Sunday, May 14, 2023

પ્રભુની મહેર

પ્રભુની મહેર

ઢાળ-સારંગ જેવો-ચકવી રેન પડે જબ રોવે

સાખી-સકળ આ સંસારમાં અમૂલખ માનુષ તન, મહેર કરી મુજને મળ્યું ધન્ય ધન્ય ભગવન્

સાખી-મહેર કરી મહારાજ તેં, આપ્યું અમને અન્ન, વાયુ જળ વસુંધરા આપી થઈને પ્રસન્ન 

પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,
માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી...

 ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી
જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી...

લખ ચોરાસી જીવ અથડાયો , સુખ નહીં સોઈ ની અણી
નારાયણ ની નજરું પડી ગઈ,
મેં તો કદિ’એ ન ભક્તિ ભણી..

દેવો ને પણ દુર્લભ એવી,
કાયા મળી મનખા તણી
અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી... 

શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી
સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી...

રંગે ચંગે હું આવું તારે દ્વારે,
એવી આશા મનમાં ઘણી
"કેદાર" કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી...  

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment