મંગળવાર, 6 ફેબ્રુઆરી, 2024

142, અવધમાં લાલા પધાર્યા...

અવધમાં લાલા પધાર્યા...
૨૪.૧.૨૪.
હૈયે મારે હરખ ન માય, અવધમાં લાલા પધાર્યા
આંખોમાં આંસુ ઊભરાય, અવધમાં લાલા પધાર્યા...

સંવત એંસી પોષ માસ સુદ બારના, મૃગશીર્ષ નક્ષત્ર શુભ સોમવારના
અવતરણ કીધાં રઘુરાય, અવધમાં લાલા પધાર્યા...

પાંચ પાંચ સદીઓના વાણા વિતાવ્યા, સાધુ સંત ભક્તોને ખૂબ રડાવ્યા
કીધો કુટીયામાં વાસ, અવધમાં લાલા પધાર્યા...

રાવણ સરીખાંને રણમાં સંહાર્યો, પહાડ સમાણા કુંભકર્ણને છે માર્યો
વિભીષણ ઠરાવ્યો સરદાર, અવધમાં લાલા પધાર્યા...

બાબર મગતરું શું આપના વિસાતમાં, મંદિરનો ધ્વંસ કરે માલ નથી વાતમાં
આપની લીલાનો નહીં પાર, અવધમાં લાલા પધાર્યા...

દાસ "કેદાર"ની અરજી બસ એક છે, અવધપુરીમાં હવે સદા લીલા લહેર છે
વિશ્વ ભરમાં શાંતિ સ્થાપાય, અવધમાં લાલા પધાર્યા...     

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, ૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji લખીને મારા બધા ભજનો વાંચી શકશો, અને YouTube માં kedarsinhji m jadeja સર્ચ કરીને મારા કે મારી રચનાઓના વીડીઓ જોઈ શકશો. મારું ઈ મેઇલ એડ્રેસ kedarsinhjim@gmail.com 
ફોટો-ગુગલના સહયોગ થી.


 

સોમવાર, 9 ઑક્ટોબર, 2023

139, પીર રામદેવજી


               પીર રામદેવજી

તા. ૧૭.૯.૨૩. (રામદેવ પીર નવરાત્રી.)
ઢાળ;- હરિ જન આવો હરિ ગુન ગવાય છે....જેવો

સાખી:-રામ નામ અનેક પણ, પીર પોકરણ નો એક
       અજમલ ઘર અવતાર ધરી, તાર્યા દાસ અનેક..
દ્વારિકાથી દોડી ગયો, પોખરણ ગઢ મોજાર,
તંવર કુળ અવતાર ધર્યો, ધન્ય ધન્ય સરકાર......

પીર પોખરણ ના એક મનસા રહે મારી, રાત દિવસ કરૂં રટણા તમારી...

ભક્ત અજમલે આવી ઘાયલ કીધાં, તોયે દ્વારિકાના નાથે દર્શન દીધાં
ભક્તિ ભાળીને આપ્યા,  વચનો વિચારી....રાત દિવસ કરૂં રટણા તમારી...

માસ ભાદરવો, બીજ અજવાળી, તંવર કુળની નાત ઉજાળી
ધરા રણુજા ની બની, પાવન કારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

નિજિયા ધર્મને ઉજાગર કીધો, અજ્ઞાનીઓ ને, આત્મ બોધ દીધો 
પરચા પૂર્યા છે પુરા, જગમાં બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

મક્કા શહેર થી, આવ્યા કોઈ ઓલિયા, ભાળી પ્રતાપ તારો, વચનો ઉચાર્યા
પીર સ્થાપીને કરી, ભક્તિ બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

દાસ "કેદાર" ની એકજ આશા, કદાપિ જીવનમાં ન આવે નિરાશા
નીરખે મનોહર મુરત, આંખડી અમારી..રાત દિવસ કરૂં રટણા તમારી...

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.   
ફોટો-ગુગલ ના સહયોગ થી


 

133, કળિયુગના કપૂતો.


