Saturday, July 9, 2016

નારાયણ સ્વામી.-ભાગ ૩

નારાયણ સ્વામી.-ભાગ ૩

બાપુ મુંબઈ પધારે એટલે બાપુના ભક્તોમાં ઊતારો આપવા માટે જાણે સ્પર્ધા જામે, એક વાર આ ભક્તોએ કોપર ગાંવમાં સંતવાણીનો કાર્યક્રમ ગોઠવ્યો, ત્યાં સાયન સર્કલ પર જેમની રેડિયો ઘર નામની દુકાન છે એ ચંદુભાઈ ઠક્કરનો પરિચય કરાવ્યો, પહેલાં નારાયણ બાપુના કંઠે ગવાતા ભજનોની નાની રેકૉર્ડ ઊતરતી, ત્યાર બાદ વધુ ભજનો સમાવતી લોંગ પ્લે રેકૉર્ડ, પછી તો રેડિયો ઘરે ૧૯૮૨થી ઘણી કેસેટો બનાવી. પારલા વાળા હરીશભાઇએ પણ એમનાં ભજનોની કેસેટો બનાવી.  જાણીને કદાચ નવાઈ લાગશે પણ એચ.એમ. વી. કંપની વાળાએ બાપુ જ્યારે પણ આવે ત્યારે બાપુનો કાર્યક્રમ બાકીના બધા કાર્યક્રમો રદ કરીને રેકૉર્ડ કરી લેવાની સૂચના આપી દીધી.

          ૧૯૭૪ માં બાપુ લીલાખાનો આશ્રમ છોડીને માંડવી કચ્છ પધાર્યા, ત્યારે ત્યાંના ચપલેશ્વર મહાદેવ ટ્રસ્ટે મંદિર અને મંદિર ની માલિકીની જમીન બાપુને અર્પણ કરી દીધી, અને બાપુએ ત્યાં આશ્રમની સ્થાપના કરી, ત્યારથી બાપુ ત્યાંજ રહે, એમના હજારો ચાહકો એમની વાણી સાંભળવા દૂર દૂરથી આવે, આખાય ગુજરાતમાં બાપુની ભજન ગાયકી અને રાગ રાગણીઓ લોકોને ઘેલું લગાડ્યું હતું, પણ એજ વર્ષે પડેલા કચ્છના દુષ્કાળમાં બાપુએ ઠેર ઠેર કાર્યક્રમો કરીને તેમાં ભેટમાં આવેલી રકમ દુકાળ રાહત ફંડમાં આપી અને અનેક ગામડાઓમાં ગાયો માટે ઘાસ ચારાની વ્યવસ્થા કરવામાં ખરચી નાંખી.

હરદ્વારમાં માયાપુર ગણેશ ઘાટ પર શ્રી નિરંજન પંચાયત અખાડા છે, નિરંજન દેવ એટલે કાર્તિકેય સ્વામી, અહીં જે સન્યાસી થાય તે સીધા નિરંજન દેવ એટલે કાર્તિકેય સ્વામીના શિષ્ય ગણાય,આ અખાડામાં મુખ્ય સ્વામીજી નિરંજન દેવના શિષ્ય તરીકે નવા સ્વામીનો સ્વીકાર કરેછે, ત્યાંના સ્વામીજી શ્રી ઈશ્વર ભારતીજીએ નારાયણ બાપુને "નારાયણ નંદ સરસ્વતી" નામ આપીને ભગવા વસ્ત્રો ધારણ કરાવ્યા અને શિષ્ય તરીકે સ્વીકાર કર્યો. આ ઉત્સવમાં જમણ વગેરેનો ખર્ચ લગભગ ત્રીસ ચાલીસ હજાર જેવો થઈ ગયો,આ બધો ખર્ચ મુંબઈના ભક્તોએ ભોગવી લીધો, આ અખાડામાં ગુરુ શિષ્ય જેવો નાતો નથી, શિષ્યો સર્વે સમાન ગણાયછે.

      ૧૯૭૬ માં બાપુએ બીદડામાં એક બીજો આશ્રમ સ્થાપ્યો, એનો સારી રીતે વિકાસ થયો એટલે એ આશ્રમ ગામ લોકોને સોંપી દીધો. ૧૯૭૮ માં એમણે જૂનાગઢમાં એક આશ્રમની સ્થાપના કરી, એ આશ્રમ આજે પણ સારી રીતે ચાલેછે અને પંદર દિવસ સંત વાણી અને હરિ ભજનના કાર્યક્રમો ચાલેછે એ વખતે આ આશ્રમમાં અનેક સાધુ સંતો પધારે, સંત મોરારી બાપુ હરિયાણી પણ એ વખતે ઘણીવાર પધારે.

      પૂ. મોરારિબાપુનો રામ ચરિત માનસ પારાયણ  જ્ઞાન યજ્ઞ કચ્છમાં સૌ પ્રથમવાર ખીડોઈ ગામમાં હતો, ત્યાર પછી ૧૯૭૩ માં માંડવી માં હતો, આ જ્ઞાન યજ્ઞમાં હજારો સંતો મહંતો મુમુક્ષુઓએ મોરારી બાપુની વાણીનો પ્રસાદ લીધો, ત્યારે નારાયણ બાપુની સંત વાણીનો પણ કાર્ય ક્રમ યોજાએલો, આ વખતે એક સંત ની સંત સાથે મુલાકાત થઈ, પૂ. મોરારિ બાપુ તેમને સાંભળવા જન મેદનીમાં નીચે એમની સામે બેસતા.

    કચ્છમાં વિગોડી ગામે રામ ચરિત માનસ પારાયણ જ્ઞાન યજ્ઞ યોજાયો ત્યારે નારાયણ બાપુ પૂ. મોરારિ બાપુને મળવા પધાર્યા હતા, વિગોડીમાં કથા પૂર્ણ થયા બાદ મોરારી બાપુ માંડવીના આશ્રમે પધાર્યા હતા.

    મોરારી બાપુ દર વર્ષે મહુવા પાસેના પોતાના ગામ તલગાજરડામાં ભગવત સપ્તાહ યોજે, નારાયણ બાપુ અચૂક એ વખતે ત્યાં જાય અને સંત વાણી કરે, એ વખતે મોરારી બાપુ ત્યાં શ્રોતા તરીકે સન્મુખ બેસે. મહાત્મા અવંતિકા ભારથીજીએ અમદાવાદ સરખેજમાં આશ્રમ સ્થાપ્યો, ૧૯૮૩માં ત્યાં વિશ્વ ભારતીય મંદિર બંધાયું, મંદિરમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે દ્વારિકાના જગદ ગુરુ શંકરાચાર્ય શ્રી સ્વરુપાનંદજી ત્યાં પધારેલા,મોરારી બાપુ પણ સમારંભમાં હાજર હતા, રાજ ઓડિયો વાળા હરીશભાઈએ નારાયણ બાપુની સંતવાણીની કેસેટો ઊતારી હતી, એનું ઉદ્ઘાટન મોરારી બાપુના હસ્તે કરાવવાનું નક્કી કરેલું પણ મોરારી બાપુએ કહ્યું કે ’ભગવા ધારી નારાયણ બાપુની કેસેટોનું ઉદ્ઘાટન ભગવા ધારી જગદ્ગુરુ પૂ. શંકરાચાર્યજીના હસ્તે થાય તે યોગ્ય કહેવાય’ શંકરાચાર્યજીએ પછી એ કેસેટોનું ઉદ્ઘાટન કર્યું, અને સંત વાણી શરુ થઈ, નારાયણ બાપુને સાંભળવા ત્યારે મોરારી બાપુ અને શંકરાચાર્યજી ત્રણ કલાક સુધી બેઠાં. એ વખતે નારાયણ બાપુએ " શંકર તેરી જટામેં" ભજન એવા ભાવથી ગાયું કે શંકરાચાર્યજી ગદ ગદ થઈ ગયા, એ ભજન તેમણે નારાયણ બાપુ પાસે બીજી વાર ગવડાવ્યું. જોકે એ વાત જુદી હતી, કારણ કે નારાયણ બાપુ અંદરથી ઉમળકો ન આવે તો એ ક્યારેય બીજી વાર ગાતા નથી, ગમે તેવાની શેહમાં આવીને ગાવા બેસી જતા નથી, ઘણા લખપતિ કરોડપતિ સાથે તેમના સબંધોછે, એમને ત્યાં પ્રસંગોપાત આવતા જતા હોય છે, પરંતુ કોઈ એમને કહે ત્યારે તેઓ ગાવા બેસી જતા નથી, પ્રભુ પ્રેરણા થાય તો સતત ગાયા કરે નહીંતર નહીં. એમના ભક્તોમાંથી કદાચ કોઈને મનદુખ થવાના પ્રસંગ બન્યા હશે પણ કોઈના મનોરંજન માટે ગાવાનું નારાયણ બાપુને ક્યારેય ગમ્યું નથી. 

