Sunday, May 14, 2023

શાને ન ધીર ધરે

                               શાને ન ધીર ધરે ?

૨૪.૧૧.૨૨

ઢાળ;- જબ ચાહ હમારે દિલ મેં હે..જેવો.


કરુણા સાગર ની સહાય રહે, શાને માનવ ના ધીર ધરે

માતંગ ને મણ ભર દેનારો, પથ્થરમાં પુરાયા ના પેટ ભરે...ટેક...


વિઠ્ઠલ ના વચનો યાદ કરો, ગીતા ના જ્ઞાન નું ધ્યાન ધરો

જીવ માત્રનું જતન છે કરનારો, શાને તું જીવ ઉત્પાત કરે...


આભે ઊડનારા વિહંગ ઘણાં, આહાર એને જઈ જળમાં મળે

કોઈ જળચર ઊંડા જળમાં રહે, આવીને સપાટી શ્વાસ ભરે...


કોઈ ધન ના ઢગ પર વસનારો, ઓસડિયાં ચાટી પેટ ભરે

કોઈ ભક્ત ફકીર અલગારી ઓલિયા, મળે ના મળે પણ મોજું કરે...


શ્વાન બચ્ચાનો પાર નહીં, ભટકે ભરખવા અહીં ને તહીં 

વીછણ ને કશી ફરિયાદ નહીં, નારાયણ આવી નિર્વાહ કરે...


"કેદાર" ભરોસો ભૂધર નો કરો,  હૈયામાં હરદમ હરિ ને ધરો

વિશ્વંભર નો વિશ્વાસ કરો,     જગદીશ્વર જીવ ને પાર કરે....  


ભાવાર્થ:-હે જીવ, તું શાને માટે ચિંતા કરે છે ! હાથી જેવા જીવને મણ ભરીને ખોરાક આપનારો, અરે, જે પથ્થર ની અંદર જીવ વસે છે એને પણ પોષણ આપનારો તને કેમ ભુખ્યો રાખશે ?

  ભગવાને ગીતામાં કહ્યું છે કે તમે બધું મારા પર છોડી દો, હું સર્વમાં વ્યાપક છું, જે કંઈ છે તે હું છું, તો આપણે શા ની ચિંતા ?

  ઘણાં આકાશમાં ઊડનારા પક્ષીઓ નો ખોરાક પાણી માં થી મળે છે, જ્યારે પાણી માં વસનારા મોટા ભાગના જીવ ને પાણીમાંજ પ્રાણવાયુ મળી રહે છે, પણ ઘણાં જીવ ને શ્વાસ લેવા માટે પાણી થી બહાર આવવું પડે છે. આ બધા નું ધ્યાન ઈશ્વર રાખે છે, તો આપણું કેમ નહીં રાખે ? 

  કોઈ કોઈ ધનવાન કોઈ કારણ સર બધું હોવા છતાં કંઈ ભોગવી શકતો નથી, અરે, ખોરાક પણ લઈ શકતો નથી, ફક્ત દવાઓ પર જીવન વિતાવે છે. જ્યારે કોઈ ભક્ત-ફકીર કે અલગારી જીવ જે મળે એમાં આનંદ માણે છે.

  કૂતરી અનેક બચ્ચા ને જન્મ આપે છે પછી એને અને પોતાને ખાવા માટે ઘેર ઘેર ભટકવું પડે છે. જ્યારે વીંછણને તો એનાથી અનેક ગણો વિસ્તાર હોય છે, છતાં એ કોઈ ચિંતા કર્યા વિના નારાયણ પર ભરોસો કરીને પોતાની જાતને બચ્ચાને સોંપી દે છે.

  માટે હે જીવ, તું ભગવાન પર સંપૂર્ણ ભરોસો રાખ, સદા હરિ ના નામ નો જાપ કર, પુરા વિશ્વ નું પાલન પોષણ કરનારો તને પણ પાર કરી દેશે. 

જય નારાયણ.


No comments:

Post a Comment