   કળિયુગના કપૂતો.                 

તા. ૨૫.૯.૨૩

ઢાળ;-સાધુ વો નર હમ કો ભાવે...જેવો


સાખી-નાટક ચેટક નખરા કરે, કળિયુગ ના સંતાન 

      એને ધર્મ તણું નહીં ધ્યાન, દિલ ની વ્યથા આ "દીન" ની...

     માતા થી નહીં મેળ, ભાઈ ભાગીદાર લાગતો

     પણ સાળા સાથે સ્નેહ, દિલ ની વ્યથા આ "દીન" ની...   

     પિતા થી નહીં પ્રેમ, સાસરી સગપણ રાખતો

     બહેની વલખે કેમ. દિલ ની વ્યથા આ "દીન" ની....


કળિયુગ આજે,  કેવા કેવા ખેલ કરાવે...ટેક.

સપૂત સંતાનો નજરે ચડે નહીં, કપૂતો નો પાર ન આવે...

 

માત પિતા બન્ને કરીને મજૂરી, પુત્ર ને ખૂબ ભણાવે

સાહેબ બન્યા પછી આવે શરમ એને, અભણ ને કેમ ઓળખાવે...     


બાપ બનીને ફરે બેટાજી, મા ને મજૂરી કરાવે

ભાઈ બહેન ની ભાળ ન લે પણ, મિત્રો મોજ મનાવે....


બેની બીચારી કદી આંગણે ન આવે, સાળી સંગે બહુ ફાવે

સગા ભાઈ નો સાથ ગમે નહીં,      સાળો મન લલચાવે ...

   

બાવડું ઝાલે નહીં બૂઢા પિતાનું,  પર દુખ પીડ બતાવે

માત-પિતાને પૂરું ખાવા મળે નહીં,  મંદિર ભોગ ધરાવે......


આવે બુઢાપો ત્યારે બેટો હડસેલે, ખૂણામાં ખાટલો ઢળાવે

"કેદાર" કાનુડો કોઈનું કરજ ન રાખે, ન્યાય ના ત્રાજવે તોળાવે.... 


ભાવાર્થ :- સાખી-આજના સંતાનો ધર્મ માં જરાએ ધ્યાન આપતા નથી, સિનેમા ને નાચ નખરામાં બધું ભૂલી ગયા છે. માતા-પિતા પર પ્રેમ નથી, ભાઈ મિલકત નો ભાગીદાર લાગે છે, બહેન ભાઈ ના પ્રેમ ને વલખે છે, પણ સાસરી પક્ષે બધુંજ સારું છે. આ મારા દિલ ની વેદના છે. (બધા સંતાનો આવા નથી હોતા, પણ એને શોધવા પડે એવો જમાનો આવી ગયો છે.)  

 આજે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે એનો પ્રભાવ એટલો બધો વર્તાઈ રહ્યો છે કે આજના ઘણાં સંતાનો પોતાની ફરજ ચૂકી રહ્યા છે. માતા પિતાએ પોતાના થી બનતી બધી મહેનત કરીને બાળકોનો ઉછેર કર્યો હોય, એને ભણાવ્યા હોય અને મોટા હોદ્દો અપાવ્યો હોય, પણ જ્યારે એ સાહેબ બની જાય પછી આવા માતા-પિતા ની ઓળખ આપતા એને શરમ આવે છે, પોતાના મિત્ર વર્ગ માં આવા અભણ લોકો એને જાણે ઓછપ લાગે છે. પોતે જ્યારે મોટા હોદ્દા પર બેસી જાય પછી માતા-પિતાને ઘર કામ કરાવે, એક ખૂણામાં ગોંધી રાખે, અને મિત્રો સાથે મોજ મજા માણે, પોતાના ભાઈ બહેન સાથે મન દુખ રાખે, પણ સાળો કે સાળી સાથે અનહદ પ્રેમ હોય. દેખાવ ખાતર બીજાના દુખમાં દુખી થાય પણ ઘરમાં મા-બાપ ની સેવા કરવા સમય ન હોય, કોઈ મંદિર માં જાય તો પોતાનું માન વધારવા મોટા મોટા દાન કરતો હોય, આમ મહારાજ રીઝે નહીં. 

