Sunday, May 14, 2023

જીવનની ધન્યતા -- અણમોલ ઘડી -પાવનકારી સંત ના વાહન ચાલન નો અવસર

જીવનની ધન્યતા  -- અણમોલ ઘડી  -પાવનકારી સંત ના વાહન ચાલન નો અવસર

                મારા લેખન કાર્યના માર્ગદર્શક  જીતેન્દ્ર પાઢ  મને સદા  કહે  છે -" પ્રેરણા જીવનનું સાચું ટૉનિક છે, જે જીવનને રમતું, ગાતું અને વહેતું રાખે છે, જીવનમાં જ્યાંથી અને જેની પાસે થી કશુંક પ્રાપ્ત થાય તે ગ્રહણ કરો, અપનાવો અને શીખો એ જીવન જીવવાની ખરી રીત છે"; મને આજે મારા જીવનનો અતિ મહત્ત્વનો પ્રસંગ યાદ આવે છે, જેનાથી મારી જીવન કહાની બદલાઈ ગઈ.      
                    
                    જીવન ના અવનવા રંગો છે, કોઈ વાર અચરજ પમાડે તેવા સ્મરણો જન્માવે, તો ક્યારેક દુઃખદ ક્ષણો ની વેદના અર્પે. પ્રસંગ અને આયોજન વખતે માનવંતા મહેમાન, અતિથિ વિશેષ કે કોઈ ખાસ અંગત મહાનુભાવો ને માટે વાહન મોકલી આમંત્રિત કરવાનો રિવાજ એક આદર છે. પણ આવા સમયે વાહન ચાલક કોને મોકલવો તે વ્યક્તિ ની પ્રતિભા જાણીને નક્કી કરાય કારણ કે જો વાહન ચાલક વધુ વાતોડિયો હોય તો મહેમાનને ન પણ ગમે; એટલેકે વાહન ચાલક પણ સંયમિતતા અને અનુભવી સજ્જન સમો શોધાય છે. ઘરનો વાહન ચાલક ઘણીવાર ન મળે તો વિશ્વાસુ સ્વજન જે નિકટતમ હોય એને પસંદ કરાય. મારું ડ્રાઇવિંગ સારું અને મારો શોખ પણ ખરો ! જીવન માં અનેક વેળાએ મારે વાહન ચલાવવાની તકો મળેલી, તેમાં યાદ ગાર સ્મરણ પણ ખરાં ! શુભ વેળા આવે અને હાથમાંથી તે ઘડી પસાર કર્યા બાદ, ઓંચિતા રહસ્ય નું પ્રાગટ્ય થાય ત્યારે કેટલી અચરજ થાય !
                       ઈશ્વર મહેરબાની ગણો કે અકસ્માત શું માનવું ?. આવો   જ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલ, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની  સ્મૃતિપટ ઉપર છબી ઉભરાય છે  ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
                સાલ તો ચોક્કસ યાદ નથી પણ સ્મરણના સંભારણા મુજબ પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત હશે, કરજણ જંકશન પાસે મિયાં માતર ના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પૂછી ને તેમનું મકાન ગોતી લેજે."
   ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, આપેલા સરનામે પહોંચી ગયો, જરાયે તકલીફ વિના ! નામ પૂછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પૂર્વાભિમુખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો (બેઠક), સામે જાડી મોટી ગાદી પર ઢાળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો,  માખણ ચોર લાલાના; એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવ, માથે મુંડન અને શિખા, ભવ્ય તેજીલો ભાલ પ્રદેશ, મારી એ ઉમરમાં પણ મને પ્રભાવિત કરતું મુખારવિંદ, અનાયાસ  સરળતાથી વંદન કરવાનું મન થાય એવો એમનો પ્રભાવ હતો, મેં બે હાથ જોડીને પ્રણામ કર્યા. મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ  મિનિટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લઉં."  થોડો સમય તેઓ જે કર્મ કાંડ જેવું કાર્ય કરતા હતા તે પૂર્ણ કરીને અંદરના ખંડમાં પધારી થોડાજ સમયમાં એ ભુદેવ સાદાં ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં એકદમ સહજ ભાવે બિરાજી ગયા.
                    પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બ્રહ્મદેવતાને બે હાથ જોડીને મેં પૂજ્ય ભાવે  વંદન કર્યા અને વિદાય લીધી.
                 આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે સંત ભૂદેવ નું મુખારવિંદ, નમ્રતા ભાવ અને શાંત શીતળ  તેજસ્વી પ્રતિભા સતત નજરે ચડે છે; ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા શ્રી શુકદેવજી નો કળિયુગી અવતાર સમા બ્રહ્મ લીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-(કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે)-ડોંગરેજી મહારાજ કે જે સાચા અર્થમાં સંત હતા તેમના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી કોઈક જન્મના પુણ્યના પ્રતાપે  ઝળકી ઊઠશે ! વિશાલ ભાલપ્રદેશે મોટું લાલ તિલક માત્ર બે વસ્ત્ર -ઉપવસ્ત્ર અને ધોતી, હાથમાં નાનકડી તુલસી માળા, લાલાના સ્મરણ જાપમાં લીન ,કોઈ મગજમારી કે વધુ વાર્તાલાપ નહિ, શાંત સૌમ્ય વ્યક્તિત્વ આજે પણ યાદ આવે ત્યારે વંદન કરી લઉં છું ,જન્મ જયંતી હોય કે પુણ્ય તિથિ હોય તે દિવસ સિવાય પણ નિત્ય સ્મરણમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ  મારાં  સાચાં પ્રેરક વંદનીય સંત છે, એમનું સાન્નિધ્ય માણ્યાનો લહાવો મારા જીવનની ધન્ય પળ ગણું છું, યાદોના ઉપવનમાં કેટલો બધો ખજાનો છે -દોસ્તો ! તમારા જીવનની હાટડી ક્યારેક ખોલજો અને આવા સદ પ્રસંગ ની  મિત્રો સાથે ગોઠડી જરૂર કરજો, તેમાંથી કદાચ કોઈ જીવને પ્રેરણા મળી જાય !

             આ સંતના સાનિધ્યથી, તેમના તેજના પ્રતાપે મારા જીવનમાં મોટી પ્રેરણા મળી, અને મારા હ્રદયમાં જે ભક્તિ ભાવ હતો તેમાં નવી ચેતનાનો સંચાર થયો. જીવનમાં અનેક બનાવો અવાર નવાર બનતા હોય છે, પરંતુ કેટલાક બનાવો અનાયાસે માનવીનું જીવન પરિવર્તન કરે છે. પરિવર્તન સંસારનો નિયમ છે, જે કુદરત અને માણસ બન્નેને લાગુ પડે છે, જીવનમાં આવતો બદલાવ કે મોટી ઊથલપાથલ આવા પ્રેરક અને પ્રેરણાદાઈ બનાવોને આધીન છે, માનવી આવા સારા બનાવો કેમ નોંધી નહીં રાખતો હોય ! કે પછી પોતાના અહંકારમાં ડૂબીને જાણી જોઈને જો આંખ આડા કાન કરે તો તે ઘણું ગુમાવે છે.
----------------------------------------------------------------------------------------------------------------
કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
૮૧૬૦૬૩૦૪૪૯

No comments:

Post a Comment