Sunday, May 14, 2023

સંત અને સેવક("પ્રેમજી ભગત")

                      સંત અને સેવક("પ્રેમજી ભગત")


ધ્રોલ તાલુકાનું પણ પડધરી નજીક આવેલું ગોલીટા મારું નાનું એવું ગામ, ત્યાં પડધરી વિસામણ માર્ગ પર મારી  વાડી છે જેમાં વર્ષો પહેલાં રામદે પીરજીનું મંદિર નિર્માણ પામેલું છે, ઘણા લાંબા સમયથી એક ફક્કડ પૂજારીજી ત્યાં પૂજા અર્ચના કરતાં, પણ ખબર નહીં કેમ અચાનક એ પૂજારીજી કોઇ પણ કારણ વિના, કંઈ પણ કહ્યા વિનાજ એ મંદિર છોડીને જતા રહ્યા, હવે ફક્કડ બાવા જેવા લોકોનું કોઈ ઠોર ઠેકાણુંતો હોય નહીં, પણ હા એક વાત જરૂર લખવી પડશે કે તેઓ હતા ખૂબજ ભક્તિભાવ વાળા, એકજ વખત જે મળે તે જમવું, બાકી લીમડાના પાંદ જમવા, કોઈની સાથે વધારે વાત નહીં, પોતાના કામ થી કામ, બાકી પૂજા પાઠ, આવા પૂજરી કંઈ પણ કહ્યા વિના જતા રહે ત્યારે ગમેતો નહીંજ, પણ એવા લોકોની ગતિ સમજવી સામાન્ય લોકો માટે અઘરી છે, એમ સમજીને અમો ગામ લોકો ગામના સાધુ પાસે પૂજા કરાવવાનું નક્કી કરીને એ વાત વિસારે પાડી દીધી.

 ત્યાં એક સમયે એક સામાન્ય દેખાતા માણસે આવીને મને આ જગ્યામાં કોઈ પૂજારી ન હોવાથી રજા આપો તો પૂજા અર્ચન કરવા વિનંતી કરી, મેં ગામ લોકોનો મત લઈ ને આ અજાણ્યા પણ દેખાવે યોગ્ય લાગતા માણસને પૂજા માટે મંદિરની જગ્યા સોંપવી કે નહીં તેની ચર્ચા કરી. નામ ઠામ પૂછતાં તેમણે ખૂબ નમ્રતાથી કહ્યું કે હું એક નામાંકિત જગ્યાના સંતનો સેવક છું, નામ પ્રેમજી છે, પણ ગામ અને અન્ય વિગત પૂછતાં જવાબ આપ્યો કે આપને વિશ્વાસ હોય તો રજા આપો બાકી મારે મારો અન્ય પરિચય આપવો નથી. અમોએ જગ્યામાં પૂજા પાઠ થશે અને આ જગ્યા મોટાભાગે અમારા ગામ લોકોના ખેતરોમાં જવાના માર્ગ પર આવતી હોવાથી દર રોજ નજર તો રહેશેજ, અને આમ પણ ત્યાં ચોરી કરવા જેવું મોટી રકમ નું ખાસ કંઈ ન હોઈને અનુમતિ આપી.