    સ્વર સમ્રાટ તાનસેન ના ગુરુ હરિદાસ સ્વામીનું આ વખતે સ્મરણ થાય છે, એ પણ હરિ ઇચ્છા સિવાય કોઈના કહેવાથી ગાતા નહીં, બાદશાહ અકબર એમને સાંભળવા બેચેન હતા પણ એ શક્ય ન બન્યું, આખરે વેશ પલટો કરીને તાનસેન ના તબલચી થઈને એ એમના આશ્રમે ગયા અને એમના કંઠે ગવાતા ભજનો સાંભળ્યા.

       નારાયણ બાપુ પણ પૈસાની લાલચે ગાવા બેસી જાય એવા નથી, સંતને તો ઈશ્વરની પ્રેરણા મળે તોજ ગાય. કેટલાક માલદાર પટેલો બાપુ પાસે ભજનનો કાર્યક્રમ ગોઠવવા માટે બાપુ પાસે આવ્યા, શરૂઆતમાં પાંચ હજાર રૂપિયા આપવાની ઑફર કરી, બાપુએ ના પાડી એટલે રકમનો આંકડો વધારતા ગયા, દશ હજાર...પંદર હજાર...પચીસ હજાર...પણ બાપુએ ગાવા આવવાની સાફ ના પાડી દીધી, અને કહી દીધું કે તમારે રૂપિયા ખર્ચવાજ હોય તો ગમે તેને બોલાવી લો હું નહીં આવું.  

       બાપુ મુંબઈ આવે ત્યારે મુલુંડના બ્રહ્માંડેશ્વર મહાદેવના મંદિરે જઈને સંત વાણી જરૂર કરે, ચિંચપોકલી પાસેનું હનુમાનનું મંદિર, જે કમરુદ્દીનના અડ્ડા તરીકે ઓળખાયછે, ને આજે જેઓ રેડિયો અને દૂરદર્શનના માન્ય કલાકારો ગણાયછે એવા ઘણા જ્યાં પોતાની કલા રજૂ કરવા જાયછે,  ત્યાં બાપુ અચૂક જાય અને વિના મૂલ્યે સંતવાણીની સુગંધ ફેલાવે. ક્યારેક ડોક્ટરોએ તેમને ગવાની ના પાડી હોય ઉજાગરો કરવાની મનાઈ કરી હોય, પણ બાપુ પરોપકાર માટે સંતવાણી કરવા સદા તત્પર હોય. પાર્શ્વ ગાયકો સાઊંડ પ્રૂફ સ્ટુડિયોમાં ગાવા જાય પણ નારાયણ બાપુ ખુલ્લા મંડપમાં ગાય, અને તે પણ એક ધારા રાતના નવ દશ વાગ્યાથી સવારના સાત આઠ વાગ્યા સુધી ચાલે.

   ઘાટકોપરમાં ઓડીયન સિનેમાની સામે રહેતા હરેન્દ્ર શાહને ત્યાં બાપુ અવાર નવાર આવે, એમની અગિયારેક વર્ષની નાની દીકરી સારા ભજનો ગાય, નારાયણ બાપુ વિષે આ દંપતી કહેછે કે એમના જેવા નિરભિમાની સંત બહુ ઓછા હશે, અહીં પધારે ત્યારે કોઈને અગવડ ન પડે તેવું સામેથી ધ્યાન રાખે, જરૂરિયાત બહુ ઓછી, હસી હસીને વાત કરે, કોઈને જરાય અજાણ્યું ન લાગવાદે.

      એક વાર રાતે બાર સાડા બાર વાગ્યે ઘરે આવ્યા, ખૂબ થાક્યા હતા, બધાં એમની વાટ જોતાં બેઠાં હતા, એટલે પૂજાએ જાગતી હતી, બાપુએ એને કહ્યું  ’આજે ખૂબ થાકી ગયોછું, બેટા ભજન સંભળાવીશ?’ પૂજાએ ગાવાનું શરુ કર્યું, એના બે ચાર ભજન પછી બાપુ પોતે ભજન ગાવા લાગ્યા, એક પછી એક ભજન એમના મોં એથી સરતું ગયું, સમય પસાર થતો ગયો, સમય પર કોઈનું ધ્યાન ન રહ્યું, ભજનનો દોર પૂરો થયો ત્યારે સવાર પડવા આવી હતી.

