Thursday, July 7, 2016

નારાયણ દર્શન.

નારાયણ દર્શન.
પરમ સ્નેહી મિત્રો,

ગઈ કાલે અષાઢી બીજ ના દિવસે પ્રાત: સ્મરણીય બ્રહ્મ લીન પુ. નારાયણ બાપુનો જન્મ દિવસ હતો, અનેક ચાહકોએ પોત પોતાની શ્રદ્ધા મુજબ બાપુને યાદ કર્યા, કોઈ એ ભજન માણ્યા, કોઈ એ વિડિઓ જોઈને યાદો તાજી કરી અને કોઈ એ આંખો ભીની કરીને શ્રદ્ધાંજલિ આપી. હું ક્યારેય કોઈ વ્યક્તિ પર કાવ્ય લખતો નથી, પણ જ્યારે વ્યક્તિ વિશેષ હોય ત્યારે કલમ કહ્યાગરી ન રહે, ઈશ્વર કૃપા અને સંતો મહંતો કે ગુરુ પ્રતાપે મારા દ્વારા રચાયેલી રચનાઓ માંહેની પુ. બાપુ માટેની રચના રજૂ કરીને મેં મારા ચાહકોને સાથે રાખીને મારી રીતે બાપુને યાદ કર્યા.

આમતો આજે જે રજૂ કરવા જઈ રહ્યોછું તે પહેલાં પણ અહીં રજૂ થયેલછે, પણ મારા નવા નવા જોડાતા મિત્રો માટે તેમજ અન્યો માટે યાદ તાજી કરવા આ અવસરે બાપુ સાથે જોડાયેલી યાદો હમણાં રજૂ કરતો રહીશ                         

                               નારાયણ સ્વામી.

   એક વખતના શક્તિદાન ગઢવી, આજે જેને બધા સ્વામી નારાયણાનંદ સરસ્વતી, નારાયણ બાપુ તરીકે ઓળખે છે, એમના જીવનની ગઈકાલ અને આજ વિષે જાણીને ભાવ વિભોર થઈ જવાય એવું છે.    

સૌરાષ્ટ્રના ઢસા તાલુકાનું દેરડી ગામ, ત્યાં એક પ્રતાપી-સત્યવાદી આઈ જાનબાઇ થઈ ગયા, એ એમના પૂર્વજ. જાનબાઇમાની દશમી પેઢીએ મહીદાનજી લાંગાવદરા જનમ્યા. ગરાસની જમીન પુષ્કળ હતી. કણબી ખેડૂતો ખેડી આપતા ખાધે ખૂટે નહીં એવી કમાણી હતી. મહીદાનજી સંસારી ખરા, પણ સ્વભાવે વેરાગી.ભજન દુહા છંદ ગાવાનો એમને ગળથૂથીમાંથી મળેલો શોખ. બીજું કશુ કામ કરે નહીં. પૂજા અર્ચન કરવા, અભ્યાગતને આશરો, આદર, ભોજન. એમના પત્ની જીવુબા એમનો ભાવથી સત્કાર કરે.તેમને ત્યાં અષાઢી બીજ ૨૯.૬.૧૯૩૮ ના રોજ તેજસ્વી પુત્ર જનમ્યો જેનું નામ શક્તિદાન રાખ્યું. બાળપણથીજ શક્તિદાનને ભક્તિનો વારસો મળ્યો. તેમના મોસાળ ચિતડ પાસે ભીલડી ગામમાં પણ બધા ધર્મ પ્રેમી, જ્યાં તેમનો ઘણો સમય વીત્યો, મામાને પણ ભજન, છંદ ગાવાનો શોખ.શક્તિદાનને પણ તેઓ દુહા છંદ ગવડાવતા, એકતો દેવી પુત્ર ચારણ, જેને સરસ્વતી કંઠમાં હોયજ, પણ કુદરતે શક્તિદાનને છુટા હાથે કંઠમાં કામણ આપેલું. ગાવા બેસે ત્યારે અનેક લોકો આવી આવીને સાંભળવા બેસી જાય.

શક્તિદાન બે ચોપડીથી વધારે ભણી શક્યા નહીં, કારણકે તેમનો જીવ ભણવા કરતા સંત સમાગમ,સાધુ સંતોની સેવામાં અને ભજનમાંજ ચોંટેલો. ઢસા પાસેના ગુંદાળા ગામથી ત્રણ ચાર માઈલ દૂર જંગલમાં રાસવદરમાં હનુમાનજીનું મંદિર,ત્યાં એક દિગંબર શાંત સ્વભાવના પ્રેમાળ સાધુ બાલાનંદજી બ્રહ્મચારી રહે અને અન્નક્ષેત્ર પણ ચલાવે,ફક્ત ૮,વર્ષની વયથીજ શક્તિદાન એ સાધુની સેવામાં મગ્ન રહેવા લાગ્યા, અને ત્યાં ભજનો ગાવા લાગ્યા અને આસ પાસના લોકોને આકર્ષવા લાગ્યા. બાળક શક્તિદાનને એ આશ્રમમાંજ સ્વામી પ્રેમદાસજીનો પરિચય થયો, એમના ગુરુ રામદાસજી પવિત્ર મહાત્મા હતા, જે ઢસામાં શેઠ મોતીલાલ સથરાવાળાની ધરમશાળામાં આસોપાલવના ઝાડ નીચે બિરાજતા અને લોકો તેમને ગોદડિયા બાપુ તરીકે ઓળખતા. પ્રેમદાસજી શક્તિદાનને રામદાસજીની પાસે લઈ ગયા અને પરિચય કરાવ્યો, શક્તિદાને બાપુ પાસે ભજનો ગાયા જે સાંભળીને બાપુ મંત્રમુગ્ધ બની ગયા.

શક્તિદાન પછીતો આ ગોદડિયા બાપુના આશ્રમમાં ખુબજ આવવા જવા લાગ્યા અને તેમના ભજનો સાંભળનારનો વર્ગ વધવા લાગ્યો, એ સમય દરમિયાન આઈ જાનબઈની દેરડીના નાથા ભગતે નર નારાયણની મૂર્તિઓની પ્રતિષ્ઠાનો મહોત્સવ રાખ્યો, જેમાં સરધારના મહાન સંત હરિહરાનંદજી બાપુને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું.

ગોદડિયા બાપુને આમંત્રણ આપવા હરિહરાનંદજી બાપુએ પોતાના સેવક બ્રાહ્મણ નાથાલાલ બાપુને મોકલ્યા, ત્યારે ગોદડિયા બાપુએ શક્તિદાનને પૂછ્યું કે "બચ્ચા તારે આવવુંછે મારી સાથે? હું તને એક મહાન સંતના દર્શન કરાવીશ." ૧૯૪૯,જૂન મહીનો, શક્તિદાન ગોદડિયા બાપુ સાથે દેરડી ગયા, હરિહરાઅનંદ બાપુના ચરણોમાં માથું મૂક્યું, બાપુએ પીઠ થાબડીને આશીર્વાદ આપ્યા, ને માથે હાથ ફેરવ્યો. શક્તિદાનનેતો જાણે ચમત્કાર થયો હોય તેમ પગથી માથાના વાળ સુધી શીતળ શાંતિનો અનુભવ થયો. ગોદડિયા બાપુએ કહ્યું કે આ છોકરો ભજન બહુ સારા ગાયછે, અને એક વખત કોઇ નવું ભજન સાંભળે તો તેને તુરંત યાદ રહી જાયછે, બાપુએ સાંભળવાનું કહેતાં શક્તિદાને મધુરા કંઠે અને એવા ભાવ સાથે ભજનો ગાયા કે હરિહરાનંદજી મંત્રમુગ્ધ બનીને સાંભળતા રહ્યા, પણ  મહોત્સવ પૂરો થતાં વિદાય લેવા ગયા ત્યારે હરિહરાનંદજીએ સરધાર આવવાનું ખાસ નિમંત્રણ આપ્યું.

શક્તિદાન ગોદડિયા બાપુ સાથે ઢસા પાછા તો આવ્યા પણ જીવ જાણે સદાએ હરિહરાનંદજીના ચરણોમાં લાગી ગયો.

