Sunday, May 14, 2023

ભજન અને ભજન ના કાર્યક્રમો.

                                     ભજન અને ભજન ના કાર્યક્રમો.


     મિત્રો, મારી યુવા અવસ્થાના જમાનામાં સંગીત ના અનેક પ્રકાર ના કાર્યક્રમો થતાં હતા, જેમાં એક હતો "મહેશ કુમાર એન્ડ પાર્ટી." જેમાં સ્વ.નરેશભાઈ અલગ અલગ ગાયકોએ ગાયેલા ફિલ્મી ગીતો એમના અવાજ માં ગાતા, જ્યારે સ્વ.મહેશભાઈ તો સ્ત્રી અને પુરુષ ના બે-ત્રણ કલાકારોના આબેહૂબ અવાજ માં ગાતા. આજ કાલ મને એ કલાકારો ની યાદ ભજન ના નામે થતા કાર્યક્રમો માં કરાવી દે છે. કોઈ, પ્રાણલાલભાઈ ના અવાજ માં તો કોઈ હેમંતભાઈ ના અવાજમાં, અને બ્રહ્મ લીન નારાયણ બાપુ ના અવાજ અને હલકમાં ગાવા વાળા નો તો જાણે રાફડો ફાટ્યો છે, આ નકલ કરવામાં ભજન નો મર્મ ભુલાઈ જાય છે, શ્રોતાઓ પણ શબ્દો ભૂલીને રાગ-ઢાળ યાદ કરીને વાહ-વાહ કરતા રહે છે.

     ભજન ના કાર્યક્રમો ની જાહેરાતો પણ અજબ ગજબ હોય છે. પણ પહેલાં જણાવી દેવા માંગું છું કે આ મારું અંગત માનવું છે, કદાચ ખોટું પણ હોય શકે, કોઈએ બંધ બેસતી પાઘડી પહેરી ન લેવી.

    પહેલાં તો સમજીએ કે ભજન એટલે શું ? ભજન એટલે જેમાં ભગવાનની સ્તુતિ, પ્રાર્થના તેમજ જ્ઞાનનું નિરૂપણ હોય તેવી ગેય પદ્યરચના, નામ સ્મરણ, ભક્તિ, ભક્તિનું ગીત, અને તે પણ ભાવ થી ગવાતું હોય તો જ ભજન કહેવાય, નહીં તો ગીત કહેવાય. ભજન ના "આરાધક" એટલે આરાધના-ઉપાસના કરનારા, જેમાં પૂજા, અર્ચના, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે, ભજનિક એટલે ભજન કરનાર, ભજનો ગાનાર, ભજન ધૂન કરનાર, ભગત, ભજની, આ બધું ન હોય તો મારા જેવા સામાન્ય ગાયક કહેવાય, ભજનિક કે આરાધક ન કહેવાય. આ આરાધના કોઈ અંતર થી પણ કરતા હોય જે કદાચ આપણી નજરે ન પણ પડે, એટલે એને આ કક્ષામાં થી અલગ ન ગણી શકાય. "સંત વાણી" એટલે સંતો ના મુખ માં થી પ્રગટેલી વાણી, (આમાં મારી "દીન વાણી" નો પણ સમાવેશ ન થાય.) જે આપો આપ પ્રગટે, મીરાં-નરસિંહ મહેતા કે સૂરદાસજી જેવા સંતો ની રચના માટે કાગળ પેન લઈ ને લખવા બેસવું ન પડે, પ્રાસ ના અંકોડા ગોઠવવા શબ્દકોષ નો સહારો ન લેવો પડે, ઢાળ કે રાગ બેસાડવા માટે પ્રયાસ ન કરવો પડે, જેમ જેમ અંતર માં થી શબ્દો સ્ફુરતા જાય તેમ તેમ બધું આપો આપ ગોઠવાતું જાય. 

     બીજા ક્રમે આવે કવિ "દાદ", કવિ "કાગ" જેવા અનેક મહાન રચનાકારો, એમની રચનાઓ માં ભજન હોય, આરાધના હોય, કુદરત ની કરામત ના દર્શન હોય અને સાથે સાથે દિલ ના દર્દ પણ હોય, પણ એ રચનાઓ માં એવી તો કમાલ હોય કે તમને કૈલાસ નાથ ના દર્શન પણ કરાવે અને કાળજા ના કટકાની વિદાય માં રડાવી પણ દે, નિસરણી બનીને મદદગાર પણ બને અને રામાયણ ના પ્રસંગો ને આંખો સામે ખડું પણ કરી શકે, લક્ષ્મણજીના રથ ની લગામ પકડી ને સવાલો પણ કરી શકે અને રામનો વેશ ધરવા જતાં રાવણ ને થતી અનુભૂતિ પણ વર્ણવી શકે, એ પણ સંત વાણી છે.  

    ત્રીજા ક્રમે આવે કવિ પ્રદીપ જેવા ગીતકાર કે જેણે વતન માટે ની રચના "એ મેરે વતન કે લોગો" લખીને દેશ પ્રેમ બતાવ્યો અને લતા મંગેશકર જેવી કોકિલ કંઠીએ એમાં કંઠ ના કામણ ભર્યા, અનેક ગીતકારોએ ફિલ્મી ભજનો પણ આપ્યા, આવા અનેક મહાન રચનાકારો કે જેમને લોકો ના હૃદય પર વિશિષ્ટ છાપ છોડી, પણ એ વ્યવસાયાત્મક હોવાથી તેનો ક્રમ મેં ભલે ત્રીજો આપ્યો છે, પણ એની શબ્દરચનાઓ ભાવ વિભોર કરીદે છે, "બડી દેર ભઈ નંદ લાલા" જે ખરે ખર લાલા ની રાહ જોવડાવે છે. હું પણ એક નાનો એવો કવિ છું, અને એ ઈશ્વર કૃપા હોય તો જ બની શકાય, શ્રી માન પાલૂભાઈ ગઢવીએ(ભજનાનંદી) મને ખૂબ માન અને સ્થાન આપ્યું, આ નાની વાત નથી, પરખ પણ હોવી જોઈએં, પણ ક્યારેક મને લાગે છે કે ઘણાં સારા સારા કવિઓ ને મંચ ન મળવાને કારણે તેમની પ્રતિભા ઉજાગર નથી થતી, મને તો બ્રહ્મ લીન નારાયણ બાપુ ના આશીર્વાદ મળ્યા જે થી મારા ગજા પ્રમાણે જે મળવાનું હતું તે મળ્યું પણ ઘણાં તો પ્રતિભા હોવા છતાં આગળ આવી શક્યા નથી, એવા પ્રતિભાશાળી ને શોધી શોધીને આગળ લાવવા જોઈએં. અહીં મને એક વાત લખવી જરૂરી લાગે છે, એક કલાકારે મારી રચના પોતાની કેસેટમાં લીધી, એ વખતે કોઈ મોટા કલાકાર ની કેસેટ માં પોતાની રચના ને પ્રવેશ મળવો તે મોટી વાત હતી, તેમના એક કાર્યક્રમ માં હું તેમને મળવા ગયો, મને થયું કે એ તો મને ન જાણતા હોય પણ મારે મળવું જોઇએં, હું એવું માનુ છું કે કોઈ ની પણ ભજન રચના ગવાય તેમાં જે ભાવ પ્રસરે, લોકો દ્વારા જે ભક્તિ મય ઊર્જા નીકળે તેમાં ભલે નામ ન મળે પણ એ ધાર્મિક ઊર્જા નો લાભ રચનાકાર ને પણ મળે, તેથી હું મળ્યો અને મારો પરિચય આપ્યો, પણ એ કહેવાતા કલાકાર માં કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યો, કદાચ એને હશે કે હું કંઈક આશા લઈ ને મળવા ગયો હોઈશ, ત્યારે મને મારા નિર્ણય પર ગુસ્સો આવ્યો કે મેં મારો પરિચય ખોટા માણસને આપવાની મોટી ભૂલ કરી, હું જેને મોટો કલાકાર સમજતો હતો એ તો ભજનિક નહીં સાધારણ ગવૈયો નીકળ્યો, આને મળીને મેં મારું કદ નાનું કરી નાખ્યું હોય એવું લાગ્યું, પણ અન્ય રચનાકારો ને આવું ભોગવવું ન પડે માટે તેને યોગ્ય સ્થાન જરૂર આપવું જોઈએં.