આ ઓલિયો આદમી અલગારી સાધુ, એને પંથો કે સંપ્રદાયો સ્થાપવામાં રસ નહીં, ક્યારેક ઘણી સૂક્ષ્મ વાતો કરનાર આ સંત ધર્મનો નિચોડ ખૂબજ સરળ શબ્દોમાં વ્યક્ત કરી શકે. સમર્થનમાં ઘણા સાધુ સંતોના વચનો ટાંકીને એ કહે, "મારું ધર્મ શાસ્ત્ર માત્ર બે જ શબ્દોમાં આવી જાયછે, આ બે શબ્દોછે ભજન અને ભોજન. ભૂખ્યાને અન્ન આપો અને ભગવાનનું ભજન કરો. આનાથી મોટો બિજો કોઈ ધર્મ નથી"

         ઈશ્વરે એમને મધુર કંઠનું વરદાન આપ્યું, એમના કંઠનું કામણ શ્રોતાઓ પર વશી કરણ કરે, ભજન વાણી સિવાય કંઈ પણ ન ગાવાનું વ્રત લઈ બેઠેલો આ સંત પર ગુરુ કૃપા પૂરે પૂરી વરસી. દેશી ભજન વાણીને એમણે નવોજ વળાંક અને દિશા આપી, નવા પ્રાણ પૂર્યા, આજે કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતમાં અનેક ભજનિકો નારાયણ સ્વામીનું અનુકરણ કરવામાં ગૌરવ અનુભવેછે, મોરારી બાપુ જેમ પોતાના વ્યક્તિત્વથી શ્રોતાઓને સંમોહિત કરેછે તેમ નારાયણ બાપુ પોતાની સંત વાણીથી શ્રોતાઓને સમાધિ લગાડી દેછે.

       ભજન તો ઘણા ગાઈ શકે, પણ નારાયણ સ્વામીની વાત ઓરછે, સંત વાણીના ક્ષેત્રે આવી સર્જક પ્રતિભાવાન આજ બીજો કોઈ નથી. સ્વરની સૂક્ષ્મ સમજ, તાલની મક્કમતા, પેટી પરતો અજબ કાબૂ અને શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ.

       એક વાર કોઈએ એમને પૂછ્યું, "બાપુ તમે તમારા ભજનોની ધુન ક્યારે બનાવોછો?" તેમણે ટૂંકો જવાબ આપેલો, "સ્ટેજ પર આવુંછું ત્યારેજ." પછી એમણે સ્પષ્ટતા કરી " હું ક્યારેય પૂર્વ તૈયારી કરીને મારે આજે શું ગાવુંછે તે નક્કી કરીને આવતો નથી, પ્રભુ પ્રેરણા કરે એજ ગાઉછું, ને ત્યારે એને સૌથી પહેલાં માણુંછું પણ હું."   

        એ જ્યારે ગાવા બેસે ત્યારે ભજનના શબ્દો સાથે એમના આત્માનું અનુસંધાન થાય, ભજન ગાતાં ગાતાં ઘણીવાર એમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગે, એ પોતે તો ભલે પણ એમને સાંભળવા આવનારા શ્રોતાઓ ય ભાવ વિભોર થઈ જાય, આ એક અલૌકિક, અવિસ્મરણીય અનુભવ બની રહે. કોઈ એમની પ્રશંસા કરે ને કહે ’બાપુ તમે કેવું સુંદર ગાવછો’ તો તરત જવાબ આપે કે ’હું ક્યાં ગાઉંછું? આ તો ગુરુ મહારાજની કૃપાછે, ને કિરતારનો આપેલો કંઠ છે.’

        બાપુનો પ્રિય શોખ છે ગો સેવા, આશ્રમમાં વૃક્ષો અને ગાય-વાછરડા એમનો સંસાર, ગંગા અને જમના કહીને ગાયોની સેવા કરતાં બાપુ બાળક બની જાય. આશ્રમમાં મુલાકાતીઓ સતત આવતા રહે, આવનારા દરેકને બાપુ પ્રસાદી તરીકે ચા પિવડાવે, ચા ન પીતા હોય તેઓ પણ અહીં પ્રસાદી સમજીને ચા પી લે . સંતોના રહેવા માટે "સંત નિવાસ" , જ્યાં સાધુઓ આવીને રહે, બપોરના સમયે કોઈ પણ આવે બાપુ "હરિ હર" કરાવ્યા વિના કોઈને જવા દેતા નહીં. ત્યાં ચોખ્ખું ઘી વાપરવામાં આવે, પછી ભલે જમવામાં પાંચ જણ હોય કે પાંચ હજાર. 

