Sunday, May 14, 2023

ભજન ગંગા

                                          ભજન ગંગા

   ભગવાન શ્રી રામજી એ શબરી ને "નવધા ભક્તિ" વિષે સમજાવ્યું, એટલે કે ભક્તિ નવ પ્રકારે થઈ શકે છે, જેમાંનો એક પ્રકાર છે "ભજન". સામાન્ય લાગતી ભક્તિની આ રીત મારા માનવા પ્રમાણે ઘણીજ કઠિન છે. કથા, આખ્યાન, કે ભજન એકાંત માં કરવા ઘણાંજ અઘરા છે, ભક્ત શ્રી નરસી મહેતા કે મીરાંબાઈ જેવા બહુ ઓછા ભક્તો પોતાના આરાધ્ય ને મૂર્તિમાં સાક્ષાત્ સન્મુખ સમજીને ભજન કરી શકે, જે મારા જેવા સામાન્ય લોકો માટે શક્ય નથી, તેથી આવા દરેક કાર્યમાં શ્રોતાઓ જરૂરી છે, અને શ્રોતાઓ પણ જો ભાવથી વક્તા, ભજન ગાયક ના એક એક શબ્દો સમજીને પોતાના ઘટમાં ઉતારતા હોય અને માણતા હોય તો ભજન ગાયક કે વક્તાના અંતર માંથી વાણીની અમૃત ગંગા વહે છે, જે સંપૂર્ણ વાતાવરણ ને ભક્તિ મય બનાવી દે છે, જોકે અમુક એવા ભજન ના આરાધકો આજ પણ છે જે એકતારાના સંગાથે કોઈ પણ શ્રોતા હોય કે ન હોય આનંદથી એકલાં એકલાં ગાતા હોય છે અને પોતાના આરાધ્યને મનથી સન્મુખ સમજીને સંભળાવતા હોય છે. ધન્ય છે આવા ભાવિક ભક્તોને.

      આજે હું આપને ભજન ની વાત કરવા માંગું છું, કારણ કે ઈશ્વરની અનન્ય કૃપા થી મેં ઘણાં ભજનો, ગરબા અને થોડી અન્ય પ્રાસંગિક રચનાઓ રચી છે, જેમાંથી થોડા ભજનો આજના મુખ્ય કલાકારો એ ગાયા છે, પણ મોટા ભાગના કહેવાતા કલાકારો એ રચયિતા નું નામ અજાણતાં કે જરૂરી ન લાગતાં જાહેર કરવાનું ટાળ્યું છે, અથવાતો બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયું છે તેની નકલ કરી ને રજૂ કરે છે, જ્યારે શ્રીમાન યોગેશપુરી ગોશ્વામિજીએ મારો કોઈજ પરિચય ન હોવા છતાં મારી રચના ની ભાવના સમજીને જાહેર કાર્યક્રમમાં બિરદાવી છે, આ ફરક છે ભજનિક અને ગાયક અથવા ધંધો બનાવી બેઠેલા પાખંડીઓ વચ્ચે. જોકે ભજન તો ભજન છે, તુલસીદાસજી ની એક સાખી છે "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સુલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે લાભ તો કરેજ, પણ જો તેમાં ભાવ ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય.

કદાચ કોઈને લાગે કે હું મારી રચનાઓ નો પ્રચાર કરવા માટે આવું બધું લખતો રહુછું, તો હા, એટલા માટેજ લખુ છું. રામાયણ ના રચયિતા પ્રસિદ્ધ ઋષિ વાલ્મીકિ મહારાજે રામાયણ ની રચના કરી, પણ તે ઉચ્ચ સ્તર ની ભાષામાં હોવાથી તેનો જોઈએં તેવો પ્રચાર ન થયો, ત્યારે તેમણે ઈશ્વર પાંસે એક વધારે જન્મ માનવ કુળમાં માંગ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ રચનાથી સંતોષ નથી થયો માટે હું સરળ ભાષામાં રામાયણ લખીને જગતને આપવા માંગુ છું જેથી તેનો યોગ્ય પ્રચાર થાય અને આપનું ગાન સરળ ભાષામાં સર્વે લોકો ના મન સુધી પહોંચે. ત્યારે ભગવાને તેમને તુલસીદાસ તરીકે જન્મ આપ્યો, અને તુલસીદાસજીએ સરળ ભાષામાં "રામ ચરિત માનસ" ની રચના કરી. કોઈ પણ રચનાકાર ની ધાર્મિક રચના જન જનમાં ગવાય અને જે ધાર્મિક માહોલ બને, લોકો ના દિલ થી જે ઊર્જા પ્રસરીને એક આભા બને તેનો ધાર્મિક લાભ શ્રોતાઓને તો મળેજ પણ સાથો સાથ રચયિતાને પણ તેનો ધાર્મિક લાભ મળેજ, તેથી કોઈ પણ રચનાકાર પોતાની રચનાનો પ્રચાર-પ્રસાર કરે છે, અને તેથીજ હું પણ આવો પ્રયાસ કરતો રહું છું.

