Friday, July 8, 2016

નારાયણ સ્વામી.-ભાગ ૨

નારાયણ સ્વામી.-ભાગ ૨

આપે કાલે નારાયણ બાપુના જીવન લીલાનો પહેલો ભાગ માણ્યો, આ પહેલા ભાગમાં મેં એક જગ્યાએ નામમાં સરત ચૂકથી બહુ મોટી ભૂલ કરેલી જે બદલ હું માફી માંગુછું, પણ આ ભૂલ મને શ્રી ઘનશ્યામસિંહજીએ બતાવેલી જે બાપુના પરમ ચાહક છે, તે બદલ હું તેમનો ઋણી છું, અને તેથી મને તેમાં તુરંત સુધારો કરવાનો મોકો મલ્યો, આવી વ્યક્તિ કે જે મને મારી ભૂલો બદલ અંગુલી નિર્દેશ કરે તેને હું સદાએ મારા અંગત મિત્ર  ગણુંછું, માટે આપને જ્યારે પણ આવું કંઈ લાગે તો જરૂર લખજો, હું આભારી રહીશ.
હવે આગળ...

શક્તિદાનનો સંસાર સુખ રૂપ શરુ થયો, એક પુત્રી ચંદન બહેન, હરીશ અને હીતેશ બે દીકરા થયા છતાં સંત સમાગમનું વરગણ ચાલુજ રહ્યું, સત્સંગ કરવો  ભજન ગાવા અને સંતોની સેવા અવિરત ચાલુજ રહી.

ગુંદાલા ગામમાં જીવણ બીજલ રબારી સુરદાસ હતા પણ ભજન ખૂબ સરસ ગાય અને હાર્મોનિયમ પણ સરસ વગાડે, શક્તિદાન બીજલ ભગત પાસે અવારનવાર ભજન સાંભળવા જાય, અને તેમને પોતે ગાઇને સંભળાવે, પણ શક્તિદાન ભજન ગાય ત્યારે હાર્મોનિયમ અને તબલા કોઈ બીજા વગાડે, શક્તિદાને જીવણ ભગતને હાર્મોનિયમ શીખવવા માટે વિનંતી કરી જે જીવણ ભગતે તુરંત સ્વીકારી લીધી, પછીતો શક્તિદાન ભગતની પેટી પોતાના ઘરે પણ શીખવા માટે લઈ જાય.

એક વખત હરિહરાનંદ બાપુને પેટી સાથે ભજન સંભળાવ્યા ત્યારે બાપુએ ખુશ થઈને આશીર્વાદ આપ્યા કે "તારી શક્તિ ખૂબ ખીલશે, દેશ વિદેશમાં તારી કીર્તિના ડંકા વાગશે." ખરેખર બાપુના આશીર્વાદ ફળ્યા, મા શારદાની કૃપા થઈ, ભજનોના જાહેર કાર્યક્રમો માટે આમંત્રણો મળવા લાગ્યા, પણ પ્રગતિમાં એક રુકાવટ આવી બીમારીના રૂપે, મેલેરિયા અને ટાઇફોઇડે શરીર ઝંખવાયું, ક્યારેક બેભાન થઈ જવાય પણ ભજન અને સંગીતની સાધના સતત ચાલુ રહે, પણ જેવું શરીર સ્વસ્થ થયું કે તુરંત આમંત્રણો સ્વીકારવાનું ચાલુ થઈ ગયું, હજારોની સંખ્યામાં લોકો સાંભળવા આવવા લાગ્યા, રાત્રે દશ વાગ્યે ચાલુ થતો કાર્યક્રમ સવારના છ સાત વાગ્યા સુધી ચાલે, ચિતડના કુંભાર હીરજીભાઈ તબલા વાળા, કાંતીભાઈ વાળંદ જેવા ચાહકો સદા સાથેજ હોય, સરધારમાં શ્રી રામચંદ્રજી મંદિરના પૂજારી રામદાસ માર્ગી સાધુને હરિહરાનંદ બાપુ ખાસ તબલા વગાડવા બોલાવે, બાપુ મુંબઈ પધારે ત્યારે શક્તિદાન સાથે હનસિંગ દરબાર,જશદણના કાળા ભગતને સાથે લઈ જાય, ચોપાટી પર વકીલ હીરાભાઇને ત્યાં, સાંતાકૃઝમાં રતિભાઇને ત્યાં ઊતરે, બન્ને ઠેકાણે ભાગવત કથા થાય, કથા કરતાં રાત્રે સંતવાણીમાં અસંખ્ય સંખ્યામાં લોકો સાંભળવા ઊમટે, મુંબઈમાં શક્તિદાનજીના ચાહકોની સંખ્યા વધવા લાગી, અનેક નવા નવા ચાહકો મળવા લાગ્યા, જશદણમાં લક્ષ્મણ પટેલને ત્યાં સપ્તાહ બેઠી ત્યાં હરિહરાનંદ બાપુએ શક્તિદાનના ભજનો સાંભળીને પ્રસન્નતા સાથે ખૂબજ આશીર્વાદ આપ્યા.

