Sunday, May 14, 2023

સતિઓ નું સતીત્વ.

                                                 સતિઓ નું સતીત્વ.

તા. ૧૫.૬.૨૨.

ઢાળ- ધૂણી રે ધાખાવી મેંતો....જેવો... 


સાખીઓ:-

સતી ધર્મ સર્વોપરી, નમે દેવ ઋષિ રાજ,  સંત મહંત નમનું કરે, નારાયણ સત કાજ....

સત્ય ધર્મ સતીઓ તણા, કદીક પ્રારબ્ધ બદલે છે,  સાવિત્રી સત્ય ના જોરે, લેખ માં મેખ મારે છે...  


સતીઓના ચરણે મોટા મુનિઓ નમે છે, મુનિઓ નમે છે પ્રભુજી આદર કરે છે...


સતિ અનસૂયા ના સતીત્વ ને જાણી

ત્રણે દેવીઓ એ ઉરમાં ઈર્ષા બહુ આણી

બાળકો બનેલા ભાળી, યાચના કરે છે.......


સતિ અહલ્યા પર જ્યારે, ઇંદ્ર લોભાયો

ગૌતમ બનીને કેવો,   ભ્રમ માં ઘેરાયો

પથ્થર બની તો પ્રભુએ આવવું પડે છે....


રાજા હરિશ્ચંદ્ર તારામતી નારી

વિશ્વા મિત્રજીએ કીધી કસોટી બહુ ભારી

રૂખી ને રીઝવવા હરિએ દોડવું પડે છે...


સતિ સાવિત્રી કેરાં સત શું વખાણું

સત ના પ્રતાપે ટાળ્યું, વૈધવ્ય ટાણું

વિશ્વ નિયંતા કેરાં નિયમો ફરે છે....


"કેદાર" કેશવ તારી લીલા છે નિરાલી

સતીઓ કે સંતો માટે ભાવ થી ભરેલી

ભક્તો ને માટે મોહન કંઈ પણ કરે છે...

 

ભાવાર્થ-  ઈશ્વર સંતો-મહંતો કે ભક્તો માટે ઘેલો ઘેલો થઈને ફરે છે, પણ સતીઓ માટે તો અનહદ આદર ધરાવે છે. 

    બ્રહ્મર્ષિ નારદજીએ જ્યારે માતા પાર્વતીજી-લક્ષ્મીજી અને બ્રહ્માણીજી પાસે સતિ અનસુયાજીના સતીત્વ ની વાત કરી ત્યારે આ ત્રણે દેવીઓ ને ઈર્ષા આવી અને પરીક્ષા કરવા માટે બ્રહ્મા-વિષ્ણુ અને મહેશજીને મોકલ્યા, ત્રણે દેવો અનસુયાજી પાસે યાચક બની ને ગયા અને નગ્ન બનીને ભિક્ષા આપવા કહ્યું, જો પર પુરુષ સામે નગ્ન બને અથવા ભિક્ષા આપવાની ના પાડે તો તેમનું સતીત્વ તૂટે, પણ માતાજીએ પોતાના સત ના પ્રતાપે ત્રણે દેવો ને ઓળખી લીધા અને પાણી ની અંજલિ છાંટીને બાળક બનાવી દીધા, ત્યાર બાદ મૂળ રૂપ માં લાવવા માટે દેવીઓ એ અનેક પ્રાર્થના કરવી પડી. 

     સતિ અહલ્યા પર ઇંદ્ર મોહિત થઈ ગયો ત્યારે તે સતિ ના પતિ ગૌતમ ઋષિ નું રૂપ લઈ ને ગયેલો, અહલ્યાજીએ તો તેને પોતાના પતી સમજીનેજ આદર કરેલો, પણ જ્યારે ઋષિ ને આ વાત ની ખબર પડી ત્યારે તેણે સતિ ને શ્રાપ આપ્યો કે તમે પથ્થર વશ વિચાર કર્યા વિના પર પુરુષ સાથે વર્તન કર્યું છે, માટે "પથ્થર" બની જાવ, પણ આ પથ્થર ને પાવન કરવા અને અહલ્યા નો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન રામે અવતાર ધરવો પડ્યો હતો.   

     રાજા હરિશ્ચંદ્રજી સત્યવાદી હતા અને રાણી તારામતી મહાન સતી હતા, પણ વિશ્વા મિત્રજીએ તેની એવી આકરી કસોટી કરી કે અયોધ્યા ના રાજા હોવા છતાં ચાંડાલ ને ત્યાં વેચાવું પડેલું. જ્યારે કુમાર ને સર્પ ડંસ થયો અને સતિ તેના દેહ ને અગ્નિદાહ આપવા આવ્યા ત્યારે રાજાએ સ્મશાન નો કર આપ્યા વિના દાહ આપવા ની ના પાડી ત્યારે ભગવાને આવવું પડેલું, એ છે સતિ નું તપ.

     સતિ સાવિત્રીજીના પતી સત્યવાન ને મૃત્યુ આપીને તેના આત્મા ને લેવા યમરાજ પધાર્યા ત્યારે સતિ સદેહે યમ ના દરબાર સુધી પહોંચી ગયા અને સત ના આધારે જીવત દાન અપાવેલું. 

     હે નાથ તારી કળા અપરમ પાર છે, તું તારા ભક્તો માટે કે સતિઓ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે, બસ સદા તારી લીલાના દર્શન નહીં તો સ્મરણ કરાવતો રહેજે.  

રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim.blogspot.com.

No comments:

Post a Comment