      ભજનિક અને ભજન વચ્ચે ધાર્મિકતા સાથે ભક્તિ - સ્નેહનો નાતો જોડાયેલો છે, શાસ્ત્રો એમ કહે છે કે જ્યાં ભજનાનંદ થતો હોય ત્યાં જે આત્માનંદ અનુભવાય છે તેનાથી માયાવી જગત વીસરી જવાય છે, વાતાવરણમાં પ્રસન્નતા ની લહેર ફેલાય છે -ભજનિક, સંગીત, વાદ્ય અને મંડળી મંચ ઉપર બિરાજી ને ભક્તિભાવ સાથે ભજન પ્રવાહ વહેતો કરે ત્યારે સામૂહિક ચેતના જાગે છે, તેમજ આત્મબળ ને શક્તિવાન કરવાનું કામ ભજનો કરે છે - સત્સંગ કરે છે ઈશ્વરી અનેક કૃપાને માનવ સ્વીકારે છે. ઈશ્વર પ્રત્યે જે ઋણ છે તે માટે આભારવશ થવા ભજન મહત્વનું કામ કરે છે. ભગવાનના અસ્તિત્વ ને અલગ અલગ રીતે વિશ્વ ભરમાં અનેક ધર્મો, સંપ્રદાયો પંથો માં એક યા બીજી રીતે ભજન ને સ્થાન અપાયું છે, સાદો, સરળ અને સીધો માર્ગ ભજન હોવાથી તે પ્રકારને લોકપ્રિયતા મળેલી છે, ઈશ્વર સ્મરણ એ દરેક ધર્મનો ઉદ્દેશ રહ્યો છે. સદીઓથી ચાલ્યો આવતો ભજન પ્રકાર સર્વ માન્ય સ્વીકૃતિ પામેલો ભક્તિ પ્રવાહ છે. દુન્યવી જગત ને ભૂલી જઈને થતી યોગસાધના ભક્તિ યોગ નો પ્રકાર છે એમ ભારતીય શાસ્ત્રોમાં અનેક જગ્યા એ ઉલ્લેખે છે.

      પહેલાના સમયમાં વક્તા, વાર્તાકાર, માણ ભટ્ટ, કે ભજન ગાયક પોતાની રીત પ્રમાણે શ્રોતાઓને ભક્તિ રસ પિવડાવતા, પણ આજે તો તેમાં સંગીત સાથે વાદ્યો અને આધુનિક ઉપકરણને પણ સામેલ કરીને, એકાદ સાહિત્યકાર કે હાસ્ય કલાકારને સમાવીને વધારેમાં વધારે શ્રોતાઓને આકર્ષિત કરીને ભક્તિ રસ પિવડાવી શકાય છે, જે આ આધુનિકરણ નો મુખ્ય હેતુ છે, પણ ક્યારેક આવા માધ્યમ થી શ્રોતાઓ ને ભેળા કરીને તેનો ધન લાભ મેળવવામાં ઉપયોગ કરાય છે ત્યારે ત્યાં ભક્તિને બદલે ભભકા અને ભવાડા જોવા-સાંભળવા મળે છે.

      મારા ધારવા પ્રમાણે શ્રોતાઓ, ગાયકો કે વક્તાઓ ત્રણ પ્રકારના હોય છે,  (આ મારું અંગત મંતવ્ય છે) ૧, તાની,  ૨, માની  અને ૩,જ્ઞાની.
  
       ૧, તાની= આ પ્રકારના ગાયકો એટલે એવા કે જેઓને શબ્દો સમજવાની દરકાર કરવાને બદલે શ્રોતાઓને રીઝવવા ભક્તિ રસ ભૂલીને ભૌતિક લાભ મેળવવા ગમે તે સ્તર પર પહોંચીને ગાતા હોય, જ્યારે આ પ્રકારના શ્રોતાઓ પણ ફક્ત જાણે નાચ ગાન કરવા આવ્યા હોય તેમ શું ગવાય છે, તેના શબ્દોની પણ ખબર ન હોય, બસ અવાજની ઊંચાઈ કે વાજિંત્રોના તાલ કે ગાયક ની હો હા પર ઝૂમતા હોય, નાચતા હોય કે ગાયકને પ્રોત્સાહિત કરતા હોય. અહીં ભજન કે ભક્તિ નહીં પણ ભવાઈ વધારે લાગે. 
      ૨,માની,= આ પ્રકારના ગાયકો કે વક્તાઓને ભક્તિ રસ પીરસનાર નહીં પણ ફક્ત વક્તા કે ગાયક કહી શકાય, કારણ કે તેમને ભક્તિ સાથે કોઈજ લેવા દેવા ન હોય. કોઈ પણ પ્રકારના ગીતો ભજન ના નામે ગાવા, નખરા કરીને નાચવું, અને ધન મળતું હોય તો કોઈ પણ નિમ્ન કક્ષાએ પહોંચી શકતા હોયછે, જ્યારે આ બીજા પ્રકારના શ્રોતાઓ ને ભજન કે તેનો અર્થ સમજવાની કોઈ ખેવના ન હોય પણ પધારો પધારો થતું હોય, માન મળતું હોય, શું ગવાય છે ! કયું ભજન છે તે સાંભળવાની કે સમજવાની કદાચ સમજ પણ ન હોય, બસ પોતાની આવભગત થાય અને મોટાઈ મળતી રહે, એજ આશય થી પોતાની જાતને ધાર્મિક બતાવવા ભજનના કાર્યક્રમમાં હાજરી પુરાવવા આવતા હોય છે.
     ૩, જ્ઞાની= આ પ્રકારના સાચા ભજનિકો રચયિતાના એક એક શબ્દોને સમજીને, હ્રદયમાં ઊતારીને, તેમજ શ્રોતાઓને પણ ભજન નું હાર્દ સમજાવીને તેમના અંતરમન ને ભક્તિથી ભરીદે છે, આવા ગાયકોને નિર્ધન કે ધનિક શ્રોતામાં કોઈ અંતર હોતું નથી, બસ એકજ ભાવના હોય છે કે રચયિતાના શબ્દો નો ભાવ શ્રોતાઓ ને સમજાવીને તેને ભાવ વિભોર કરી દેવા, આખું વાતાવરણ ભક્તિથી ભરી દેવું અને ઈશ્વરની ઉપસ્થિતિ સુધીનો એક માહોલ બનાવીને શ્રોતાઓને અને પોતાની જાતને પણ ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દેવી.         