સમય જતાં આ સામાન્ય માણસ સરળ મિલનસાર સ્વભાવ, આવતા જતા લોકોને મીઠા આવકારા સાથે ચા-પાણી, નાસ્તો કે જમવા સુધીનો પ્રેમ ભર્યો આગ્રહ, જગ્યાની સફાઈ સાથે તેમાં વૃક્ષો વાવીને ઊછેર કરવો તેમજ જીવ માત્રને પ્રેમ કરવાનો સ્વભાવ, આવા વર્તન અને ભક્તિ, ભાવ ભજનથી "પ્રેમજી ભગત" નામથી આજુ બાજુ માં જાણીતા બની ગયા. પછીતો ભજન મંડળીઓ આવવા લાગી, સાધુ સંતો પણ પધારવા લાગ્યા, એક સમયે અવાવરુ જેવી લાગતી આ જગ્યા દિવસે દિવસે પ્રખ્યાતિ પામવા લાગી, ભાગવત સપ્તાહનું પણ આયોજન થયું અને હવે પછી દર વર્ષે આવુંજ ભાગવત, રામાયણ કે અન્ય સપ્તાહ નું આયોજન કરવું એમ નક્કી થયું, પણ જેમ માનવીના જીવનમાં ચડાવ ઉતાર આવે છે એમ આ જગ્યામાં પણ બન્યું, કોઈ વટેમાર્ગુ આ ભગતના ભૂતકાળને જાણી ગયો, તેણે જઈને તેના કુટુંબમાં જાણ કરતાં તેમના પુત્રો અને અન્ય કુટુંબી જનો આ જગ્યામાં પધાર્યા, અમોને ગામ લોકોને તો કશી ખબર હતીજ નહીં, પણ મારા એક ખેડુતે આવીને કહ્યું કે બાપુ આપણી જગ્યામાં આજેતો ચાર પાંચ મહેમાનો બહારથી પધાર્યા છે, અમો બેચાર મિત્રો જગ્યા પર આવ્યા અને મહેમાનોને કોઈ જાતની તકલીફ ન પડે માટે યોગ્ય વ્યવસ્થા કરવા લાગ્યા. પ્રેમજી ભગત થોડા મુંઝાએલા હોય એવું લાગ્યું એટલે મેં તેમને એક બાજુ લઈ જઈને કહ્યું કે ભગત મુંજાતા નહીં મહેમાનોને કોઇ અગવડ પડવા નહીં દેવાય, આપ ચિંતા ન કરો. પણ ભગતની ચિંતા કંઈક અલગ હતી. અમોને મહેમાન પાસે લઈ ગયા, અને બધાને સાથે બેસાડીને વાત માંડી. " ભાઈ આપને મારે હવે ચોખ્ખિ વાત કરી દેવી પડશે, આ કોઈ સામાન્ય યાત્રાળુ નથી, પણ મારા સંસારી જીવનના કુટુંબીજનો છે, અને મને પાછો પોતાની સાથે લઈ જવા આવ્યા છે. મારું ગામ રૂપાવટી જે અમરેલીથી થોડે દૂર ગારીયાધાર પાસે આવેલું છે, ત્યાં પૂ. શામળા બાપા કરીને એક સંત રહે છે, મોટી જગ્યા અને સેંકડો અનુઆયીઓ છે, પૂ.બાપાનું મોટું નામ છે, (અત્યારેતો ત્યાં ખૂબ મોટો આશ્રમ બની ગયોછે, પૂ. બાપાના નામની હોસ્પિટલ પણ સેવાના ઉદેશ્ય સાથે કાર્યરત છે, અનેક અન્ય પણ સેવા કાર્યો ચાલુ છે.) હું પૂ.બાપાનો ખાસ સેવક હતો, પણ એક બનાવ એવો બન્યો કે મારાથી કશીક ભૂલ થઈ ગઈ, તો પુ.બાપા મને ખિજાયા, એનોતો મને અફસોસ ન હતો પણ પૂ.બાપાએ કહી દીધું કે મારી જગ્યામાં ન આવતો,-વાત કરતાં પ્રેમજી ભગત રડવા લાગ્યા.- મારો એવો મોટો કોઈ અપરાધ ન હતો બસ સેવા પૂજામાં થોડું સમયસર ન થઈ શક્યું એમાં મને આવડી મોટી સજા? મને ખૂબ લાગી આવ્યું, મનમાં વિચાર કર્યો કે બસ હવે અહીં નથી રહેવું, અને જ્યાં સુધી બાપા ખુદ લેવા ન આવે ત્યાં સુધી જગ્યામાં પગ નથી દેવો, પણ ગામમાંજ રહીશ તો મન મક્કમ નહીં રહે એમ વિચારીને મેં કોઈને કહ્યા વિના ઘર બાર-પરિવાર છોડી દીધો અને ફરતો ફરતો અહીં આવી ચડ્યો. આ કારણેજ મેં આપને મારી ઓળખ આપી ન હતી, હા નામ સાચુંજ કહેલું. હવે આપજ કહો આ લોકો મને લેવા આવ્યા છે, પણ હું મારી ટેક કેમ છોડું?"

ખૂબ સમજાવવા છતાં પ્રેમજી ભગત માન્યા નહીં અને તેમના કુટુંબી જનો ખાલી હાથે પાછા રૂપાવટી પધારી ગયા. હા એક સંતોષ હતો કે હવે તેઓને ખબર હતી કે ભગત આનંદમાં આ જગ્યાએ રહે છે અને કોઈ વાતે ચિંતા કરવા એવું નથી. 

ત્રિજાજ દિવસે ખુદ પૂ.શામળા બાપા બે ત્રણ સેવકો સાથે મોટર લઈને પધાર્યા, -એ જમાનામાં ગામડામાં મોટર આવવી તે એક નવાઈ ભરેલું લાગતું- અમોએ અમારાથી બનતી આગતા સ્વાગતા કરી, વાતતો અમે જાણતાજ હતા, મનમાં પૂ.બાપાને મળવાનો અને તેમના દર્શન કરવાનો આનંદ હતો, અને સાથો સાથ પ્રેમજી ભગતને હવે પૂ.બાપા અહીં રહેવા નહીંદે એ વિચારે દુખ પણ હતું. ખૂબ સમજાવટ પછી પ્રેમજી ભગત પૂ.બાપા સાથે જવા માટે માની ગયા. બાપા પણ ગદગદિત થઈને કહેવા લાગ્યાકે "પ્રેમજી તેંતો મારી પરીક્ષા લઈ લીધી"  

લગભગ આખું ગામ ભેળું થઈ ગયેલું. બાપા તરફથી બટુક ભોજન કરાવવામાં આવ્યું, અને બધાએ આંખોમાં આંસુ સાથે પ્રેમજી ભગતને વિદાય આપી.

   અમો ખૂબજ પ્રેમ પૂર્વક આ સેવક સાથે રહેલા તેથી સમય મળતાં અમો આઠ દશ લોકો રૂપાવટી મળવા ગયા ત્યારે ખબર પડી કે આ પ્રેમજી ભગત તો સુખી અને સંપન્ન કુટુંબના અને પૂ.શામળા બાપાના અનન્ય ભક્તછે, પૂ. બાપાએ અમોને ખુબજ માન પાન સાથે જમાડ્યા અને પરાણે બે દિવસ રોક્યા, નીકળતી વખતે પૂ. બાપાએ આશીર્વચન સાથે કહ્યું કે "તમોએ મારા સેવકને ખૂબ સારી રીતે સાંચવ્યો છે, ઈશ્વર જરૂર તમારા પર અને તમારા ગામ પર કૃપા રાખશે."

શામળા બપાના દર્શન, આશીર્વાદ અને પ્રેમજી ભગતની વસમી વિદાય લઈને અમો પરત ફર્યા.

આ હતા પૂ.શામળા બાપાના એક ભક્તની ઝલક, તો ખુદ બાપા કેવા દયાળુ હશે ?  


કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ  -કચ્છ

૯૪૨૬૧૪૦૩૬૫

તા. ૧૪.૫.૨૦૧૭

No comments:

Post a Comment