત્યાર બાદ મોટા વાહનો ૨, નંબરમાં અને ૩, નંબરમાં કાર જેવા વાહનો, ૪, નંબરમાં જેમણે આગળના વાહનને ઓવરટેક કરવાનું હોય કે જમણી બાજુ વળાંક લેવાનો હોય તે ચાલે તો અકસ્માત થવાનો કોઈ ચાંસજ રહે નહીં. આ ઉપરાંત નાના રોડ પરથી મોટા કે હાઈવે પર આવતા વાહનોએ પહેલાં ઉભા રહીને બન્ને બાજુ જોયા બાદજ મુખ્ય માર્ગ પર આવવું જોઈએં જે આજકાલ જાણે કાયદામાંથી બહાર થઈ ગયુંછે અને તેથી આ કારણસર ઘણા અકસ્માતો થાયછે. 
ઈશ્વર બધાને સદ્બુદ્ધિ આપે એજ અપેક્ષા.

ગુરુવાર, 29 મે, 2014

                           કહેવાતા કલાકાર. 

  પહેલાં ના જમાનામાં સંતો મહંતો, ભક્તો કે કોઈ પણ કલાના મહારથીઓ ને રાજ્ય તરફથી સ્વરક્ષણ અને વર્ષાસન મળતું, કોઈ પણ કલા ભક્તિ કે કાવ્ય રચયિતા ની ત્યારે કદર થતી, શબ્દોની સમજ હતી, વિદ્વાનો વચ્ચે તેની ચર્ચાઓ થતી અને એના અર્થો સમજી વિચારી પચાવી ને પછી ગાનારાઓ ગાતા, અને તેથી તાનસેન જેવા મહાન શાસ્ત્રીય સંગીત ગાનારાઓ ને પણ સાંભળનારા સમજી શકતા, અને મહા કવી કાલિદાસ ને પણ સમજવા વાળા હતા, રચયિતા પર વારી જનારા અને દાદ દેનારા આજે નથી એવું નથી, પણ તેમને સમજવા વાળા અને કાવ્ય ના મર્મને સમજનારા ખાસ રહ્યા હોય એવું લાગતું નથી. જેમકે ફિલ્મિ ગીતો છે "ભોર ભયે પનઘટ પે" કે પછી "મોહે પનઘટ પે નંદ લાલ.." આજે આ સાંભળનારા માં કેટલાને આમાં નંદ લાલ દેખાય છે? આમાં કેવી ઊંચી વાત કવીએ કહી છે? પણ કેટલાને ખબર છે કે આનો રચનારો કોણ છે? અરે આજના જમાના નું "પંછી નદીયાં હવા કે ઝોંકે.. કે પછી સાંવરીયો રે મારો...હૂંતો ખોબો માંગું ને દઈ દે દરિયો...કેવા ઊંચા શબ્દો છે ? .  મોરારી બાપુની એક મહાનતા છે કે તેઓ જેપણ કવિની રચના ગાય તેના રચયિતાને જરૂર બિરદાવે, અને બાપુ જેવા પણ જેની નોંધ લેતા હોય તો તે કવિતા કે ભજન કઈ કક્ષાનું હશે? ભલે ને તે ફિલ્મિ હોય, સંગીત સાંભળવા વાળાની સંખ્યા આજે ખુબજ વધી છે, મોબાઈલ ની ભુંગળી કાનમાં ભરાવીને ફરતા કે વાહનોમાં વાગતા આજુ બાજુ ના સમગ્ર વિસ્તારને પ્રદૂષિત કરતા ગીતો, જેમાં શબ્દો ઓછા સમજાતા હોય, પણ મોટા મોટા અવાજે ઢમા ઢમ થતું હોય, તેમાં ભાન ભૂલી ને અકસ્માત કરતા આજે અઢળક છે, પણ તેમાં સંગીત ની સમજ કે શબ્દોની ઊંડાઈ તો ઠીક રજ માત્ર પરખ હોતી નથી, ફક્ત દેખા દેખી સિવાય કશુજ હોતું નથી. 
  આજે કહેવાતા કલાકારો કે ડાયરામાં બીજાની નકલ કરનારા અકલ નું પ્રદર્શન કરી ને અર્થના અનર્થ કરનારા અનેક લોકો ઝભ્ભો અને સાલ-ભજન કે સંગીત ની સમજ હોય કે ન હોય, આ બે વસ્તુ અચુક હોવી જોઈંએ- નો દુપટ્ટો કરીને પોતાને મહાન ગણાવતા કેટલા ગાયકો નારાયણ બાપુની તરજ અને હાર્મોનિયમ ની છટા થી દૂર રહી શકે છે? અરે નારાયણ બાપુએ તો ભજન ગાયકી ને એક એવી જગ્યા પર લાવી દીધી કે આજના કહેવાતા કલાકારો ને રોટલા રળવાનો રસ્તો મળી ગયો, બાકી સમજ નારા સમજે છે કે આ દીવામાં કેટલું તેલ છે.
 એક સત્ય ઘટના કહું તો એક ઉચ્ચ કોટીના રચયિતા એક ટીવી પ્રોગ્રામ માં ભાગ લેવા પધારેલા, ત્યારે કહેવાતા મહાન ગાયક આજ કલાકાર ની રચના ને એમની સામેજ એવીતો કઢંગી રીતે રજૂ કરી કે જો કોઈ બીજો રચયિતા હોત તો કદાચ ત્યારેજ ઊભો થઈ ને ચાલતો થાત, પણ આતો..... એ મર્યાદા ન ચૂકે, શાંત ચિત્તે આખો પ્રોગ્રામ નત મસ્તકે સાંભળતા રહી ને એ ઝેરનો કટોરો પી લીધો, આ છે મહાનતા, આની જગ્યાએ જો કોઈ જોડકા જેવા ગાયનો જોડી ને પોતાને મોટો ગીતકાર સમજનારો હોત તો જરૂર બબાલ કરત, કારણ કે આવા લોકો ને પાછા બે ચાર બોડી ગાર્ડ જેવા ચમચાઓ વાહ વાહ કરવા સાથેજ હોય છે, જે આવા કપરાં સમયે કામ આવે છે. 
    ઈશ્વર ગાનારાઓને જ્ઞાન અને સાંભળનારા ને સમજ આપે એજ અભ્યર્થના સાથ જય માતાજી.     

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

શુક્રવાર, 23 મે, 2014

મારી લખેલી સાખીઓ...


પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..

ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ
ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.

હરિ નામ હૈયે રહે, પર દુખ પીળ અપાર
ભાવ સહિત ભક્તિ કરે, એ નરનો બેડો પાર

સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની વીર ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે.  
સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા.  
સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....

પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગુરુવાર, 22 મે, 2014

             ગુરુ

     
ગુરુ વિણ જ્ઞાન ન આવે ભક્ત જન........
ગુરુ મળે તો ગોવિંદ બતાવે, નગરો નરકે જાવે......

લખ ચોરાસી ભટકે જીવડો, મહેર માધવની જો પાવે
માનવ કેરો મનખો મળે ને, ગુરુ પદ પંકજ પાવે...

સત્ય અસત્યની સમજણ આપે, ભક્તિ માર્ગ બતાવે
હરામ તજી હરિ ઓળખાવે, ગોવિંદ ગીતો ગવડાવે....ગુરુ..

ભમ્યો ભલે નહી કાબા કાશી, યાદ ન ઈશ નિ આવે
ગુરુ મળે કોઈ પરમ કૃપાળુ, પળમાં પાર લગાવે...

"કેદાર" કરીલે ગુરુ પદ સેવા, હરિવર હૈયે આવે
યમ દૂતો કદી’ દ્વારે ન આવે, મુક્તિ માર્ગ બતાવે...

બુધવાર, 21 મે, 2014

                         ઈડર ના ભક્ત સાંયા જુલા


ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી.

