Thursday, July 14, 2016

નારાયણ સ્વામી 

નારાયણ સ્વામી 

અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા વાળુ કરે {જમે} તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.

બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજ વીત્યો, બીજા દિવસે મારે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ દેખાવ ખાતર ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ત્યારે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.

રાત્રે આશ્રમના ચપલેશ્વર મહાદેવની આરતી પછી ધીરે ધીરે બાપુ રંગમાં આવવા લાગ્યા, વાતો કરતાં કરતાં ભજનો પર વાત પહોંચી, અને ત્યાંથી મારી રચનાઓ પર આવી. મારી રચના ના શબ્દોની છણાવટ થઈ, ભાવાર્થ થયા, અને પછી મને ગાવાની આજ્ઞા કરી. મેં ઘણા નાના નાના પ્રોગરામો {માનદ} કર્યાછે, પણ બાપુની સામે ગાવું એ ડોક્ટરેટની પરીક્ષા પાસ કરવા જેવું હતું, કારણ કે કોઇ પણ ભૂલ બાપુ ચલાવી ન લે. એક કલાકારને ચાલુ ડાયરા વચ્ચે ટકોર કરેલી કે "ભાઈ શબ્દ તો સમજીને બોલો." પણ ઈશ્વરની કૃપાથી મારી નાવ ડૂબી નહીં, અને બાપુએ જાણે કે પ્રમાણ પત્ર આપ્યું હોય તેમ મારી ભજનાવલી માં સુવર્ણ અક્ષરે જે બે શબ્દો લખી આપ્યા તે મારા માટે રાષ્ટ્ર પતી એવૉર્ડ થી પણ વધારે કિંમતી હતા, જેને મેં મારી રીતે સજાવી ને મારા બેઠક ખંડમાં રાખ્યા છે, બાપુ ના પૂર્વાશ્રમ ના પુત્ર હરેશભાઇએ એ જોઈને કહેલું કે "મેં ઘણી જગ્યાએ બાપુની ઘણી બધી યાદગાર વસ્તુઓ સાંચવીને રાખી હોય તે જોયું છે, પણ બાપુના સ્વ હસ્તે લખેલી આ યાદ તે સર્વમાં મને અનન્ય લાગે છે." જે અહીં આપની સમક્ષ રજૂ કરેલ છે.

 બાપુ એક પછી એક મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હાર્મોનિયમ બાપુના હાથે વાગતું જોયું/સાંભળ્યું  હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકૉર્ડિંગ થયું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બાપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય. અને આવાજ કોઇ પ્રસંગે બાપુ નારાજ થયા હોય અને કોઇ વિઘ્ન સંતોષીએ બાપુ વિષે આડી અવળી વાત ફેલાવી હોય તે બનવા જોગ છે.

આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
સમય મળ્યે બાપુ વિષે વધારે વાતો અહિંથી લખતો રહીશ.

જય નારાયણ.   

No comments:

Post a Comment