ભજન, કાર્યક્રમોતો ચાલતા રહ્યા, પણ સંસાર માંડ્યો હોય તો જવાબદારી પણ નિભાવવી પડે, શક્તિદાન ૧૯૬૨ માં સરધાર છોડીને રાજકોટ આવ્યા અને ત્યાં સનુભાની ગાડીમાં ડ્રાઇવિંગ શીખીને પાકું લાઈસન્સ લીધું, અને પટેલ ફિલ્ડ માર્શલ કંપનીની ગાડી ચલાવવા લાગ્યા.

મુંબઈમાં શ્રી મનુભાઈ ત્રિવેદી ઘણા ડાયરાઓનું આયોજન કરતાં, આર.એન.ટી.કંપની મનુભાઈ ગઢવી,કરણીદાન ગઢવી ના ડાયરાઓ ગોઠવતી, શક્તિદાન એમાં ભાગ લેવા આવતા. ૧૯૬૮ માં નડિયાદમાં દુલા ભાયા "કાગ" સાથે શક્તિદાનનો કાર્યક્રમ ગોઠવાયો જેમાં શક્તિદાન છવાઈ ગયા, અમરેલીમાં શ્રી ડોંગરેજી મહારાજની કથા વખતે પણ શક્તિદાન ના ભજનો પંકાઈ ગયા.

અમુક માનવીઓની આદત હોયછે કે કોઈ પણ આગળ વધવા લાગે તેને પાછળ ધકેલવો, એજ ન્યાયે અમુક લોકો હરિહરાનંદ બાપુને કહેવા લાગ્યા કે શક્તિદાન ભજનના નામે ધંધો કરવા લાગ્યાછે,ગાડી ચલાવેછે તેની પણ આવક છે, પણ બાપુ આ બધી વાતોને ધ્યાન પર લેતા નહીં, પણ ક્યારેક કહેતા કે "હવે સંસાર સારી રીતે ચાલે તેમ છે, માટે સાધુ બનીજા" શક્તિદાનને ગમ્યુંતો નહીં પણ બાપુ પાસે કેમ બોલાય કે સાધુ શા માટે થવું? કમાવાની ત્રેવડતો છે. પણ એક વખત બાપુ થોડા ગુસ્સે થઈ ગયા, આમ વખતો વખત ચાલતું રહ્યું, એ દરમ્યાન બાપુનો દેહ વિલય થયો. શક્તિદાન જાણે ભાંગી પડ્યા, ફરીથી મેલેરિયા અને ટાઇફોઈડે ભરડો લીધો, બાપુ જાણે અભાનાવસ્થામાં ભાસ કરાવતા કે"હવે ક્યાં સુધી આમજ ભટકવુંછે? સાધુ બનીજા" એક દિવસ ખબર નહીં શું ભાસ થયો કે શક્તિદાને સાધુ થવાનું નક્કી કરી નાંખ્યું. ધીરે ધીરે બીમારી ઘટવા લાગી,શરીર સ્વસ્થ થવા લાગ્યું, શક્તિદાનને થયું કે મેં સાધુ થવાનું નક્કી કર્યું તેથીજ મારી બીમારી ઘટીછે, પત્નીને પાસે બોલાવીને કહ્યું કે જો હું સાધુ બનીશ તોજ સ્વસ્થ રહીશ, જીવલેણ બિમારીમાંથી બાપુએ મને સાધુ બનવા માટેજ સ્વસ્થ કર્યોછે, માટે હવે મને રજા આપો એજ આપણા બધા માટે સાચો માર્ગછે. પત્નીએ ઘણાં સમજાવ્યા, બાળકોના ભવિષ્યની વાત કરી, પણ શક્તિદાને સમજાવ્યું કે રોટલામાં હવે વાંધો આવે એવું નથી.