સરધારમાં તળાવના કિનારે હરિહરાનંદજીનો આશ્રમ આવેલોછે જ્યાં બાપુએ પુરા દશ વર્ષ સુધી ફક્ત લીંબડાના પાંદડાનો રસ અને પાતળી છાસ પીને સાધના કરેલી, ત્યાર બાદ ફક્ત દશ રૂપિયા ભાર ખીચડી અને બટાટાની ભાજી લેતા. બાપુના અનેક ભક્તો દેશ વિદેશમાં વસવાટ કરેછે, જે અવારનવાર બાપુના દર્શને આવતા રહેતા. શક્તિદાનને પણ જ્યારથી બાપુના દર્શન થયેલા ત્યારથી મન તલપાપડ હતું, કેમે કરી ગોદડિયા બાપુને વિનંતી કરીને સરધાર પહોંચી ગયા. આશ્રમનો માહોલ જોઇને ૧૫,વર્ષની ઉંમરે જાણે જીવન નૈયાનો કિનારો મળી ગયો,પછીતો હરિહરાનંદ બાપુના સાંનિધ્યમાં શક્તિદાનના મધુર સ્વરમાં રોજે રોજ ભજનો જામવા લાગ્યા, ભક્તો પણ ભાવ વિભોર બની જતા અને સમયનું ભાન પણ ભૂલી જતા. 

            પંદરેક દિવસતો આમજ આનંદમાં વીતી ગયા પણ શક્તિદાનને મા બાપનું દબાણ આવ્યું કે ભાઈ ઘરે આવીજા, અને કયા માવતર પોતાના પુત્રને બાવા સાધુ સાથે ફરતો જોવા ઇચ્છતા હોય? બાપુએ પણ આગ્રહ કરીને શક્તિદાનને સમજાવ્યા કે ભાઈ થોડા દિવસતો જા ! અને શક્તિદાને મન મનાવીને જવું પડ્યું.

                   સરધારથી થોડાજ અંતરે હરેંડા નામે ગામ, જે હરિહરાનંદનું જન્મ સ્થાન, ત્યાંના મેણંદ ભગત જેવા આહીર બાપુના ખાસ ભક્તો. બાપુ બધાને "નારાયણ" કે "ભગવાન" કહીને બોલાવે, એક વખત બાપુએ મેણંદ ભગતને શક્તિદાનને સમજાવીને તેડી લાવવા કહ્યું, કહે મને તેના વિના હવે ચેન પડતું નથી. સંદેશ મળતાં શક્તિદાન ઘરના લોકોને સમજાવીને બાપુના શરણમાં આવી ગયા અને ચાર વર્ષ સુધી બાપુની પાંસેજ રહ્યા.

                હરિહરાનંદ બાપુ જૂનાગઢમાં સનાતન ધરમશાળામાં મહા વદ બીજથી અગિયારસ સુધી શિવ પુરાણ બેસાડતા, હજારો સાધુ સંતો આ કથામાં પધારતા, શક્તિદાન બધાની સેવા કરે, બાપુએ ખુશ થઈને એક રુદ્રાક્ષ પણ શક્તિદાનને આપેલો, આ કથામાં ચારણ સાધુ પ્રેમદાસ બાપુ સાથે શક્તિદાનને પરિચય થયો, મીંયાગામ, કરજણ, વડોદરા, જેવા અનેક જગ્યાએ આ બાપુના આશ્રમો, મોટો ભક્ત સમુદાય, તેઓ શક્તિદાનની સેવાથી ખૂબ ખુશ થયા. શક્તિદાનને કચ્છના પાલુ ભગતનો પણ અહીંજ પરિચય થયો, તેમની સાથે ભજનો ગાવાનો અવસર મળતાં પોતાને સાર્થકતાનો અનુભવ થતો. આમ શક્તિદાનનું જીવન સંતો મહંતો અને ભજનો તેમજ જ્ઞાની ભજનિકો સાથે પરવાન ચડવા લાગ્યું.

એકવાર હરિહરાનંદ બાપુએ બોલાવીને શક્તિદાનને કહ્યું, "બચ્ચા હવે લગ્ન કરીલે, આ મારી આજ્ઞા છે," બાપુની આ આજ્ઞા માથે ચડાવીને નાથુબા સાથે ૧૯૬૨ માં પ્રભુતામાં પગલાં માંડ્યા, ત્યારે માતા પિતાના આનંદનો પાર ન રહ્યો, તેમને લાગ્યું કે હવે દીકરો ઘર સંસારનો ભાર ઉપાડીને ઘરમાંજ રહેશે, પણ શક્તિદાનની કુંડળીમાં કંઈક અલગજ રેખાઓ પડી હતી.......

આપ બધાના વોટ્સેપ કે અન્ય સાધનોની મર્યાદા સમજીને વધુ વીધ વીધ  ભાગોમાં લખું એવું મને લાગેછે.

જય નારાયણ.......૧.

No comments:

Post a Comment