Monday, February 27, 2017

રામાયણ ના પ્રસંગો ૩ ધનુષ યજ્ઞ

રામાયણ ના પ્રસંગો ૩

                     ધનુષ યજ્ઞ 

મને સમજ પડી ગઈ સારી, મેં વિપરીત વાત વિચારી...

મેં જાણ્યું’તું મહિપતિ મળશે, શોભા બનશે ન્યારી.   
મિથિલા મારી ધન્ય બની ને, જોશે જાન જોરારી...

મૈથિલી ને મહા દુખ આપ્યું, મુખ શકું ના દેખાડી.   
સુનયના ને શું સમજાવું, નીમી નસીબ વિચારી...

વીર વિહીન વસુ મેં ભાળી, શું હજુ બેઠાં વિચારી.   
જાઓ સિધાવો વધુ ના લજાવો, -ભલે- કુંવરી રહેશે કુંવારી..

ક્રોધિત લક્ષ્મણ રામ રિઝાવે, વિશ્વામિત્ર વિચારી.      
ઊઠો રઘુનંદન કરો ભય ભંજન, શિવ ધનુ શીશ લગાડી..

હાથી જેવા હેઠાં બેઠાં, સિંહ ઝટકી કેશવાળી.          
પિનાક પરસી ત્યાં વીજળી વરસી, દિગ્મૂઢ દુનિયા સારી..

વૈદેહી વરમાળ ધરાવે, શોભા સઘળે ન્યારી.     
" કેદાર " દર્શન નિત નિત પામે, સીતા રામ સંભારી...

ભાવાર્થ-મિથિલા નરેશ જનક રાજાએ સીતાજીનો સ્વયંવર યોજ્યો ત્યારે અનેક મોટા મોટા રાજાઓ, મહારથીઓ, પરાક્રમી વીર પુરુષો આવેલા, લંકાનો રાજા રાવણ કે જેનામાં દશ મસ્તક જેવી બુદ્ધિ અને વીસ ભુજા જેવું બળ હતું, જેણે કૈલાસ પર્વતને એક હાથ વડે ઉઠાવી લીધેલો. તેમજ બાણાસુર જેવા બળવાન મહારથી પણ આવેલા, પરંતુ સ્વયંવર ના નિયમ મુજબ શિવજીના ધનુષને ઉઠાવી તો ન શક્યા પણ કોઈ ચલિત પણ ન કરી શક્યા, ત્યારે જનક રાજા ખૂબજ નિરાશ થયા અને કહેવા લાગ્યા કે..
૧-મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, કે મેં ધનુષ ને પણછ બાંધવાની જે શરત રાખી તે યોગ્ય ન હતી. મને એમ હતું કે મોટા મોટા મહિપતિઓ ભેગાં થશે, એમાંથી કોઈ આ ધનુષની પણછ બાંધી લેશે અને જ્યારે મારી પુત્રીને પરણવા અલૌકિક જાન લઈને આવશે, તે જોઈને મારા નગરની શોભા અનેક ગણી વધી જશે. મારા નગરજનો ધન્ય ધન્ય બની જશે.
૨-પણ મેં મારી પુત્રી મૈથિલીને ખૂબ દુખ આપ્યું છે, એને મારે કયા મુખે કહેવું કે મારી આ આકરી શરત થી તારાં લગ્ન થઈ શક્યા નહીં, અને સુનયનાને પુત્રી નીમીના આ મહા દુખ માટે હું કેમ સમજાવી શકીશ.
૩-આજે મને આ પૃથ્વી પર કોઈ વીર પુરુષ દેખાતો નથી, કે જે આ ધનુષની પણછ બાંધી શકે, અને હે બળ હીન આગંતુકો તમો હજુ કઈ આશા સાથે અહિં બેઠા છો, તમને જોઈને મને શરમ આવે છે, માટે તમો અહીંથી વિદાય લો, ભલે હવે મારી પુત્રી કુંવારી રહે, પણ તમો જલદી અહિંથી સિધાવો, અહિં સર્વે રાજાઓ વીર વિહીન છે.
૪-વીર વિહીન શબ્દ જ્યારે રાજન બોલ્યા ત્યારે લક્ષ્મણજી એકદમ ક્રોધાયમાન થઈ ગયા, રઘુકુળનો નાનો એવો બાળક પણ જ્યાં બેઠો હોય તે સભાને વીર વિહીન કેમ કહી શકાય? પણ રામે ઇશારો કર્યો કે ભાઈ, બાજુમાં ગુરુજી બિરાજમાન છે, એમની હાજરીમાં આપણાથી કંઈ ન બોલાય. વિશ્વામિત્રજી ને પણ આ યોગ્ય ન લાગ્યું, તેમણે રામને આજ્ઞા કરી કે હે રઘુનંદન ધનુષનો ભંગ કરીને જનક રાજાના ભયનો નાશ કરો.
૫-જ્યારે હાથી જેવા મહારથીઓ ની કારી ન ફાવી અને બેસી ગયા, ત્યાં સિંહ સમાન રામ જાણે પોતાની કેશવાળી ઝાટકીને ઊભા થયા, સમગ્ર સભાજનોને હાથ જોડ્યા, મનોમન ભગવાન શિવને પ્રાર્થના કરી, ધનુષને વંદન કરી જ્યાં ફક્ત સ્પર્શ કર્યો, ત્યાં તો જાણે આકાશમાંથી વીજળી પડી હોય તેવો મોટો કડાકો થયો,  ભયંકર અવાજને કારણે દિક્પાલો ડરી ગયા,પૃથ્વી ડોલવા લાગી, કોઈ કંઈ સમજી ન શક્યા, જ્યારે વિચારવાની શક્તિ પાછી આવી ત્યારે જોયું તો રામજીએ ધનુષ તોડીને તેના બન્ને ટુકડા જમીન પર ફેંકી દીધેલા જોયા. ચારો તરફ આનંદ આનંદ છવાઈ ગયો, બધા રામજીની જય જયકાર કરવા લાગ્યા. 
૬-પછીતો સીતાજી સભાખંડમાં પધાર્યા અને શ્રી રામજીના કંઠમાં વરમાળા પધરાવી. સઘળે મંગલ ધ્વનિ થવા લાગી. આપણે તો બસ એ દ્ગશ્ય અંતર મનમાં સદા ધારણ કરીને એના દર્શન કરતાં રહેવાનું, અને હરિગુણ ગાતા રહેવાનું. જય સીતારામ.          
ફોટો- ગુગલના સહયોગ થી.

No comments:

Post a Comment