અનેક રીતે સમજાવ્યા પછી શક્તિદાનને રજા મળી અને રજા મળ્યા પછી એક પણ પળ રોકાવાય ખરું? સીધ્ધાજ પહોંચ્યા હરિહરાનંદ બાપુના ચરણોમાં, સમાધિ પર જઈને ખૂબ રડ્યા રામેશ્વરાનંદજીને વિનંતી કરી કે મને બાપુના ગુરુપદ નીચે એમની સમાધિ પાસે દીક્ષા આપો, રામેશ્વરાનંદે કહ્યું બાપુતો બ્રહ્મ લીન થઈ ગયા તમારે દીક્ષા લેવી હોય તો મારા શિષ્ય બનો, પણ શક્તિદાનને એ યોગ્ય ન લાગ્યું, અનેક વિચાર કર્યા પછી બાપુની સમાધિ પાસે બેસીને મનોમન દીક્ષા ગ્રહણ કરી અને ૧૯૬૯ માં "સ્વામી નારાયણાનંદ" નામ ધારણ કરીને યાત્રા ધામોમાં વિહરવાનું શરુ કર્યું.

રાજકોટમાં મવડી રોડ પર ફલીયા હનુમાન પાસે બાપુના ગુરુ ભાઈ બટુક સ્વામી રહેતા હતા, એ દેવ થયા બાદ બાપુના શિષ્ય મૂક્તાનંદજી જગ્યા સંભાળતા હતા, નારાયણ બાપુ ત્યાં એક મહીનો રહ્યા, ત્યાંથી પરબ વાળા હનુમાનજીની જગ્યાએ ગયા, ત્યાં આશ્રમ સ્થાપ્યો, ત્યાં લીલાખાના અનેક ભક્તો આવતા, એક વર્ષ ત્યાં રહ્યા પછી આશ્રમ સીતારામ બાપુને સોંપીને લીલાખા આવ્યા. લીલાખામાં ગ્રામજનોના આગ્રહથી અને ગામના આગેવાન સામતભાઈએ નદી કિનારે સુંદર સ્થળ શોધી આપ્યું તેથી ત્યાં આશ્રમ સ્થાપ્યો. દર પૂનમના દિવસે સંતવાણી થવા લાગી, એ વખતે સેંકડો ભાવિકો ભેગાં થવા લાગ્યા,બે વર્ષ સુધી આ આશ્રમ ચાલ્યો, ગામ લોકોએ ફાળો કરીને નારાયણ બાપુના નામથી એક કેળવણી ટ્રસ્ટ પણ સ્થાપ્યું અને આશ્રમનું મકાન એ ટ્રસ્ટને સ્કૂલ બનાવવા અર્પણ કર્યું.

