Monday, July 18, 2016

સદ ગુરુ  

સદ ગુરુ  
ઢાળ-ગુરુ કરોતો જ્ઞાન બતાવે..

સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે,
બદલે બધાય કઢંગ                 

સાખી-પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,  
ભુખ ભાવઠ ના જાય..

સાખી-ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,
કંચન પાત્ર ભરાય..

સાખી-સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    
માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે,
અવગુણ સઘળાં અળગાં કરીને જે  સત્યનો માર્ગ બતાવે..

નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે,
ઊર અભિમાન ન આવે...

અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, 
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... 

મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

"કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 

સાર-ગુરુ શબ્દનો અર્થ આજે ઘણાં લોકો શિક્ષક/ધર્મના વડા કે સાધુ સંત પુરતો મર્યાદિત સમજે છે, આમતો ગુરુ એટલે કોઈ પણ વ્યક્તિ સારી શિખામણ આપે તેને ગણવો જોઇએ એમ ભગવાન દતાત્રેય ના મત મુજબ કહેવાય, પણ સદ ગુરુ તો શિષ્યના ભાગ્ય હોય તોજ મળે, અને તોજ ૮૪ લાખ યોનિમાંથી ભટકી ભટકીને મળેલા માનવ દેહ દ્વારા ગુરુ વચને મુક્તિ પામે.

મારા મતે આ બધું ઈશ્વરનું બનાવેલુંજ ચક્રછે, જીવ ખબર નહીં ક્યારે કઈ યોનિમાં પ્રથમ જન્મ લેતો હશે? ત્યાં કયા કર્મો કરતો હશે? જેના પ્રતાપે બીજો અવતાર માનવ બનવાના લક્ષ તરફ પ્રયાણ કરતો હશે? બીજો જન્મ ક્યાં લેતો હશે? ત્યાં શું કર્મ કરતો હશે? આમ ક્યારે માનવ બનતો હશે કે જ્યાં તેને સદગુરુ મળે અને તે પાર થઈ જાય, આ બધું ઈશ્વરે બનાવેલુ એક એવું ચક્ર છે કે જે આજ દિવસ સુધી કોણ કોણ સમજી સક્યું છે તે ખબર નથી, જો ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું ન હોય તો પાપ શું અને પુણ્ય શું? આ બધું એક એવું ગુંચવાળા ભરેલું છે કે માનવ જેમ જેમ વિચારે તેમ તેમ અંદર અને અંદર ઉતરતો જાયછે.

ગુરુ મળે તો આ બધા તાણા વાણા ઉકેલીને સાચો માર્ગ બતાવે, પણ જો ભાગ્ય હોય અને સદગુરુ મળે તો એક એક તાણો એવો ઉકેલે કે જીવને શિવ સુધી પહોંચાડીદે, ગુરુ માર્ગ દર્શક છે તો સદગુરુ અપાર દર્શકછે, જે ગુરુ નથી બતાવી શકતા તે સદગુુરુ ક્યારેક એક ક્ષણમાં એવી સરળ રીતે બતાવી દેછે કે શિષ્યને પાર કરાવી શકેછે, વાલીયા લુટારા કે પ્રહ્રાદ જેવા ઘણાં શિષ્યોને નારદજીએ એકજ શબ્દમાં એવું જ્ઞાન આપી દીધું કે સાક્ષાત્ ઈશ્વરે દર્શન આપવા દોડવું પડ્યું. 
જય ગુુરુદેવ.

No comments:

Post a Comment