  ઈડર શહેર માં સાંયા જુલા નામે એક મહા સંત થઈ ગયા, જે રાજ્ય ના ઉચ્ચ કોટીના રાજ કવી હતા, અને તેમણે નાગ દમન નામે ગ્રન્થ લખ્યો હતો, ભગવાન શ્રી દ્વારકેશ ના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે દ્વારિકા માં આરતી નો સમય થાય ત્યારે ભક્ત દ્વારિકા મંદિર માં એક ખાસ જગ્યા પર ઊભારહી ને અચૂક દર્શન કરતા જોવા મળતા, અને તેથીજ હર રોજ આવનારા દર્શનાર્થીઓ હર હંમેશ ભક્ત ની ઊભા રહેવાની જગ્યા થી થોડા દૂર ઊભા રહેતા જેથી ભક્ત ને દર્શન કરવા માં ખલેલ ન પડે, પણ આ વાતની જાણ ઈડરમાં કોઈને ન હતી, કારણ કે ઈડરમાં જ્યારે રાજ દરબાર ભરાતો ત્યારે સાંયા જુલા ભક્ત દરબાર માં હાજર રહેતા, તેથી તેમની ટેકની જાણ કોઈને ન હતી.
   એક વખત ભક્ત દ્વારિકા દર્શને પધાર્યા ત્યારે કહેવાય છે કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાન ને રૂબરૂ માં નાગ દમન ગ્રંથ સંભળાવ્યો. પ્રભુ બહુ ખુશ થયા અને ભક્ત ને વર માંગવા કહ્યું, ત્યારે ભક્તે કહ્યું કે પ્રભુ હૂંતો અજાચી ચારણ છું, હું માંગું નહીં, ભગવાન કહે ભક્ત તમે ચારણ છો અને હું રાજા છું, મારે આપવાનો ધર્મ છે અને આપને લેવાનો ધર્મ છે, માટે માંગો, પણ ભક્ત એક ના બે ન થયા અને સમય આવ્યે પ્રભુની રજા લઈને ઈડર પધારી આવ્યા. પણ પ્રભુ ને મનમાં થયું કે આવા ભક્ત ને મેં કંઈ આપ્યું નહીં, તેથી એક સાંઢણી પર સન્માન જનક યોગ્ય પુરસ્કાર ભરીને ઈડર ભક્તના નામે પત્રિકા લખીને મોકલી આપી. આતો પ્રભુની મોકલેલી સાંઢણી, ભક્ત ની ભાળ મેળવી ને તેમના દ્વારે આવી. ભક્તે ચીઠ્ઠિ વાંચી ને ગદ ગદ થઈ ગયા, અને મનો મન પ્રભુ ને વંદન કર્યા.