લીલાખાના આશ્રમ દરમિયાન બાપુને  મુંબઈના અનેક ભજન પ્રેમી ભક્તો તરફથી આમંત્રણ મળ્યા, બાપુએ મુંબઈમાં ત્રણ ચાર જગ્યાએ સંત વાણીમાં ભાગ લીધો, એ દરમિયાન કચ્છના પીયાકા ગામના લાલજીભાઇ ભાનુશાળી સંતવાણીમાં સેવા આપતા, એક વખત તેમણે બાપુને કહ્યું કે કચ્છથી અમારા માતાજી લાછબાઈમા પધાર્યાછે, બાપુ લાછબાઈ મા ને મળ્યા, લાછબાઇ માંના મોટા ભાઈ વેલજી ભાઈ અને મંગળજીભાઈએ મોડકુબામાં ૧૯૭૧ માં બાપુની સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો. ત્યાર બાદ બાયઠ અને ભોજાયમાં પણ સંત વાણી યોજાઈ,બીજે વર્ષે દાદા ભગત સૂરદાસને સાથે લઈને લાછબાઈમા લીલાખા ગયા હતા, ૧૯૭૦ માં નારાયણ બાપુએ લીલાખામાં ઉગ્ર તપસ્યા આરંભ કરી, દિવસ આખો ખડે પગે ઉભા રહેવું, ભોજનમાં આખા દિવસમાં ફક્ત સામો અને બટાકાની ભાજી એકજ વખત લેવી, રાત્રે પાછી સંતવાણી, ભજન કીર્તન મોડી રાત સુધી ચાલે.

એક વખત સામતભાઈના આગ્રહને વશ થઈને બાપુ સોનબાઈમાના દર્શને કણેરી ગયા, સામતભાઈએ માતાજીને પહેલેથીજ બાપુની ઉગ્ર તપસ્યાની વાત કરેલી, જમવાના સમય પહેલાં માં બાપુ પાસે આવીને કહેવા લાગ્યા કે હીન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવે ચાર ઋણ અદા કરવાના હોયછે, આ ચાર ઋણમાં માત્રુ ઋણ પણ છે, તમે મને માં કહોછો, જો તમે મને ખરેખર દિલથી માં માનતા હો અને માત્રુ ઋણ અદા કરવા માંગતા હો તો કશી વાત કરું. બાપુએ વિચાર્યું કે હું તો સન્યાસી છું,મારી પાસે શું છે કે માં માંગશે? વધુમાં વધુતો ભજનો સંભળાવવાનું કહેશે, આમ વિચારી માંને વચન આપી દીધું, કહ્યું કે હું આપનું ઋણ અદા કરવા તૈયાર છું. માંએ વચનની ખાત્રી કર્યા પછી માંગ્યું કે આજે તમારે તમારા ઉપવાસના પરાણા કરવાના છે અને તપશ્ચર્યાની પૂર્ણાહુતિ કરવાનીછે. બાપુ વચનબદ્ધ હતા, હાતો પાડવીજ પડી પણ માંને લીલાખા પધારવાનું વચન પણ સામે લીધું જેની માંએ સંમતિ આપવી પડી.

ભક્ત કવિ દુલા ભાયા "કાગ" નો બીમારીનો તાર જ્યારે માંને મળ્યો ત્યારે માં કવિ કાગના ખબર પૂછવા તેમના ગામ મજાદર પધાર્યા ત્યાંથી વળતાં લીલાખા પધાર્યા. 

અમદાવાદમાં એક વખત વેલજીભાઇને ત્યાં સંત વાણીનો કાર્યક્રમ હતો ત્યારે સોનબાઇમાં અમદાવાદમાં હતા,વેલજીભાઇએ માંને આમંત્રણ મોકલ્યું એટલે માં ત્યાં પધાર્યા, નારાયણ બાપુના મુખે રાજા ગોપીચંદનું ભજન સાંભળીને માંની આંખો માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા, અને બોલ્યા કે "સ્વામીજી તમેતો ભજનના ભાવથી મને રડાવી દીધી" 
જય નારાયણ....૨

No comments:

Post a Comment