Wednesday, July 13, 2016

નારાયણ સ્વામીજ

 નારાયણ સ્વામીજીની ૧૪ મી નિર્વાણ તિથિ

મિત્રો,

તા. ૧૦.૯.૧૪ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની ૧૪ મી નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક અનેરો કાર્યક્રમ યોજાઈ ગયો હતો, ઘણાં લાંબા સમય થી કોઈ પણ કારણોસર આશ્રમના ટ્રસ્ટીઓ  માટે ઘણાં અછાજતાં વર્તનથી બાપુનો ભક્તગણ નારાજ થઈ ગયેલો, ભજન સમ્રાટના આશ્રમમાં ભજન અને ભોજન પણ બંધ થઈ ગયેલા, લોકો જે આશ્રમને મંદિર ગણીને પૂજતા ત્યાં કાગડા પણ આવવાનું ભૂલી ગયેલા, કારણ કે ત્યાં તેને પણ ખાવા માટે કશું મળતું બંધ થઈ ગયેલું, જે આશ્રમ માં સાધુઓ સદા ભજન ભાવ કરતાં ત્યાંથી જાણે ભગવા ધારીએ દેશવટો લેવો પડ્યો, દાન આપનારા પોતાનું ધન ગેર માર્ગે વપરાવાની બીક કંઈ પણ આપતા ખચકાવા લાગ્યા હતા, અમેરિકાના એક મિત્રે મને ત્યાં સુધી કહ્યું કે અમો પાંચેક મિત્રો ભારત આવેલા ત્યારે ખાસ બાપુના આશ્રમે દર્શન કરવા ગયેલા, પણ ત્યાં અમોને સ્વાગત ના બદલે નિરાશા સાંપડેલી.

 એક જમાનાનો અલખના આરાધકનો આશ્રમ, કે જ્યાં કોઈ પણ સમયે હાર્દિક સત્કાર થતું હોય, બાપુ પોતે સ્વહસ્તે ભોજન પીરસતા હોય અને ભજનોતો અવિરત ચાલતાજ હોય એ આશ્રમની આ દશા બાપુના પૂર્વાશ્રમના પુત્ર હીતેશભાઈથી સહન ન થતાં કોઈ પણ લાલચ વિના ફક્ત આ આશ્રમને પુન: ધબકતો કરવા પોતાના પરિવારની ચિંતા છોડીને માંડવીમાં બાપુની સમાધિ પર આસન જમાવીને બેસી ગયા, લાગતા વળગવાને સહકાર આપવા માટે, અને બાપુના સાચા ચાહકોને પરિસ્થિત ની જાણ કરીને યોગ્ય માર્ગદર્શન સાથે આશ્રમનો ઉદ્ધાર કરવામાં લાગી ગયા.

  નિઃસ્વાર્થ ભાવે કરેલી બંદગી ખાલી જતી નથી, અને આતો બાપુનું બીજ, ભોળા નાથે પણ ભાળ લીધી, ધીરે ધીરે લુખ્ખા તત્વો દૂર થવા લાગ્યા, ભચાઉના પાલુભાઈ ગઢવિએ જાણે આખો ભાર પોતા પર ઉપાડી લોધો હોય તેમ અથાગ મહેનત કરવા લાગ્યા અને આમ અનેક સત કર્મીઓ આવવા લાગ્યા અને આખરે બાપુ નાજ સમાજના એક સંત શ્રી શ્યામ ભારતી બાપુને તેમના અખાડાના સંતોએ મહા મહેનતે સમજાવીને ગાદી પર બિરાજમાન કરાવ્યા અને ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો, અલખના આરાધક કે જે એક પણ પાઈ ગ્રહણ કર્યા વિના આ આશ્રમ માટે સદા તત્પર રહેતા ભજનિક અને પાછા ધોળ કરતા હોય એવા શ્રી સમરથસિંહ સોઢા, નિલેશભાઈ ગઢવી, બીરજુ બારોટ, મોરારદાન ભાઈ ગઢવી, હરી ગઢવી અને મહેશભાઇ વ્યાસ જેવા કલાકારોએ સવાર સુધી રંગત જમાવી. બાકી બાપુના જે ચાહકો કાયમ માટે પધારેછે તેતો ખરાજ.

જ્યારથી હીતેશભાઈ એ આ મહા યજ્ઞ નું બીડું ઉપાડ્યુંછે ત્યારથી હું બને ત્યાં સુધી દર પૂનમ, ગુરુ પૂર્ણિમા કે બાપુ ની તીથી પર હાજર રહેવાની કોસીશ કરતો, આ પ્રસંગે મને એક ખાસ અપીલ કરવાની ઇચ્છા છે કે બાપુ પાસેથી પ્રેરણા લઈને અનેક ગાયકો આજે ભજનિકો કે કલાકારો બની ગયાછે, માતબર કમાણી પણ કરેછે, પણ આજે બાપુનું રૂણ ચૂકવવાનો સમય પાકી ગયોછે, આવા કલાકારો જો ફક્ત એક એક પ્રોગ્રામ આશ્રમમાં વિના મુલ્યે આપે તો આ આશ્રમ ફરીથી પોતાનું મૂળ રૂપ ધારણ કરિલે અને એજ નારાયણ બાપુને મોટામાં મોટી શ્રધ્ધાંજલી હશે. આ જગ્યા પર જો કોઈનું નામ લખવાનું રહી જતું હોય તો ક્ષમા કરવા વિનંતી.

મિત્રો પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી-નારાયણ બાપુ- વિષે મેં ઘણું લખ્યું છે અને ઘણા ઘણા લોકોએ તે વાંચીને પ્રતિભાવ પણ આપ્યા છે, પણ આજે ફરીથી રજૂ કરું છું, કારણ કે લંડન થી બાપુ ના એક ચાહકનો બે વખત ફોન આવી ગયો કે તેમનું ગ્રૂપ બાપુ વિષે મારા થકી લખાયેલ એક પ્રસંગ વાંચ્યા પછી વધારે જાણવા ખૂબજ ઉત્સુક છે, મેં તેમને અગાઉ લખેલા પ્રસંગો વિષે વાત કરી, પણ તેઓ તે મેળવવા માં અસમર્થ રહેતાં મને ફરીને લખવા બાપુ ના પ્રેમમાં લગ ભગ વિનંતી જેવા શબ્દો માં કહેતાં આજથી ફરી વાર બાપુ ના પ્રસંગો રજૂ કરું છું, જેમને વાંચ્યા હશે તેમને તાજાં થશે અને જેમને નહિ વાંચ્યા હોય તેમને જાણવા મળશે, અને આ જગ્યા પરના ચાહકોએ કદાચ નહીં વાંચ્યા હોય તો વાંચવા મળશે.                                                                                                

No comments:

Post a Comment