   એક સમયે હકડા ઠઠ દરબાર ભરાયો છે, સર્વે દરબારીઓ યથા યોગ્ય ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે ભક્ત એકદમ ઊભા થઈને જાણે કૈંક અજુગતું બન્યું હોય તેમ હાથ પછાડતા હોય એમ કરવા લાગ્યા, બધા દરબારીઓ સાથે મહારાજ શ્રી પણ અચરજ પામી ને જોવા લાગ્યા કે સાંયા જુલાજી આ શું કરે છે ? થોડી વાર પછી બધું રાબેતા મુજબ થઈ ગયું, ત્યારે મહારાજા એ પૂછ્યું કે ભક્ત આ આપ શું કરતા હતા ? ત્યારે ભક્તે વાત ટાળવાની કોશિશ કરી, પણ આતો રાજ હઠ, જીદ કરી કે ના, આમાં કંઈક મર્મ છે, આપ મને બતાવો, આપના જેવા મહા માનવના વર્તનમાં જરૂર કંઈક છુપાયેલું હોય, ત્યારે ભક્તે કહ્યું કે રાજન આપના આગ્રહ થી મારે કહેવું પડેછે કે હમણાં દ્વારિકામાં આરતીનો સમય થવા આવ્યો હતો, પૂજારી મહારાજ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા, ભગવાન ના વાઘા બદલવા માટે પુજારીજી બાજુના અંતરવાસ માં ભગવાન ના નવા વાઘા લેવા પધારેલા, મૂર્તિ પાસે જે દીવો રાખવામાં આવેછે તેની બાજુમાં અંતર પટ માટે રાખેલો પડદો આ દીવાને સ્પર્શી ગયો, અને પછી ભગવાને પહેરેલા વાઘાને અટકી જતાં તેમાં પણ આગ લાગી તેથી હું એ આગ ઓલવતો હતો જેથી પ્રભુ દાઝે નહીં.
આખી સભા સ્તબ્ધ બની ગઈ, આમાં કોઈ શંકા કરવા જેવી વાત ન હતી, કારણ કે આવા સંતો જૂઠું બોલે એતો કોઈ વિચારે જ નહીં, પણ મહારાજાએ એ સમય અને દિવસ નોંધ કરીને બુધ્ધિશાળી લોકો ને ખાત્રી કરવા માટે દ્વારિકા રવાના કર્યા.    
દ્વારિકામાં આવીને રાજાના દૂતોએ મહારાજાએ મોકલેલી ભેટ દ્વારિકાધીશ ના ચરણોમાં ધરી ને પુજારીજી સાથે ઉપરોક્ત ઘટના વિષે ચર્ચા કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે પૂજારીજી એ કહ્યું કે "હા એ વાત સાચી છે, તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી, પણ સાંયાજીએ લાજ રાખી, જો તેમણે સમય સર વાઘા ઠાર્યા ન હોત તો કદાચ ઠાકોરજી ને પણ આગે દઝાડ્યા હોત."
દૂતો અચરજ પામ્યા અને વિગતથી વાત જાણ્યા પછી પૂજારીજી ને કહ્યું કે "ભુદેવ સાંયા જુલાજી તો ઈડર માં રહે છે, અને ત્યાંના રાજ કવી છે, અને આપ જે સમય ની વાત કરો છો ત્યારેતો તેઓ ઈડરમાં રાજ દરબાર માં ઉપસ્થિત હતા તો અહીં વાઘા કેવી રીતે ઠારી શકે ?"  ત્યારે ભુદેવે જવાબ આપ્યો કે "ભાઈ તમારી કંઈક ભૂલ થતી હશે, આ ભક્ત તો દર રોજ આરતીના સમયે અચૂક આજ જગ્યા પર ભગવાન ના દર્શન કરવા હાજર  હોય છે, પણ અમે ક્યારેય તેઓ ક્યાં વસેછે એ બાબત ની ચર્ચા નથી કરી, પરંતુ દર રોજ આરતી ના સમયે અહીં પધારતા હોઈ ને તેઓ આટલાં જ કોઈ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, એમ અમારું માનવું છે. તેથી તમારી ઈડર વાળી વાત અમારી સમજ થી બહાર છે, પણ તમારે ખાતરી કરવી હોય તો આરતી સમયે અહિં હાજર રહેજો બધી વાત નો ખુલાસો થઈ જશે."  
દૂતોએ પણ પૂર્ણ ચકાસણી કરવા માટે ભૂદેવો એ દર્શાવેલી જગ્યાની બાજુ માંજ ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
આરતી નો સમય થયો ત્યાં તો ભક્ત સાંયાજી ભગવાન દ્વારકેશને નત્ત મસ્તક હાથ જોડીને પોતાના નિયત સ્થાન પર પધાર્યા, આ જોઈને દૂતો તો સ્તબ્ધ બની ગયા, ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા? અમોને વાયુ વેગી અશ્વો પર આવતાં પણ કેટલો બધો સમય લાગ્યો તો ભક્તરાજ દરરોજ અહીં કેવી રીતે પધારી શકે? પણ નજર ની સામે જે દેખાતું હોય તેની અવગણના પણ કેમ થઈ શકે? છતાં પૂર્ણ ખાતરી કરવા દૂતો અમુક દિવસો દ્વારિકા માં રોકાયા અને આરતી ના સમયે મંદિરમાં હાજર રહ્યા, ભક્તરાજ ને દર રોજ આરતીમાં ઉપસ્થિત જોઈને તેઓ પણ ગદ ગદ બનીને ભગવાન ની સાથો સાથ ભક્તના પણ ચરણોમાં આળોટી પડ્યા.

આ બધા સંસ્મરણો સાથે લઈને દૂતો ઈડર પહોંચ્યા અને ભર્યા દરબાર માં બધી વાત કરી ત્યારે મહારાજા ની સાથો સાથ આખો દરબાર મંત્ર મુગ્ધ બનીને ભક્તરાજ ના ચરણોમાં આળોટી પડ્યો.

આ હતા રાજસ્થાન ના ગૌરવ સમા મહાન ચારણ સંત સાંયા જુલા.
જય દ્વારિકેશ.  

મંગળવાર, 20 મે, 2014

                               નારાયણ બાપુના ભાવ ભજન.


મોરારી બાપુ અલગ અલગ જગ્યાએ રામ કથાને અલગ અલગ નામ આપેછે, જેમ કે માનસ સંત સમાજ, માનસ મહા મુનિ, માનસ પંચવટી, વગેરે વગેરે, એજ રીતે નારાયણ બાપુએ અમુક સમય પછી "રામ ભાવ ભજન" નામ આપેલું, આની પાછળ મને જે સમજાયછે તે અર્થ હું અહીં લખવા માંગુછું.

"રામ" એટલે ચેતના,ચૈતન્ય, ચૈતન્ય એટલે જેમાં જીવ હોય તે, જે વસ્તુ પોતાની મેળે વૃદ્ધિ ક્ષય પામે, અથવા જે અંત:પ્રેરણાએ હાલે ચાલે, ખાય, મળમૂત્ર કરે, જાગે, ઊંઘે, અને સમજી વિચારી શકે. આ દરેક જીવ ના જીવનમાં ભજન દ્વારા મોક્ષ પામવા સુધીની પ્રેરણા પુરી શકે તે "રામ ભાવ ભજન".

કથા કરવી કે ભજન ગાવા સામાન્ય સમજથી ખૂબજ આગળછે, ડોંગરેજી મહારાજ ભાગવત કથા કરે, મોરારી બાપુ રામ કથા કરે કે નારાયણ બાપુ ભજન ગાય, એ જગ્યાએ કોઈ સામાન્ય કથાકાર કથા કરે કે ભજન ગાય તેમાં જમીન આસમાનનો ફરક છે. ગાન કે પ્રવચન તો ઘણા કરી શકતા હોય, પણ એકના એક ભજનો કે કથા સાંભળવા લોકો ગમે તેવી તકલીફો ભોગવીને પણ આવતા હોય અને ભાવ વિભોર બનીને નાચતા હોય કે રડતા હોય તેને ભક્તિ કહેવાય, પણ જો આજ ક્રિયામાં એક ભાવ ન હોય તો તે નાટક જેવું લાગે. ગાનાર કે કથાકારને આંસુ મોટે ભાગે ત્યારેજ આવે જ્યારે તે ભાવમાં ડૂબીને સાક્ષાત્ ઈશ્વરને સમીપ જોવા લાગે, જોકે ઘણા કલાકારોમાં આવા નાટક કરવાની સમર્થતા હોયછે, એવા ઘણા કથાકાર/ભજનીક છે જે માણસોતો કોઇ પણ ભોગે ભેગા કરી શકેછે પણ ભક્તિરસ પિરસી સકતા નથી, આવા લોકો જોક્સ કરીને આનંદ પમાડે કે નખરા કરીને મનોરંજન પુરું પાડિ શકે, ભક્તિ નહીં. જ્યારે સાચા કથાકાર કે ભજનીકને માટે માણસો ભેગા કરવા ન પડે એની સુવાસજ એવી હોય કે લોકો દોડતા આવે.