      કોઈ પણ રચનાકાર કે કવી જ્યારે પ્રાસંગિક રચના કંડારતો હોય અને પોતેજ શ્રોતાઓ સમક્ષ પ્રસ્તુત કરતો હોય ત્યારે તેના અંતરમાં થી એક પ્રકારની ઊર્જા સમગ્ર વાતાવરણ ને ભક્તિ મય બનાવી દે છે, કારણ કે કોઈ પણ પ્રકાર ની રચના કરવી કોઈ માનવી ના હાથ ની વાત નથી હોતી, જો ઈશ્વર કૃપા કરે તોજ કવી કે રચનાકાર બની શકાય છે, તેથી કોઈ અન્ય ગાયક કે વક્તા અન્ય ની રચના રજૂ કરવા બેસે તે પહેલાં તેણે રચનાકાર ની રચના ને ઊંડાણ પૂર્વક સમજવી જોઈએં, અને તોજ તે પ્રસંગનું હુ બ હુ વર્ણન કરીને શ્રોતાઓના માનસ પટ પર તે પ્રસંગ એક ચિત્રપટની જેમ તાદૃશ કરી શકે, અને કદાચ તેથીજ સામાન્ય જ્ઞાન ધરાવતા ગાયકો બીજા ભજનિકોએ ગાએલા ભજનો ગાઈને ગુજરાન ચલાવે છે, નવું કંઈ કરી શકતા નથી.
  
  આ સમયે મને બ્રહ્મ લીન સંત શ્રી નારાયણ બાપુ સાથેનો એક પ્રસંગ યાદ આવ્યો તે આપ સમક્ષ ટુકમાં રજૂ કરુછું.

         પુ. બાપુ સાથે થોડી મુલાકાતો થયા બાદ, અને તેમાંએ લોક લાડીલાં પ્રખર જ્ઞાની, વિદ્વાન વકીલ શ્રીમાન સ્વ. નારસંગજી અયાચી ભઈએ મારા કુટુંબ સહિત નો પરિચય આપ્યા બાદ, બાપુના એક ભજન ના કાર્યક્રમમાં હું દૂર શ્રોતા ગણમાં બેઠેલો, ભજન ના વિશ્રામ વેળાએ પુ. બાપુએ મારા તરફ હાથ લંબાવી  -એ દરબાર- એવી હાક મારી મને મંચ પર બોલાવીને સમજાવ્યું કે " અવાજ સારો હોય તો ગાયક બની શકાય, પણ બુદ્ધિ સારી હોય તો પણ કવિ બનાતું નથી, જો  ભગવાન ની કૃપા થાય તોજ બની શકાય, માટે તમે મારા કાર્યક્રમમાં ક્યારેય મારી સમક્ષ નીચે બેઠાં હશો તો મને ગમશે નહીં, કવિઓનું સ્થાન મંચ પરજ હોવું જોઈએં."  (એ સમયે મોબાઈલ હોત, અને આ વિડીયો વાયરલ થયો હોત તો ? પણ આ  "તો" ?) પણ આ સમયે આવું સમજનાર શ્રોતાઓ કે પ્રસ્તુત કરનાર આવું સમજનાર ઓછા છે, એમાં પણ કહેવાતા ઘણાં મોટા કલાકારો સંત કવી મીરાં/નરસી કે તુલસીદાસ, (જેમને સાંભળવા કે તેમની સેવા કરવા માટે સાક્ષાત ઈશ્વર પણ લાલાયિત હોય) જેવા ભક્તોની રચનાઓ પણ પુરી ગાતા નથી અને ભેળ સેળ કરતા હોય છે, તેને સાંભળનારા શ્રોતાઓને પણ કાંતો સમજવાની ક્ષમતા નથી અગર   

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

No comments:

Post a Comment