Wednesday, July 6, 2016

ભજનાનંદી

ભજનાનંદી

ઢાળ-જગતમાં એકજ જનમીયો રે જેણે રામને રૂણી રાખ્યા
ભજનાનંદી
સંત હૃદય સમતા ઘણી, અવિરત રટણા રામ
પર દુખે પીડા ધરે,  એ સાધુ નું કામ.

સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે હરદમ વસે, નજર હટે ના લગાર.

જનમ્યો જોગી જગતમાં,  ધર્યું નારાયણ નામ
હરી ભજન કંઠે ધર્યું,  જેની ફોરમ ઠામો ઠામ  

જનમ્યો ભજનાનંદી રે નારાયણ, માત જીવુબા કૂખે 
મહીદાન ઘરે મહી પર આવ્યો, હરદમ હરી મુખ રાખે...

ભણ્યો ભલે નહીં પોથી પાંચ પણ, વેદ પુરાણ મુખ ભાખે 
હરિ હરાનંદે હાથ ઝાલીને, શિષ્ય બનાવ્યો શાખે...જનમ્યો

વિશારદો નો પણ એ વિશારદ, કાવ્ય શાસ્ત્ર ગુણ રાખે
ભક્તિ રસમાં સંત કે શઠને, ભાવથી ભીંજવી નાખે...જનમ્યો  
બોલેતો મુખથી ફૂલડાં ઝરેને, ગાન ગુંજન રસ દાખે
સરગમ વાગે શ્વાસે શ્વાસ માં, નયને નેહ નિત રાખે...જનમ્યો

માત શારદા સન્મુખ બેસી, (જાણે)પાઠ ભણાવ્યે રાખે
વિદ્યા દેવી વહાલ વરસાવે,  વેદ વંચાવ્યે રાખે...જનમ્યો

જ્ઞાનીશ્વરે સૌ ભજન પ્રેમીને, મર્મ બતાવ્યા મુખે 
અણ સમજુ સૌ નટ થઈ નાચ્યા, સમજ્યા તે પામ્યા સુખે.જનમ્યો

પરમહંસ પ્રસ્થાન કરે નહીં, સદા અવની પદ રાખે 
દાસ "કેદાર" નારાયણ નામે, અધમ અમી રસ ચાખે...જનમ્યો

No comments:

Post a Comment