     આશ્રમની સાર સંભાળ રાખે બે જણ, એક ભોલા નંદ અને બીજા ઈશ્વરસિંહ, ભોળા શંભુની કૃપાથી આ આશ્રમને નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ઘણાં . સૌથી કડાકુટીયું કામ હોય રસોડાનું, પણ સદભાગ્યે ખારવા સમાજની કેટલીક બહેનોએ અનાજ સાફ કરવાનું, દળવાનું, વાસણો માંજવાનું, અને આશ્રમને સાફ સુફ કરવાનું કામ સ્વેચ્છાએ ઉપાડી લીધાં. સવારે પોતાના ઘર કામ ઉતાવળે પતાવીને આશ્રમે આવે, બાપુને "જય નારાયણ" કરે અને પછી એક પણ શબ્દ બોલ્યા વિના આશ્રમ સેવામાં લાગી જાય. ખોડીદાનભાઈ ગઢવી અને તેમના ધર્મ પત્ની સજ્જન બહેન ને કેમ ભુલાય? વર્ષો સુધી સજ્જન બેન બાપુનું ટીફીન લઈને આવતા.

    શક્તિદાનજી પરમ કૃપાળુ પરમેશ્વરને સમર્પિત થયા પછી નવા અવતારે જન્મેલા નારાયણ બાપુનો હવે આ પરિવાર. કંઈકના હૈયાને હામ આપતા. કંઈકના કઈંકની શ્રદ્ધાની વાટને સંકોરતા આ સંતને ભજનની સરવાણી વહેતી રાખવા સિવાયની દુન્યવી બીજી કોઇ વાતમાં રસ નહીં. 

    ૧૯૮૪ના મે મહિનામાં ચપલેશ્વર મહાદેવનો જીર્ણોદ્ધાર કરાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો, હવે એમને આશ્રમમાં અન્નક્ષેત્ર અને ગૌશાળા વિકસાવવી હતી, આ માટે એમણે મોરારી બાપુની વ્યાસ પીઠે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું. કચ્છની યાત્રાએ આવતા સંત-સાધુઓ માટે એક અન્ન ક્ષેત્ર ઊભું કરવાની બાપુની ઘણા વખતથી ઇચ્છા હતી, મોરારીદાસ હરીયાણીએ આ માટે કચ્છ આવવાનું સ્વિકાર્યુંછે. 

    મોરારી બાપુ માંડવી આવવા ઉત્સુક હશે, એમની નજર સામે તરવરતો હશે એ પ્રસંગ, જ્યારે નારાયણ બાપુ તલગાજરડા આવેલા..."બાપુ, તમે એકજ ભજન સાત આઠ રાગમાં ગાઈ શકો ? બને તો આજે કંઈક એવો લાભ આપો" એમણે વિનંતી કરી. નારાયણ બાપુએ જવાબ આપેલો "પ્રભુની અને ગુરુ મહારાજની કૃપા હોય તો એક ભજન સાત આઠ રાગતો શું, અઢાર રાગમાં ગાઈ શકાય. તે પછી તેમણે ભજન છેડેલું, "ચકવી રેન પરે જબ રોવે ચકવી" એક પછી એક જુદા જુદા રાગમાં એમણે એ ભજન ગાયેલું.

   એકવાર માંડવીમાં ડાયરામાં આંતર રાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત કરનાર રાજસ્થાનના ગાયક ભુંગરખાન પધાર્યા હતા, નારાયણ બાપુને સ્વ મુખેતો એ ભલે અનેક વાર સાંભળે પણ જ્યારે એકલા પડે ત્યારે એ બાપુની કેસેટજ સાંભળતા, એમણે કહેલું, દેશ વિદેશમાં મેં ઘણાં મોટા મોટા ગાયકોને સાંભળ્યાછે, પણ આ સ્વામીના ગળામાંથી ભગવાન જાણે પોતે જ બોલેછે.        

આ હતા ભજનાનંદી નારાયણ નંદ સરસ્વતી. શ્રી નારાયણ બાપુ.





No comments:

Post a Comment