    આવુંજ છે કથાકારો કે ભજન ગાયકો નું. વર્ષો સુધી કથા કરી પણ જેણે ભાગ્યેજ આંખ ઊંચી કરીને જોયું એવા બ્રહ્મ લીન ડોંગરેજી મહારાજ જેવા કથાકારો કેટલા ? માણ ભટ્ટ ગામડે ગામડે ફરીને કથાઓ કરતા, આજે તો પહેલાં દક્ષિણા નક્કી થાય, સુવિધા નક્કી થાય, આ કેવા કથા કારો ? પાછા જાણે પોતે ભગવાન નો સીધો સંદેશો આપવા આવ્યા હોય અને આપણા પર ઉપકાર કરવા આવ્યા હોય એમ ઠૂંઠ માં બેઠાં હોય.   

     મને એક વાત સમજાતી નથી, મોટા ભાગે ભાગવત કથા કોઈ આત્માના મોક્ષ માટે કરવામાં આવે છે, ત્યાં આવા બાવળ ના ઠુંઠા જેવા કથાકાર કથા કરતા હોય તો આત્મા સાંભળવા બેસે ખરો?  

    મીરાં-નરસિંહ જેવા ભજન ગાયકો ને ભાન ન રહેતું કે રાસ લીલા જોવાના પ્રેમ માં હાથ પણ બળી રહ્યો છે! અરે ત્યાં ભગવાન પોતે તેને સાથે લઈ જાય એ કેવી મહાનતા ? પ્રસાદ ના કટોરામાં શું છે ? મેવાડ ની રાણી માટે ત્યારે ભોજન કે પ્રવાહી તપાસ્યા પછી આપવા વાળા રક્ષકો નહીં હોય ? હશે, તો પણ મીરાંએ પ્રસાદ સમજી ને પી લીધું, ગોરો કુંભાર, એવો ભાવ વિભોર બની ગયો કે પોતાના બાળકને કચડી નાખ્યું, આવા તો અનેક ભાવિક ભજનિકો હતા અને કદાચ આજે પણ હશે જેને જાહેર થવાની જરૂર નહીં હોય.

    બીજો ક્રમ છે બ્રહ્મ લીન નારાયણ બાપુ જેવા અનેક ભજનિકો નો, જો કે આજે નારાયણ ના સમકક્ષ મને ક્યાંય દેખાતા નથી, હશે તો મને ખબર નથી, અને વધારે લખવા નથી માંગતો કારણ કે આવાજ એક લેખ માં મેં શ્રી સમરથસિંહ સોઢા નો ઉલ્લેખ કર્યો ન હતો, ત્યારે મારા એક ચાહકે મને ટપારેલો, પણ મેં જે લખેલું તેમાં સમરથસિંહજી ફીટ બેસે તેમ ન હતા, કારણ કે તેમની શૈલી અલગ છે, જ્યારે તેઓ બ્રહ્મ લીન નારાયણ બાપુ સાથે ગાતા ત્યાર થી આજ સુધી તેમણે એ આગવી શૈલી જાળવી રાખી છે, એજ રીતે શ્રી દેવરાજભાઈ ગઢવી, (નાનો ડેરો.) એમની શૈલી પણ અલગ છે, એમના માટે શું લખવું ? પણ જે અમુક ગાયકો બ્રહ્મ લીન નારાયણ બાપુ સાથે ગાતા ખરા પણ આજે ભજનમાં ફિલ્મી ગીતોની ભેળસેળ કરવા લાગ્યા, અરે એક ભજન પણ આખું ગાતા નથી, કટકા કટકા કરીને રજૂ કરતા હોય ત્યારે રચનાકારના કલેજાંના કેટલા કટકા થતા હશે ? એવા ગાયકો માટે દુખ જરૂર થાય કે મારા ગુરુ નારાયણ ની ગાયકી છોડીને પૈસા ખાતર ચીલો ચાતરી ગયા, અને એ પણ દુખ થાય કે પોતાને નારાયણ બાપુ નો ચાહક કહેવડાવનારો શ્રોતા ગણ આવા પૈસા ના લાલચુ ગવૈયાઓને લાંબા હાથ કરી કરીને બિરદાવતા હોય, ખેર, સમય સમય નું કામ કરે છે, પણ આવા લોકો ની પાછળ સાચા અને પ્રેમાળ ભક્તો ની ભક્તિ-ગાયકી કે વાણી ને ઝાંખપ ન લાગવા દેજો, એજ અભ્યર્થના સાથે.

જય નારાયણ.


કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ.

૯૪૨૬૧૪૦૩૬૫ 

૭.૪.૨૨.

   

1 comment:

  1. આપની વાત એકદમ સાચી છે

    ReplyDelete