Sunday, May 14, 2023

નવધા ભક્તિ

 

                                                 નવધા ભક્તિ


ઢાળ- બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન -હેતુરે વિનાના ન હોય હેત-જેવો


સાખીઓ-

ઋષિ માતંગ ની શિષ્યા, પંપા સરોવર પાળ.  એકજ આશા હરિ મળે, પછી આવે ભલેને કાળ.    

એક ભરોંસો ગુરુ દેવ નો, વચન ન મિથ્યા જાય. કાયા મહીં કૌવત રહે, હરિ દરશન શુભ થાય 

(ચો) અધમ તે અધમ નારી ભીલ જાતી, જાણે નહિ કોઈ જોગ દીપ બાતી       

     એક ભરોંસો રહે વિશ્વાસે,  ગુરુ મુખ વચન હરિ દર્શન થાશે..................................


ભીલડી તને નવધા ભક્તિ ભણાવું..    તારા હૈયે હામ ધરાવું....


(૧) સંત સમાગમ હરદમ કરવો,     (૨) કથા કીરતન માં જાવું     

(૩) ગુરુ પદ પંકજ સેવા કરવી,      (૪), કપટ તજી પદ ગાવું......


(૫) મંત્ર જાપ ભરોંસો ભૂધર નો,       વેદ પુરાણે ગણાયું   

(૬) સદાચારી રહી કરમો કરવા,       ભૂધર ભજન માં ભીંજાવું....  


(૭) સકળ જગતને હરિ મય માની,  સંત સવાયા જણાવું  

(૮) સંતોષી, પર દોષ ન જોવા,    અષ્ટમ ભક્તિ જણાવું...


(૯) સરલ સ્વભાવ કપટ નહિ મનમાં,  માયા માં ના ફસાવું

    હરખ શોક કોઈ હૃદયે ન ધરવા,   ભાવ ભજન માં ન્હાવું...


જો ગુણ ભાળું એક પણ એથી,   નિશ્ચય પાર કરાવું

"કેદાર" કરુણાકર પાર ઉતારે,    ગુણ ગોવિંદ નું ગાવું...


ભાવાર્થ:-દક્ષિણ ભારતમાં તુંગભદ્રા નદીના ઉત્તર કાંઠે કિષ્કિંધાથી બે માઈલ નૈઋત્યમાં પંપા સરોવર આવેલું છે,  

આ સરોવર પાસે રામની પરમ ભક્ત એક ભીલડી, નામે શબરી રહેતી હતી અને તે પંપા સરોવરને પશ્ચિમ કિનારે રહેતા મતંગ ઋષિની શિષ્યા હતી. મતંગ ઋષિ દેવલોકમાં જતાં પહેલાં શબરીને વચન આપતા ગયેલા કે તને રામ મળશે. જ્યારે લક્ષ્મણ સહિત રામ પધાર્યા ત્યારે એનું પૂજન કરી એમને આશ્રમમાં આસન આપી ચાખી ચાખી ને મીઠાં મીઠાં (પણ એઠાં) બોર ધર્યા. 

    શબરી ની અનન્ય ભક્તિ જોઈને શ્રી રામ ખૂબજ ખુશ થયા, જ્યારે શબરી પોતે કોઈ જાતની ભક્તિ ની રીત ન જાણતી હોવાનું કહ્યું ત્યારે શ્રી રામે તેને નવ પ્રકારની ભક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે આમાંથી કોઈ પણ એક પ્રકારની ભક્તિ કોઈ કરે તો હું તેને આ ભવ સાગરથી પાર ઉતારુ છું, (નરસી મહેતાજીએ કહ્યું છે કે "હરી ના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર રે..." મને પણ લાગે છે કે જો સાક્ષાત્ ઈશ્વર પણ માનવ શરીર માં જન્મ લેવા માંગતા હોય તો એ કેટલો મહાન હશે ? અને મોક્ષ મળ્યા પછી શું કરવાનું ? કંઈ નહીં ? તો માનવ બનીને હરી ભજન માં મગ્ન રહેવું મને ઉત્તમ લાગે છે.) ભક્તિના નવ પ્રકાર છે.


૧, પ્રથમ ભક્તિ છે સંતો મહંતોની સેવા કરવી, તેમના વચનો સાંભળી ને જ્ઞાન લેવું.

૨, બીજી ભક્તિ છે જ્યાં પણ  મારી કથા થતી હોય તેનું શ્રવણ કરવું.

૩, ગુરુ ના ચરણ કમળ ની સેવા કરવી, એટલે કે સદ્દગુરૂ ના દરેક વચનો નું ભાવ થી પાલન કરવું તે ત્રીજી      ભક્તિ છે.

૪, ચોથી ભક્તિ છે કોઈ પણ જાતનું કપટ રાખ્યા વિના મારા નામ નું ગાન કરવું.

૫, પાંચમી ભક્તિ, જે વેદો માં પણ પ્રકાશિત છે એવા મંત્રો પર દ્રઢ વિશ્વાસ રાખીને જાપ કરવો.

૬, છઠ્ઠી ભક્તિ છે, સદાચારી બની ને પોતાના જ્ઞાન નો અહંકાર રાખ્યા વિના ભગવાન નું ભજન કરવું.

૭, સાતમી ભક્તિ છે, સર્વે જીવ ને મારા મય માને છે, અને મારા સંતો ને ઉત્તમ ગણે છે.

૮, આઠમી ભક્તિ છે, જે કંઈ મળે તેમાં સંતોષ પામે અને કોઈના પણ દોષો ને સ્વપ્નમાં પણ ન જોવા.

૯, નવમી ભક્તિ છે, છળ કપટ થી દૂર રહેવું, મારા પર ભરોંસો રાખીને હરખ કે શોક ન કરવો.

  આ નવ પ્રકાર ની ભક્તિ માંથી કોઈ એક પ્રકાર ની પણ ભક્તિ કોઈ કરે તો હું તેના પર પ્રસન્ન રહું છું.

રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim.blogspot.com.

ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment