Monday, February 12, 2024

શિવનો જાપ-કીર્તન


શિવનો જાપ-કીર્તન
તા.૩૧.૭.૨૨
જપતાં શિવ શંકરનો જાપ હ્રદયમાં, ભક્તિ જાગે છે
ભક્તિ જાગે છે અંતરમાં આનંદ આવે છે...

માયા પ્રભુની મન લલચાવે, ભ્રમમાં મન ભટકાતું
રાત દિવસ જીવ ચડે ચકરાવે, સત્ય નથી સમજાતું
શિવ નામ ઠરાવે ઠામ,  અમોને આનંદ આવે છે...

ભભૂત લગાવી ત્રિપુંડ તાણી,   ડમરુ નાદ ગજાવે
કંઠમાં જગના ઝેર ભર્યા છે,  ભુજંગ અંગ સજાવે
જટામાં ગંગાજી શણગાર,  અમોને આનંદ આપે છે...

જ્યોતિર્લિંગનો મહિમા મોટો, વેદ પુરાણ વંચાતો
નારદ શારદ નમનું કરે છે, શિવ રંગમાં ભક્ત રંગાતો
સ્વયંભૂ તેજ પુંજ પ્રકાશ, અમોને આનંદ આપે છે...

"કેદાર" ભોળા બાળ તમારો,   એકજ અરજી મારી
ગણેશ કાર્તિક માત શિવા સંગ, મનમાં મૂર્તિ તમારી    
અહર્નિશ કરજો અંતર વાસ, દાસ એક આશા રાખે છે...

ભાવાર્થ:-હે ભોળાનાથ, મને તારો જાપ કરવામાં આનંદ આવે છે, કારણ કે મને તારું નામ બહુ પ્યારું લાગે છે.
     ભગવાન વિષ્ણુની માયા આખા જગતના જીવને ભ્રમિત કરે છે, ભક્તિ માર્ગથી ભટકાવે છે અને મન જ્યાં ત્યાં ભમે છે, પણ તારું નામ મનને ઠરવાનું સાચું ઠેકાણું બતાવે છે.
  આપે ભભૂતી લગાવી છે, ડમરુનો નાદ કરો છો, કંઠમાં હળાહળ ઝેર ભર્યું છે, વળી અંગ પર સર્પોનો શણગાર કર્યો છે, આપની જટામાં પવિત્ર ગંગાજી બિરાજમાન છે, આ આપનું રૂપ નિરંતર મારા મનને આનંદ આપે છે.
    હે ભોલેનાથ, આપે જ્યોતિર્લિંગમાં સ્વયં આપનું તેજ મૂક્યું છે, જેની વેદો અને પુરાણોમાં આરાધના થાય છે, સંતો મહંતો સપ્તર્ષિ પણ એની પૂજા કરે છે, એવા આ તેજ પુંજથી મારું મન ભક્તિ મય બની જાય છે.
    હે ભોળા નાથ હું તો આપનો બાળક છું, મારી બસ એકજ અરજ છે કે માતા પાર્વતીજી, પ્રથમ પૂજ્ય ગણેશજી અને કાર્તિકસ્વામી સાથે સદા મારા મન મંદિરમાં બિરાજમાન રહો.

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા "દીન" "દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ, 
૯૪૨૬૧૪૦૩૬૫. આપ ગુગલ પર kedarsinhji અને YouTube માં 
kedarsinhji m jadeja લખીને મારી રચનાઓ માણી શકશો.  


 

No comments:

Post a Comment