Sunday, May 14, 2023

સાચો રાહબર સાધુ

 સાચો રાહબર સાધુ

ઢાળ:- સાધુ વો નર હમકો ભાવે...જેવો

૧૬.૧૧.૨૨

સાધુ વિશ્વ ને રાહ બતાવે, 

માયા જગતની મન થી મિટાવી, ભક્તિને માર્ગ ચડાવે...


માયા પતિ ની મોહ માયા ભલે, ભલા ભલા ને ભુલાવે

સંત સમાગમ તૃણ ગંજીમાં, સત્ય ની સોય બતાવે...


જીવડો ભટકે ભવ સાગરમાં, બાહ્ય પકડી ને બચાવે

મરજીવા બની મર્મ ના મોતી, ગર્તથી ગોતી સમજાવે...


ભોળા ભક્તો જ્યારે ચડે ચકડોળે, સત્ય સમજ નહીં આવે

માર્ગ ભૂલ્યા ને પથદર્શી બની, મંજિલ દ્વાર બતાવે... 


દીન "કેદાર" પ્રભુ દાસ તમારો, એકજ આશ ધરાવે

રોમે રોમ અવગુણ ભર્યા છે, બાળ ગણી ને બચાવે....


ભાવાર્થ;- સંતો-મહંતો કહે છે કે સાચો સાધુ હોય તે એક સાચો માર્ગદર્શક કે ગુરુ બની શકે છે અને આ જગત ની માયા માંથી જીવ ને છોડાવીને સાચા રસ્તે ચડાવી શકે છે.  

    આ જગત ની માયા ના માલિક ભગવાન પોતે છે, એની જાળ માં થી કોઈ છૂટી શકતું નથી, સામાન્ય માનવી તો ફસાય છે, પણ મોટા મોટા પંડિતો પણ છટકી શકતા નથી. પણ જો સાચો સંત-સાધુ મળી જાય તો ઈશ્વરની આ માયા માંથી પણ જીવ ને બચાવી શકે છે.

    આ ભવ સાગર ના ભ્રમર માં જ્યારે જીવ ચકરાવે ચડે છે ત્યારે સાચો સાધુ મરજીવો બનીને આવે છે અને ભ્રમણા માંથી સાચા મર્મ રુપી મોતીડા બતાવી ને બચાવે છે. 

  જ્યારે કોઈ ભોળા ભક્તો આ સંસાર ની આંટી ઘૂંટી માં ફસાય ત્યારે જો સાચો સાધુ મળી જાય તો એક સાચા માર્ગદર્શક બની ને છેક મુક્તિ ના દ્વાર સુધી પહોંચાડી શકે છે.

    હે ઈશ્વર, હું તો પામર જીવ છું. હું તારી માયામાં એવો ફસાયેલો છું કે મારા રોમે રોમ માં અવગુણ ભરેલા છે. મને તો કોઈ સાચો સાધુ-સંત મળે એવા પણ મારા ભાગ્ય નથી, પણ એકજ આશા છે કે તું મને તારો બાળ ગણીને આ ઘોર પાપ કર્યા છે, એમાં થી ચબાવી લેશે.


No comments:

Post a Comment