   પણ પછી જ્યારે પોતાને બુઢાપો આવે ત્યારે એના સંતાનો પણ એજ રસ્તો અપનાવે, કારણ કે જેવું એણે જોયું હોય એવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી, જેવું વાવો એવું લણો ! આ તો ઈશ્વર નો ન્યાય છે, એમાં કોઈ ફરક આવતો નથી. માટે સમજી વિચારીને જીવન જીવવું જોઇએં.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


108, કૃષ્ણ-સુદામા


                        108,  કૃષ્ણ-સુદામા

તા.૨૬.૯.૨૩

ઢાળ:-છે મંત્ર સદા મંગલકારી ૐ નમ: શીવાય ૐ નમ: શીવાય...જેવો.


બે બાળ સખા બહુ ટાણે મળ્યા, સુખ દુખની વાતો વિગતે કરે,  વર્ષોના વાણા વીતી ગયા,  સાંદીપની આશ્રમ યાદ કરે....

 

દેવી સુશીલા દ્રવિત ઘણી,   ફિકર કરે બહુ બાળ તણી        છે મિત્ર મુરલીધર દ્વારિકા ધણી, દામોદર દુખ ના કેમ હરે...


જો સમણામાં પણ શ્યામ મળે, ભવ ભવની ભાવટ પળમાં ટળે  શાને મિત્ર સુદામો ભુખ્યો ફરે, સામળિયો સદાયે ન્યાય કરે...


તમે દ્વારિકા જઈ મેળાપ કરો, અજાચી રહો ના માંગ કરો     મન મોહનનો વિશ્વાસ કરો,      શ્યામસુંદર સૌ સારું કરે....


એ તો હેમના મહેલમાં રહેનારો, સુદર્શન ચક્રનો ધરનારો      ગરુડધ્વજ રથનો ચડનારો, મોરલી મનોહર અધર ધરે...

                 

પીતાંબર પહેરી ફરનારો,       મોર મુકુટ મન હરનારો       અક્ષૌહિણી સૈન્યનો સરદારો, અમ રંકની ઝોળી ભરપૂર ભરે.....


સુશીલાના સંકટ સમજી કરી, મોહનને મળવા હામ ધરી      દ્વારિકાને મારગ પગલી ભરી, ચપટી ચોખા લઈ કાંધે ધરે...


નારાયણ કદી ના નિરાસ કરે, મિત્રને મળવા દોટ ભરે      બાથમાં જકડી વહાલ કરે, પટરાણીઓ અચરજ ઉરમાં ધરે...


સ્નાનાદિક પુષ્પની માળ ધરે, ભાલે ચંદનનું તિલક કરે       વિધ વિધ ભોજનના થાળ ધરે, વિગતે બેસીને વાતો કરે...


વ્યવસાયમાં હાલે શું ચાલી રહ્યું, નિર્વાહ કુટુંબનું કેમ કર્યું      ચોરેલા ચણાનું વૃત્તાંત કર્યું, દ્વારિકેશ એ દિવસો યાદ કરે... 


મિત્રની મનસા ધ્યાને ધરી, મૂઠી ભર તાંદુલ મુખમાં ભરી      ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી, ભવે ભવની ભાવઠ દૂર કરે... 


ઘણાં દિનના વાણા વીતી ગયા, વિપ્રના દિલમાં ઉચાટ થયા    મારાતો અહિં બહુમાન થયા, પરિવારનું પોષણ યાદ કરે...


અંતરની દુવિધા નજરે ચડી, મોહનના મનમાં ફાળ પડી    વસમી વિદાય પળ આવી ચડી, વનમાળી વિપ્રને વિદાય કરે....


જ્યાં પાવન પગલાં સુદામ ધરે, મંગળકારી મારી ભૂમિને કરે   મારા નગર જનોના ભંડાર ભરે, સંત ચરણ રજ અભરે ભરે....


સુશીલાનું સંકટ સઘળું હર્યું, સુદામાએ તૃણના કરમાં ધર્યું    હરિ નામનું હરદમ ગાન કર્યું, જીવનભર જગપતિ જાપ કરે.....


"કેદાર" કનૈયો કપટ કરે, પણ- ભક્તની અરજી ઉરમાં ધરે    વિઠ્ઠલ ના કદીય વિલંબ કરે,  દામોદર દુખડાં દૂર કરે...


ભાવાર્થ :-  દ્વારિકાનો નાથ બન્યા પછી અને સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યા પછી, શ્રી કૃષ્ણ અને બાળ સખા સુદામા વર્ષો બાદ પહેલી વખત મળ્યા ત્યારે જુની વાતો યાદ કરે છે.

   સુદામાજી ગરીબ છે, તેમના પત્ની સુશીલાજી પોતાના બાળકોના પોષણ માટે ખૂબ દુખી રહે છે, તેથી સુદામાજીને વીનવે છે કે આપ કહો છો કે દ્વારિકાના નાથ ભગવાન છે, પાછા આપના મિત્ર છે, તો આપ એક વાર એને મળવા તો પધારો! એ આપણું દુખ જરૂર દૂર કરશે. કહેવાય છે કે ભગવાન સ્વપ્નમાં પણ મળે તો બેડો પાર થઈ જાય, તો એ આપનું દુખ કેમ નહીં સમજે? આપ દ્વારિકા પધારો અને કૃષ્ણને મળો, મને ખબર છે, આપ માંગતા નથી, તો હું આપને કંઈ માંગવાનું નથી કહેતી. એ બધું સમજી જશે, તમારે માંગવું નહીં પડે.

    પત્નીની વિનવણી સાંભળીને સુદામાજી કહે છે, એ દ્વારિકા જેવી સ્વર્ણની નગરીનો રાજા છે, જેની પાસે અક્ષૌહિણી સૈન્ય છે, સુદર્શન ચક્ર છે, ગરુડધ્વજ જેવો રથ છે, પીતાંબર વસ્ત્રો પહેરે છે, મોર પીંછ વાળો મુકુટ ધારણ કરે છે, એની પાસે સમય ક્યાં હોય? હું એને કેમ માળું ?

    અંતે સુશીલાજીના દુખને સમજીને અને મિત્રને મળવાની આશાએ થોડા પૌવાની ભેટ આપવા દ્વારિકાના માર્ગ પર નીકળી પડ્યા. પણ આ તો નારાયણ, નામ સાંભળતાં જ દોટ દીધી, બાથ ભરીને એવા ભેટ્યા કે બધી રાણીઓ વિચારવા લાગી કે આ કેવો પરમ મિત્ર છે? સ્નેહ થી સ્નાન કરાવ્યું, નવું પીતાંબર પહેરાવ્યું, ગળામાં પુષ્પની માળા પહેરાવી, કપાળમાં ચંદનનું તિલક કર્યું અને વિધ વિધ ભાતના ભોજન જમાડ્યા પછી ખબર અંતર પૂછવા લાગ્યા. ટીખળ કરતાં ભગવાન પૂછે છે કે વ્યવસાય કેમ અને કેવો ચાલે છે? આશ્રમમાં હતા ત્યારે તું આપણાં ભાગના ચણા ચોરીને એકલો ખાઈ ગયેલો, શું હજુ આવી ટેવ છે ખરી? તું આવો જ્ઞાની છો તો તારા પત્ની શાણા જ હશે, મારા માટે કોઈ ભેટ તો આપી જ હશે. આમ બધું જાણીને ભગવાને સુદામા લાવેલા તે પૌવા મુખમાં પધરાવ્યા અને સુદામાના બધા દુખ દૂર કર્યા. જ્યાં સુદામાજીની ઝૂંપડી હતી ત્યાં મહેલ બનાવી દીધો.