કથાકાર કે ભજન ગાનારો ભાવમાં ડૂબતો જાય તેમ તેમ તેનામાં ઈશ્વરી કૃપા પ્રવેશ કરતી જાય અને તેની વાણી કે ગાયકીમાં તેનો ભાષ થવા લાગે, નારાયણ બાપુએ શાસ્ત્રીય ગાયકીની કોઈ પરીક્ષા પાસ કરી ન હતી, છતાં એકજ ભજન અનેક રાગોમાં ગાયાના દાખલાછે, તેનો એક દાખલો આપું તો બાપુએ મોરારી બાપુના તલ ગાજરડામાં "ચકવી રૈન પડે તબ રોવે." અનેક રાગોમાં ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દીધેલા. મેં તો ત્યાં સુધી શાંભળેલું છે કે ભજન સમ્રાટ અનુપ જલોટએ કબુલ કરેલું કે નારાયણ સ્વામીની હું નકલ પણ ન કરી શકું, આ છે ભજનની ગરિમા. સમય પ્રમાણે ગવાતા રાગોની સમજ નારાયણ બાપુએ મારાઅ જેવા રાગ થી અજાણ લોકોને આપી, એજ રીતે મોરારી બાપુએ તો રામ કૃપાથી વક્તા હોવા છતાં ગાયકીમાં પણ અનેરું યોગ દાન આપ્યુંછે, ઘણા બધા કથાકારોની વક્તૃત્વકલા અલૌકિક હોયછે, પણ ગાયકી બેતાલ કે બેસુર હોયછે, જ્યારે તે બોલતા હોય ત્યારે જે ભાવ પેદા કરી શકતા હોય તે ગાતી વખતે ન પણ આવતો હોય, પણ મારા મતે જો કોઈ ઈશ્વર મય બનીને પ્રયાસ કરે તો એ ભાવ આપ મેળે આવવા લાગેછે. નારાયણ બાપુ કે મોરારી બાપુ "ઓ.......મ. કે જય ગણેશ બોલે ત્યાં જાણે શ્રોતા ગણ સંમોહિત થઈને ભાવ વિભોર બની જાય.

હાલ ગુજરાતમાં મારા મત પ્રમાણે કવિમાં કવી "દાદ" રામ કથામાં પ. પૂ. મોરારી બાપુ, ભાગવત કથામાં ભાઈશ્રી, અને ભજન ગાયકી માં ઓસમાણ મીર આજની તારીખમાં શિરમોર છે. આમાં ભજન ગાયકીમાં નારાયણ સ્વામીજી નું આગવું સ્થાન હતું, પણ ઇશ્વરે આપણને તેનાથી વંચિત કરી દીધા, હવે કદાચ ડુપ્લીકેટ નો જમાનો છે તો છોટે નારાયણ થાય, નાના નારાયણ થાય, પણ નારાયણ સ્વામીનો તો યુગ જ પૂરો થઈ ગયો હવે બીજો નારાયણ સ્વામી થવો આ યુગમાં મને સંભવ નથી લાગતું, હા એમની નકલ કરનારા, ઓછી અક્કલ વાપરીને દેખાવ કરનારા કે પોતાને બાપુ થી પણ ચડીયાતા ગણાવનારા નો પાર નથી અને એવા લોકોને સાંભળ નારા નો પણ પાર નથી પણ પીતળ કદી સોનું નથાય.

નારાયણ બાપુ માં અનેક સદગુણો હતા, સાથોસાથ અનેક પ્રકારના નિયમો પણ હતા, જેમ કે એક એક શબ્દ સમજી ને બોલવો જોઇએં, ભજન માં ભાવ હોવો જોઈએં, ભજન માં ભક્તિનું મહત્વ હોવું જોઈએં નહીં કે પૈસાનું, ભજન ગાનાર કે સાંભળનારને વિક્ષેપ થાય તેમ વાતો ન કરવી જોઈએં જેવા અનેક નિયમો નો ખાસ આગ્રહ તેઓ રાખતા, અને તેથી ઘણા દેખાવ કરનારા લોકો ને બાપુનું વર્તન ગમતું નહીં, અને ક્યાંથી ગમે ? પોતાનો અહમ્ ઘવાતો હોય કે પોતાની અજ્ઞાનતાનું સત્ય સામે આવતું હોય તે કેમ ગમે ?

આવા હતા ભજનાનંદી બાપુ નારાયણ સ્વામી.
વધુ ક્યારેક...
જય નારાયણ.
     

સોમવાર, 19 મે, 2014

                   નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ


મિત્રો,
તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો કાર્યક્રમ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇએ "માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા નગુણા, ના સમજ કે એહસાનફરામોશ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીક, તેમના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.
દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ કુટુંબી જન તરીકે મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કેજે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 
વધુ ક્યારેક.

જય નારાયણ.