   ઘણાં દિવસ વીત્યા પછી સુદામાજીને ચિંતા થઈ કે મનેતો કનૈયો ખૂબ સારી રીતે રાખે છે, પણ મારા પરિવારનું ગુજરાન કેમ ચાલતું હશે? આ ભાવ જાણીને ભગવાને ભારે હૈયે વિદાય આપી. ભગવાન સુદામાને રથમાં બેસાડીને વળાવવા ન ગયા પણ ખુલ્લા પગે ચલાવીને નીકળ્યા ત્યારે કોઈ ભક્તએ કહ્યું કે પ્રભુ આપ મર્યાદા ચૂકો છે, આવા મહેમાન, અને એ પણ આપના મિત્ર! ખુલ્લા પગે? ત્યારે પ્રભૂએ ધીરેથી કહ્યું કે આવા સંતના પગલાં મારી દ્વારિકાની ભૂમી પર પડે, અને એ રજ ચોમેર ફેલાય તો મારા નગરજનો પણ પાવન બની જાય, માટે પગે ચલાવીને વળાવવા નીકળ્યો છું.

   ભગવાને સુશીલાદેવીના તો સર્વે સંકટો દૂર કર્યા પણ સુદામજીએ એમાંથી તણખલાભાર પણ સ્વીકાર્યું નહી, કહ્યું આ મેં નથી માંગ્યું, તમારી પ્રાર્થના સાંભળીને દ્વારિકાનાથે તને અને બાળકો માટે આપ્યું છે, આમાં મારો કોઈ હક્ક નથી, હું તો ઝૂંપડીમાં મારું જીવન બસ એના ગુણગાન કરીને વિતાવીશ. આવા સંત હ્રદય વિપ્રને મળવા વાલો ખુલ્લા પગે દોડે. આ છે દ્વારિકાના નાથ, બસ ભક્તિ કરો, કંઈ માંગો નહીં તો પણ ભંડાર ભરીદે, માટે નિષ્કામ રહીને ભજન કરો અને બધું એના પર છોડી દો. 

જય શ્રી કૃષ્ણ.

સ્નાનાદિક= નહાવું; ધોવું વગેરે. 


રવિવાર, 6 ઑગસ્ટ, 2023

136, આંગળ છૂટ્યા ટેરવાં.

 


                                                આંગળ છૂટ્યા ટેરવાં.
તા. ૨૭.૪.૨૩

ભક્તિના મુજને પાઠ, લછનાયન સંભળાવ્યું માતને
પણ-આજે થયો અનાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડગલે પગલે "દાદ", કોણ કહે કવિતા વિષે
હવે, કલમ ન દેતી સાથ, આંગળ છૂટ્યા ટેરવાં.....

તર્કો તણા તુરંગ, તરંગ ન લાવે તુંબડે
સૂઝે નહીં કોઈ શબ્દ, આંગળ છૂટ્યા ટેરવાં

પડી ખજાને ખોટ, "દાદ" તું જાતો રહ્યો
આવી સરજન માં ઓટ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ડેલી બાપુ ની આજ, મારા "દાદ" વિણ વલખી રહી
કોણ લડાવે લાડ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ઘરના ખૂણે ઘનશ્યામ, ભક્ત જન પામે ભલે
"કેદાર" અટૂલો આજ, આંગળ છૂટ્યા ટેરવાં.....

ભાવાર્થ:- મા, માતાજી કે આત્મીય હોય એને માન આપોતો નારાજ થાય, મારા માતુશ્રી જ્યારે મને તમે કહે ત્યારે હું સમજી જતો કે આજે નારાજ છે, મારે મારા દાદ ને નારાજ નથી કરવો.
  હે "દાદ" આપે મારામાં બચપણ થી ભક્તિનો ભાવ ભણાવ્યો, જ્યારે મારા માતુશ્રીને આપે રચેલું લછનાયન દરબારગઢમાં પધારીને સંભળાવ્યું. પણ આજે મને મારા ગુરુની ખોટ સાલે છે, જાણે મારી આંગળીઓ ના ટેરવાં ઘસાઈ ગયા છે, અરે એમ કહીશ કે આંગળાં થી અળગાં થઈ ગયા છે, હવે કોણ શબ્દો સમજાવશે ?
   જ્યારે પણ જરૂર પડતી ત્યારે હું આપની સલાહ લેતો, પણ હવેતો આપ મારા નાથને આપની રચનાઓ થી તરબોળ કરવા પધારી ગયા, હવે મારે જરૂર પડશે તો આપને મારો નાથ થોડો સમય આપશે ? આપના હરિ પથ ગમન પછી મારી કલમ લંગડાવા લાગી છે.
      મારી કલ્પનાના ઘોડા હવે મારા મગજમાં શબ્દો ની સરવાણી લાવી શકતા નથી, તેથી કોઈ સારી રચનાઓ બની શકતી નથી. મારો શબ્દો નો ખજાનો તો મારા બાળપણ થી ભરનાર મારો "દાદ" હતો, હવેતો રચના બનાવવા જતાં જોડકા બનતા હોય એવું લાગે છે, એમાં મારા "દાદ" ની છાંટ પણ આવતી નથી.
       "દાદ" આપણી ડેલીમાં ડાયરો જામેલો, ગામ લોકો પણ માણી રહેલા ત્યારે એક રચના બનેલી "બાપુ ની ડેલીએ" આજે એ ડેલીમાં હું પ્રવેશું ત્યારે ડેલી મને પૂછે છે, "કેમ એકલો? ક્યાં છે મને નવરંગ ચૂંદડી નો શણગાર કરનારો "દાદ" " ત્યારે મારે દીન દયાળ ના "દાદ’ પ્રેમ ને યાદ કરીને કહેવું પડેછે કે હવે એ આપણને એ લહાવો લેવા નહીં દે.   
       "દાદ" આપે "આપે એટલું લઉં" લખ્યું, પણ એ "દાદ" જેવાને ઘનશ્યામ ઘરના ખૂણામાં મળી જાય, પણ હું તો આજ સાવ નિરાધાર બની ગયો, ન તો ઘનશ્યામ મેળવવા જેટલી ભક્તિ છે કે ન તો હવે ઘનશ્યામ પાસેથી "દાદ"ને છીનવવા જેટલી શક્તિ, બસ હવે તો જેટલું જીવન છે તે તારી યાદમાં પાર કરવાનું છે....
જય માતાજી.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.

138, બાગેશ્વર બાલાજી

 

            
                       બાગેશ્વર બાલાજી
તા. ૩૧.૭.૨૩
ઢાળ- મહા માયા ચરણે મનડું છે મારું..જેવો

બાગેશ્વર બાલાજી મારી અરજી શ્વીકારો
દીન દુખિયાના દુખડાં, આપ નિવારો...બાગેશ્વર બાલાજી..

કર્મ ના સંજોગે સૌને જન્મ મળે છે, ધન દોલત કે કોઈને દર્દ મળે છે,
આવે જે શરણે તારે, સાતા મળે છે, અવગુણ અમારાં સઘળાં, આપ સુધારો..બાગેશ્વર બાલાજી...

ભારત ભૂમિ પર આજે, સંકટ છે ભારી, અધર્મી કરે કુ કર્મો, વિચારી વિચારી
ચલાવે છે ગંદી પંડની, અજબ દુનિયાદારી, બની ને બેઠાં છે જાણે, પંડિતો ફકીરો..બાગેશ્વર બાલાજી

સંત સભાના નામે, સંગ કરે છે, માર્ગ બતાવી અવળો, તંત કરે છે
ભ્રમમાં ભટકાવી જગને, પેટ ભરે છે, આવા ઢોંગી થી બાલાજી, અમને ઉગારો..બાગેશ્વર બાલાજી

"કેદાર" કરુણા કરીને, હાથ મારો પકડો, આવ્યો છું શરણે તારે, અવિનાશી ના અકડો
ભક્તિ ના રંગમાં મુજને, અહર્નિશ જકડો, તારા શરણ ને કાજે, બન્યો છું અધીરો.બાગેશ્વર બાલાજી

ભાવાર્થ- હે બાગેશ્વર બાબા હનુમાનજી, આ દુખિયા જીવ ની એક અરજ છે, આપ એનું નિવારણ કરો.
દરેક જીવ ને કર્મ ના આધારે જે તે યોનિમાં જન્મ મળે છે, કોઈને ધન તો કોઈને દર્દ મળે છે, પણ જે તારે શરણે આવે તે ભલે પાપી હોય, પણ તારા શરણમાં આવે તો તેને શાંતિ પ્રાપ્ત થાય છે. પણ આજે ભારત વાસીઓ પર અધર્મી અને ખોટા કર્મો કરનારાઓ પોતાના સ્વાર્થ માટે લોકોને અવળા માર્ગે ચડાવવા માટેનું એક ષડ્યંત્ર ચલાવી રહ્યા છે, ધર્મ ના નામે મોટા મોટા કાર્યક્રમો કરીને ભોળી જનતાને ભરમાવે છે. આવા લોકો થી અમોને આપના સિવાય કોઈ બચાવી શકે તેમ લાગતું નથી. માટે આપ મને સાચું માર્ગદર્શન આપો એજ અભ્યર્થના છે.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.
ફોટો-ગુગલ ના સહયોગ થી


137, ચિંતા હવે તમારી

 

ચિંતા હવે તમારી
૧૫.૭.૨૩.
સોંપ્યું સુકાન શ્યામ ને,  ચિંતા હવે તમારી
પ્રભુ તારો કે પછી મારો, -પણ- અરજી લેજો સ્વીકારી...

ભવ સાગર ભર્યો છે ભારી, તરવાની સમજ ન મારી
કર ગ્રહી ને લેજો ઉગારી, -થોડી- ફરજ બને છે તમારી...

માયા છે લપસણી તારી, કોઈ ચાલે મતી ન મારી
ભ્રમજાળ ફેલાણી ભારી,  ચકરાવે ચડે ગતિ મારી...

પ્રભુ કરી છે હવે તૈયારી, સમર્પી કળા મેં મારી
બસ હરિ સમરણ ની યારી, હવે મરજી બધી તમારી...

પ્રભુ "કેદાર" કેરી અરજી, ધરજો ઉરમાં હરજી
ભવે ભવે ભજન ની મરજી, સદા રટણા કરું તમારી...

 ભાવાર્થ:- હે નાથ, હવે મેં મારા જીવન ની નાવ નું સુકાન આપને સોંપી દીધું છે, બસ એ એક અરજી સ્વિકારી લેજો. હવે આ ભવ સાગરમાંથી તારવો કે પછી ડુબાવવો એ આપની મરજી છે. કારણ કે આ મહા સાગર નો કોઈ તાગ મળતો નથી અને મને તરતા આવડતું નથી, આપે જન્મ આપ્યો છે તો હવે આમાંથી તારવાની ફરજ પણ આપની બને છે.
   આપની માયા એવી છે કે તરવા માટે કોઈ તરણું પણ પકડવા જાવ તો એ માયાવી લાગે છે અને મારું મન ભ્રમિત થઈ જાય છે. પ્રભુ હું બધા પ્રયત્નો કરીને હારી ગયો છું, ફક્ત ભજન એક સહારો દેખાય છે, મેં મારી જાતને આપને સમર્પિત કરી દીધી છે, હવે આપ જે કરો તે, પણ છેલ્લે એક અરજ કે મારે મુક્તિ નથી જોઇતી, બસ ભવે ભવ તારા ગુણ ગાન કરતો રહું એટલું જરૂર આપજે. 

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.